મીરા-ભાઇંદરમાં કૂતરા પર ટૅક્સ

29 December, 2011 08:03 AM IST  | 

મીરા-ભાઇંદરમાં કૂતરા પર ટૅક્સ


પ્રીતિ ખુમાણ

મીરા-ભાઈંદર મહાનગરપાલિકા વિસ્તારમાં શ્વાનપ્રેમીઓ માટે માઠા સમાચાર છે. તેમણે હવે દર વર્ષે આકરો કરવેરો ચૂકવવો પડશે. આ માટેનો પ્રસ્તાવ સુધરાઈ દ્વારા રજૂ કરવામાં આવ્યો છે અને જો એને મંજૂરી આપવામાં આવશે તો કૂતરો રાખવા માટે વર્ષે ૧૨૦૦ રૂપિયા કર ચૂકવવાનો રહેશે. આને કારણે શ્વાનપ્રેમીઓમાં નિરાશાની લાગણી ફેલાઈ છે. કૂતરો પાળનારને હવે કૂતરા પર દર વષેર્ ૧૨૦૦ રૂપિયા કર ચૂકવવાનો રહેશે.

મીરા-ભાઈંદર મહાનગરપાલિકાની ૨૦૧૧ની ૨૦ એપ્રિલે મહાસભામાં પસાર થયેલા ઠરાવ ક્રમાંક-૨મા દર વર્ષે પાળેલા કૂતરા પર ૧૨૦૦ રૂપિયાનો કર ભરવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. એને આગામી મહાસભામાં અંતિમ નિર્ણય લઈને મંજૂર કરવામાં આવશે. આ પ્રસ્તાવ અનુસાર કૂતરાના ગળામાં બૅજ લગાવવામાં આવશે. આ બૅજને એક નંબર પણ આપવામાં આવશે. કૂતરાના કરનિયમ ૨૦૧૧ અનુસાર આ નિયમનું પાલન ન કરનાર પાસેથી કૂતરો જપ્ત કરવામાં આવશે.

મીરા-ભાઈંદરમાં કૂતરાઓને જરૂરી એવી કોઈ સુવિધા મળતી નથી. આખા મીરા-ભાઈંદરમાં કૂતરાઓ માટે શ્વાનગૃહ નથી. મીરા-ભાઈંદરના ભટકતા કૂતરાઓ માટે નસબંધી કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું, પણ પૈસાના અભાવે એ બંધ પડ્યું છે. કૂતરાને દફનાવવા મીરા-ભાઈંદરમાં ક્યાંય જગ્યા પણ નથી. કોઈ પણ સુવિધા આપ્યા વગર જ પ્રશાસન અમારી પાસેથી આટલી મોટી રકમ કેવી રીતે વસૂલ કરી શકે છે એવો સવાલ મીરા-ભાઈંદરના શ્વાનપ્રેમીઓ પ્રશાસનને પૂછી રહ્યા છે.