ઠાકરે સરકાર ભ્રષ્ટાચારી છે, ટૂંક સમયમાં પુરાવા આપીશ: રાણે

16 December, 2020 11:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઠાકરે સરકાર ભ્રષ્ટાચારી છે, ટૂંક સમયમાં પુરાવા આપીશ: રાણે

નારાયણ રાણે

મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં મહા વિકાસ આઘાડી સરકાર ભ્રષ્ટાચારી હોવાનો ગંભીર આરોપ બીજેપીના સંસદસભ્ય નારાયણ રાણેએ  ગઈ કાલે કર્યો હતો. કૉન્ટ્રૅક્ટ મેળવવા માટે ૧૫ ટકા કમિશન આપવું પડતું હોવાનો આક્ષેપ તેમણે આ સમયે કર્યો હતો. પોતાની પાસે આવા ભ્રષ્ટાચારના પુરાવા છે, જે ટૂંક સમયમાં રજૂ કરશે એમ પણ તેમણે પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું.

નારાયણ રાણેએ કહ્યું હતું કે મારી થોડા સમય પહેલાં કેટલાક અધિકારીઓ સાથે વાતચીત થઈ છે. અત્યારે રાજ્યમાં બધે ભયંકર ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાનું જણાયું છે. કોઈ પણ કામનો કૉન્ટ્રૅક્ટ મેળવવા એક, બે, પાંચ નહીં, પંદર ટકા કમિશન લેવામાં આવી રહ્યું છે. આ બધો હિસાબ મારી પાસે છે જે હું ટૂંક સમયમાં રજૂ કરીશ અને એના પુરાવા પણ રજૂ કરીશ. કયા પ્રધાનને કેટલા રૂપિયા વહેંચાયા, કયા અધિકારીને કેટલા રૂપિયા મળ્યા એની માહિતી મારી પાસે છે અને એ હું જાહેર કરીશ. આ પુરાવાના આધારે અત્યારની ઠાકરે સરકાર ભ્રષ્ટાચારીઓની હોવાનું કહી શકાય.

નારાયણ રાણેએ ઉમેર્યું હતું કે કેટલાક દિવસ પહેલાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ અમે તમારી પાછળ હાથ ધોઈને પડીશું એમ કહ્યું હતું. તેઓ કૉન્ટ્રૅક્ટરોની પાછળ હાથ ધોઈને પડ્યા છે. કૉન્ટ્રૅક્ટરો કામ લે નહીં અને કામ થાય જ નહીં એવી પરિસ્થિતિ રાજ્યમાં ઊભી કરવામાં આવી છે. વિકાસ થાય જ નહીં એવો કારભાર સરકાર ચલાવી રહી છે એવો આરોપ તેમણે કર્યો હતો.

mumbai mumbai news uddhav thackeray narayan rane