કચ્છમા કોવિડ-ટેસ્ટની અપૂરતી સુવિધાને લીધે કચ્છ ગયેલા મુંબઈગરાઓને ટેન્શન

25 November, 2020 07:36 AM IST  |  Mumbai | Rohit Parikh

કચ્છમા કોવિડ-ટેસ્ટની અપૂરતી સુવિધાને લીધે કચ્છ ગયેલા મુંબઈગરાઓને ટેન્શન

કચ્છ એક્સપ્રેસ

કચ્છમાં સરકારમાન્ય હૉસ્પિટલમાં કોવિડ-ટેસ્ટની પૂરતી સુવિધા ન હોવાથી મહારાષ્ટ્ર સરકારના ગુજરાતમાંથી મુંબઈમાં પ્રવેશ કરતી વખતે કોરોનાના આરટી-પીસીઆર નેગેટિવ રિપોર્ટ સાથે રાખવાના આજથી અમલમાં આવી રહેલા નિયમને કારણે ગઈ કાલથી કચ્છના આરોગ્ય વિભાગના અધિકારીઓની દોડાદોડ શરૂ થઈ ગઈ છે. આની સાથે મુંબઈથી કચ્છમાં કાર્તિક આઠમ અને પૂનમના દિવસે ધાર્મિક પ્રસંગ અટેન્ડ કરવા ગયેલા અનેક મુંબઈગરાઓ ટેન્શનમાં આવી ગયા છે. જેમની ગઈ કાલની મુંબઈ આવવાની ટિકિટો હતી તેઓ તો ભગવાન ભરોસે કોઈ પણ જાતના કોવિડ-ટેસ્ટના રિપોર્ટ વગર મુંબઈ આવવા રવાના થઈ ગયા છે. અહીં આજે પહોંચીને શું છે થશે એની તેમને ખબર નથી.

રેલવે પ્રવાસીઓ માટેનો નિયમ
વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને મહારાષ્ટ્ર રાજ્ય સરકારે બહારગામથી ટ્રેનમાં આવતા પ્રવાસીઓ જેમની પાસે કોવિડની આરટી-પીસીઆર ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ હશે તેમને મુંબઈમાં પ્રવેશ આપશે. બોરીવલી, બાંદરા ટર્મિનસ અને દાદર રેલવે-સ્ટેશનોએ જેમની પાસે આ રિપોર્ટ નહીં હોય તેમનું સ્ટેશન પર જ થર્મલ સ્ક્રીનિંગ-ઍન્ટિજન રૅપિડ ટેસ્ટ કરવામાં આવશે. એમાં જો કોરોનાનાં લક્ષણ જણાશે તો તેમની આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવશે. એમાં જો કોવિડ પૉઝિટિવ રિપોર્ટ આવશે તો એ પ્રવાસીએ હૉસ્પિટલમાં ઍડ્મિટ થવું પડશે. કોરોના-ટેસ્ટ અને હૉસ્પિટલનું બિલ જે-તે પ્રવાસીએ ભરવાનું રહેશે.

કચ્છમાં કેટલી સુવિધા છે
મળેલી માહિતી મુજબ કચ્છમાં કોવિડ-ટેસ્ટ માટે સરકારની એકમાત્ર હૉસ્પિટલ અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ-ભુજમાં જ સુવિધા છે. આ હૉસ્પિટલની પ્રતિદિન આરટી-પીસીઆર ટેસ્ટની ક્ષમતા ૧૫૦ લોકોની જ છે. એ સિવાય અલગ-અલગ તાલુકામાં ૬ કલેક્શન સેન્ટર છે. આ ત્રણેય કલેક્શન સેન્ટર કોવિડ-ટેસ્ટ અને એના રિપોર્ટ માટે અમદાવાદ, રાજકોટ અને દિલ્હી પર નિર્ભર છે.

સુવિધા વધારવાની માગણી
આ બાબતે માહિતી આપતાં કચ્છ જન જાગૃતિ અભિયાનના સક્રિય કાર્યકર ઋષભ મારુએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અત્યારે કચ્છમાં ફક્ત અદાણી હૉસ્પિટલમાં જ કોવિડની ટેસ્ટ થાય છે, જેનો રિપોર્ટ ૨૪ કલાક પછી મળે છે. એક વાર ટેસ્ટ કરાવ્યા પછી એ વ્યક્તિએ ૨૪ કલાક હૉસ્પિટલમાં જ રહેવું પડે છે. જો એ વ્યક્તિનો નેગેટિવ રિપોર્ટ આવે તો જ હૉસ્પિટલમાંથી રજા મળે છે. આ સિવાય અમુક મથકો પર સરકારી રીતે ટેસ્ટ કરવામાં આવે છે, પણ આ લૅબ્સમાં ફક્ત જે વ્યક્તિમાં કોવિડનાં લક્ષણો હોય તેની જ ટેસ્ટ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે માંડવીમાં ફક્ત ૨૦ લોકોની જ સુવિધા છે એને કારણે ભુજની અદાણી હૉસ્પિટલમાં ખૂબ ધસારો રહે છે.’

