મુંબઈના ગુજરાતીઓ ISISનો ટાર્ગેટ

24 December, 2014 03:26 AM IST  | 

મુંબઈના ગુજરાતીઓ ISISનો ટાર્ગેટ



ભૂપેન પટેલ અને શિરીષ વક્તાણિયા

ઇસ્લામિક સ્ટેટ ઑફ ઇરાક ઍન્ડ સિરિયા (ISIS) પ્રત્યે સહાનુભૂતિ ધરાવનારાં ભાંગફોડિયાં તત્વોમુંબઈની એક સ્કૂલમાં પાકિસ્તાનના પેશાવર જેવા હુમલાના પ્લાનમાં હોવાના સમાચારો વચ્ચે એવું પણ જાણવા મળ્યું હતું કે સિરિયાના આ આતંકવાદી સંગઠનમાં જોડાવા કલ્યાણના ચાર યુવકો ગયા હતા એમાંથી એકે કરેલી ટ્વીટને કારણે ઇન્ટેલિજન્સ એજન્સીઓ ઉપરતળે થઈ ગઈ છે. તાજેતરમાં ટ્વીટ કરીને ફહાદ શેખ નામના આ યુવકે મુંબઈમાં ગુજરાતીઓ પર અટૅકની ધમકી આપી હોવાનું ઇન્ટેલિજન્સ ઑફિસરોએ જણાવ્યું હતું.

ટ્વીટમાં કહેવાયું હતું કે ‘ગુજરાતનાં રમખાણોમાં ગુજરાતીઓએ પૈસા પૂરા પાડ્યા હતા અને અનેક નિર્દોષ મુસ્લિમો માર્યા ગયા હતા એથી મુંબઈ પર ૨૬/૧૧નો હુમલો કરવામાં આવ્યો હતો. હવે તેઓ ફર્સ્ટક્લાસમાં છે... બૂમ...’

ગુજરાતીઓ શા માટે નિશાન પર?

ઇન્ટેલિજન્સ બ્યુરોના અધિકારીઓએ જણાવ્યા પ્રમાણે ‘આ મેસેજથી સ્પષ્ટ છે કે કલ્યાણના આ યુવકો ગુજરાતીઓ પ્રત્યે નફરત ધરાવે છે. તેઓ માને છે કે ગુજરાતનાં રમખાણોને કારણે જ તેમના જેવા યુવકો આતંકવાદી પ્રવૃત્તિમાં મહત્વના રોલ ભજવે છે.’

કયા એરિયાઓમાં અલર્ટ


આ ધમકીને ગંભીરતાથી લઈને મુંબઈ પોલીસ સતર્ક બની ગઈ છે અને ગુજરાતીઓની બહોળી વસ્તી ધરાવતા મુલુંડ, ઘાટકોપર, વિલે પાર્લે, કાંદિવલી, બોરીવલી અને દહિસર જેવા એરિયાઓમાં હાઈ અલર્ટ જાહેર કરવામાં આવી છે.

પોલીસ-અધિકારીઓ શું કહે છે?


મુલુંડ, ઘાટકોપર અને વિદ્યાવિહાર એરિયાના ડેપ્યુટી પોલીસ-કમિશનર ડૉ. વી. રાઠોડે કહ્યું હતું કે ‘મારા વિસ્તારમાં ગુજરાતીઓની બહોળી વસ્તી હોવાથી અમે દેખરેખ વધારી દીધી છે. લોકલ પોલીસ-સ્ટેશનોમાં ઍન્ટિ ટેરર સેલ્સને અલર્ટ પર રખાયા છે. પોલીસે એનું નેટવર્ક સક્રિય કર્યું છે અને આ રીતે આંખ અને કાન ખુલ્લાં રાખ્યાં છે. સાદા કપડાંમાં પોલીસ-ઑફિસરોનું પૅટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે અને પોલીસની ક્વિક રિસ્પૉન્સ ટીમને પણ અલર્ટ કરાઈ છે.’

પોલીસની નાતાલની છુટ્ટી કૅન્સલ

મુંબઈના નૉર્થ રીજનમાં પણ પોલીસને હાઈ અલર્ટ પર રખાઈ છે અને પોલીસમેનોની છુટ્ટી કૅન્સલ કરવામાં આવી છે. ગોરેગામથી દહિસર સુધીનાં તમામ ૧૬ પોલીસ-સ્ટેશનો હાઈ અલર્ટ પર છે.

કલ્યાણના ચાર યુવકોનું પ્રકરણ શું છે?

આ વર્ષે મેમાં શાહીન ટંકી, ફહાદ શેખ, અમન ટંડેલ અને આરિફ મજીદ નામના કલ્યાણના ચાર યુવકો વેસ્ટ એશિયાની ધાર્મિક ટૂર પર ગયા હતા અને ત્યાર બાદ ત્યાંથી ગાયબ થઈને ત્લ્ત્લ્માં જોડાઈ ગયા હોવાના અહેવાલ હતા. ગયા મહિને અચાનક આરિફ મજીદ સ્વદેશ પાછો આવ્યો હતો અને નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ તેને તાબામાં લઈને પૂછપરછ શરૂ કરી હતી. જોકે બાકીના ત્રણેયનો હજી સુધી કોઈ અતોપતો નથી અને તેઓ સિરિયામાં આ આતંકવાદી સંગઠન માટે કામ કરી રહ્યા હોવાનું માનવામાં આવે છે.