ભારતમાં તમે યોગ્ય રાજ્ય અને યોગ્ય શહેરની પસંદગી કરી છે

16 July, 2025 10:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇલેક્ટ્રિક કાર ટેસ્લાનો ભારતનો પહેલો શોરૂમ મુંબઈમાં ખૂલ્યો, ઉદ‍્ઘાટનમાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું...

ગઈ કાલે બાંદરા કુર્લા કૉમ્પ્લેક્સમાં શરૂ થયેલા ટેસ્લા એક્સ્પીરિયન્સ સેન્ટરમાં કારને વધાવતા અને અજમાવતા દેવેન્દ્ર ફડણવીસ.

વિશ્વભરમાં જાણીતા બિઝનેસમૅન ઈલૉન મસ્કની ઇલેક્ટ્રિક વેહિકલ્સમાં ખ્યાતનામ એવી ટેસ્લા કંપનીએ ગઈ કાલે બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં ભારતનો એનો પહેલો શોરૂમ ઓપન કર્યો હતો. આ ઉદ્ઘાટન પ્રસંગમાં હાજરી આપનાર રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘આજે ટેસ્લાએ એનો શોરૂમ ઓપન કર્યો છે. અમે ઇચ્છીશું કે એ એના રિસર્ચ અને ડેવલપમેન્ટ સેન્ટર સાથે કારનું ઉત્પાદન પણ ભારતમાં કરે. તમે ભારતને તમારા પાર્ટનર ગણો.’

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘ટેસ્લા એક્સ્પીરિયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે ત્યારે તેમણે રાઇટ રાજ્ય અને રાઇટ સિટીની પસંદગી કરી છે એમ હું કહીશ - મહારાષ્ટ્ર અને મુંબઈ. મુંબઈ નવીનતા અને સસ્ટેનેબિલિટી માટે જાણીતું છે. ટેસ્લા ફક્ત કારકંપની નથી; એ એની ડિઝાઇન, નવીનતા, ઇનોવેશન અને સસ્ટેનેબિલિટી માટે જાણીતી છે અને એથી જ એની કાર વિશ્વભરમાં વખણાય છે.’

જાતઅનુભવને લોકો સાથે શૅર કરતાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘સૌથી પહેલાં હું ૨૦૧૫માં અમેરિકામાં ટેસ્લામાં બેઠો હતો. એ વખતે મેં વિચાર્યું હતું કે ભારતમાં પણ આ કાર હોવી જોઈએ. ખેર, એ વાતને ૧૦ વર્ષ થયાં, પણ આખરે આજે તમે આવી પહોંચ્યા છો એ આનંદની વાત છે. મને ખાતરી છે કે ભારત તમારી કાર માટેના એક મહત્ત્વના માર્કેટ તરીકે ઊભરશે. ભારતના લોકો ટેસ્લાની રાહ જોઈ રહ્યા છે.’

મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિક વાહનોના વિકાસ માટે તૈયાર છે એમ જણાવીને દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘અમે મૅન્યુફૅક્ચરિંગ હબ પણ છીએ. અમે અમારી પૉલિસી દ્વારા ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વેહિકલ પ્રમોશન અને મૅન્યુફૅક્ચરર્સને ઇન્સેન્ટિવ્સ આપીએ છીએ. આ એક સારી શરૂઆત છે અને એથી માર્કેટ પણ તૈયાર થશે.’

ઑટોમોબાઇલ માર્કેટ એક્સપર્ટ્સના કહેવા મુજબ ગયા મહિને જ ટેસ્લાએ લોઢા લૉજિસ્ટિક પાર્કમાં ૨૪,૫૬૫ સ્ક્વેરફુટની જગ્યા પાંચ વર્ષ માટે ભાડે લીધી હતી. એ પછી એક શિપમેન્ટ ચાઇનાના પ્લાન્ટમાંથી આવ્યું છે જેમાં ‘ટેસ્લા મૉડલ Y’ SUVનો સ્ટૉક આવ્યો છે. કેન્દ્રના હેવી ઇન્ડસ્ટ્રીઝ પ્રધાન એચ. ડી. કુમારસ્વામીએ કહ્યું હતું કે ટેસ્લા ભારતમાં એમની કારનું ઉત્પાદન કરવા બહુ ઉત્સુક નથી, પણ એને શોરૂમ ખોલવામાં વધુ રસ છે.  

મૉડલ Y RWD, રેન્જ ૫૦૦ કિલોમીટર

સ્ટેલ્થ ગ્રે

 ૬૧,૦૭,૧૯૦

પર્લ વાઇટ–મ​લ્ટિ કોટ

૬૨,૦૩,૧૪૦

ડાયમન્ડ બ્લૅક

૬૨,૦૩,૧૪૦

ગ્લૅસિયર બ્લુ

૬૨,૩૩,૪૪૦

​ક્વિક સિલ્વર

૬૨,૯૪,૦૪૦

અલ્ટ્રા રેડ

૬૨,૯૪,૦૪૦

મૉડલ Y લૉન્ગ રેન્જ RWD, રેન્જ ૬૨૨ કિલોમીટર

સ્ટેલ્થ ગ્રે

 ૬૯,૧૫,૫૯૦

પર્લ વાઇટ–મ​લ્ટિ કોટ

૭૦,૧૧,૧૪૦

ડાયમન્ડ બ્લૅક

૭૦,૧૧,૧૪૦

ગ્લૅસિયર બ્લુ

૭૦,૪૧,૪૪૦

​ક્વિક સિલ્વર

૭૧,૦૨,૪૪૦

અલ્ટ્રા રેડ

૭૧,૦૨,૪૪૦

મૉડલ Y લૉન્ચ, ઑન-રોડ પ્રાઇસ જાણો 
ટેસ્લાએ હાલ એનું Y મૉડલ ભારતમાં લૉન્ચ કર્યું છે. એનાં બે વર્ઝન છે.કંપનીએ કુર્લા-વેસ્ટમાં એનું સર્વિસ સેન્ટર અને આફ્ટરસેલ્સ સપોર્ટની ફૅસિલિટી રાખી છે. કંપનીની રજિસ્ટર્ડ ઑફિસ બૅન્ગલોરમાં આવેલી છે, જ્યારે એન્જિનિયરિંગ હબ પુણેમાં રાખવામાં આવ્યું છે.

bombay stock exchange devendra fadnavis mumbai mumbai news elon musk tesla maharashtra maharashtra news news