અમે પણ ચિંતિત
કચ્છ ભુજના ચીફ સિવિલ સર્જ્યન ડૉ. કશ્યપ બુચે ઋષભ મારુની વાત સાથે સહમત થતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘માર્ચ મહિનાથી કોવિડ આવ્યો ત્યારથી અમે અમદાવાદ, રાજકોટ અને દિલ્હીની લૅબ્સને સૅમ્પલ મોકલીને કોવિડ ટેસ્ટના રિપોર્ટ કઢાવીએ છીએ. થોડા સમય પછી ભુજમાં અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સમાં કોવિડ-ટેસ્ટની સુવિધા શરૂ કરવામાં આવી છે. એ સિવાય સરકારે બીજી ૬ પ્રાઇવેટ લૅબને સૅમ્પલ કલેક્શન કરવાની માન્યતા આપી છે. અત્યારે કચ્છમાં પણ કોવિડની બીજી વેવ શરૂ થઈ છે. એમાં મહારાષ્ટ્ર સરકારના નવા એસઓપીને કારણે મુંબઈથી કચ્છ આવેલા પ્રવાસીઓ ટેન્શનમાં છે. આનને માટે અમે આજે કોર કમિટીની મીટિંગ કરી હતી, જેમાં કચ્છના બધા તાલુકામાં કેવી રીતે કોવિડ-ટેસ્ટની સુવિધા ઊભી કરવી એની ચર્ચા કરીને ગુજરાત સરકાર સમક્ષ એની રજૂઆત કરી છે.

કચ્છ જિલ્લા આરોગ્યના હેડ ડૉ. પ્રેમ કન્નરે કહ્યું કે કચ્છમાં સરકારમાન્ય અદાણી હૉસ્પિટલમાં પ્રતિદિનની કોવિડ-ટેસ્ટની ૧૫૦ જણની સુવિધા છે, એ વાતને રદિયો આપતાં કહ્યું હતું કે ‘આ હૉસ્પિટલમાં કોવિડ-ટેસ્ટની પૂરેપૂરી સુવિધા છે. લોકોએ પૅનિક થવાની જરૂર નથી. રાજ્ય સરકારનો આદેશ આવશે તો અમે કલેક્શન સેન્ટર વધારી દઈશું.’

ભગવાન ભરોસે
આજે કચ્છથી મુંબઈ પાછા ફરી રહેલા નવી મુંબઈના રહેવાસી અને એપીએમસી માર્કેટમાં અનાજના બ્રોકર બ્રિજેશ દામજીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા સાધુ-ભગવંતો કાર્તિક પૂનમે કચ્છના અમારા ગામથી વિહાર કરવાના હોવાથી હું મારા પરિવાર સાથે દિવાળીના તહેવાર પછી કચ્છ આવ્યો હતો. મહારાષ્ટ્ર સરકારે અચાનક અમુક નિયમો જાહેર કરતાં અહીં મુંબઈથી આવેલા બધા કચ્છી જૈન સમાજના લોકો ટેન્શનમાં આવી ગયા છે. અમારી પાસે ગઈ કાલની ટિકિટ હોવાથી અમારી પાસે કોવિડ ટેસ્ટ કરાવવા માટે કોઈ સમય નહોતો એટલે મારા જેવા અનેક પરિવાર ટેસ્ટ-રિપોર્ટ વગર જ મુંબઈ આવવા ભગવાન ભરોસે નીકળી પડ્યા છીએ. અમે જ્યારે દાદર ટ્રેનમાંથી ઊતરીને બહાર નીકળીશું ત્યારે જ અમને સરકારના નિયમનો સાચો અનુભવ થશે.’

આજે ટેસ્ટ કરાવીશું
ચેમ્બુરમાં ગ્રોસરીનો બિઝનેસ કરતા જય ગંગરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું મારાં મમ્મી-પપ્પા અને પરિવાર સાથે કચ્છ આવ્યો હતો. મારી ૨૭ નવેમ્બરની રિટર્ન ટિકિટ છે. અમે છ જણ છીએ. મહારાષ્ટ્ર સરકારના નવા નિયમથી મારો પરિવાર ટેન્શનમાં આવી ગયો છે. સમય ઓછો છે અને ટેસ્ટ-રિપોર્ટ મળતાં સમય લાગે તો અમારો મુંબઈ આવવાનો પ્રોગ્રામ અટકી જાય. જોકે અહીંની એક પ્રાઇવેટ લૅબમાં તપાસ કરતાં તેમણે ૨૦૦૦ રૂપિયા લઈને અમને ૨૪ કલાકમાં કોવિડ-ટેસ્ટનો રિપોર્ટ આપવાની ખાતરી આપી છે. આજે અમે ટેસ્ટ કરાવવા જઈશું પછી જ અમને આગળનો ખ્યાલ આવશે. અહીં અનેક મુંબઈગરાઓ એવા પણ મળ્યા જેઓને ૨૦૦૦ રૂપિયા ખર્ચવા નથી. આથી તેઓ ઍન્ટિજન ટેસ્ટ કરાવીને મુંબઈ આવવા નીકળી જવાના છે. તેઓ કહે છે કે જો હોગા વો મુંબઈ જાકે દેખા જાયેગા.’

ટેસ્ટ માટે વેઇટિંગ લિસ્ટ
મુંબઈથી કોડાઈ ગયેલા એક યુવાને તેનું નામ ન છાપવાની શરતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે કોડાઈમાં કોવિડ-ટેસ્ટ છેક શનિવારે થવાની છે. ત્યાં એક સમયે ફક્ત ૨૫ કોવિડ-ટેસ્ટ થાય છે. અત્યારે ત્યાં ૩૫ લોકો વેઇટિંગમાં છે. મારો નંબર ૩૫મો છે. ખબર નથી શનિવાર શું થશે, પણ જાણકારી મળ્યા મુજબ ત્યાં પહેલાં જેને કોવિડનાં લક્ષણો હોય તેમની જ ટેસ્ટ થાય છે.’

અમારું શું થશે?
કચ્છ યુવક સંઘના કારોબારી સભ્ય અને જોગેશ્વરીના રહેવાસી હરખચંદ સાવલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે સોમવારે મહારાષ્ટ્ર સરકારે કોવિડના નવા નિયમો જાહેર કરતાં અમે કચ્છમાં અમારા સાધુ-ભગવંતોને મળવા આવેલા સિનિયર સિટિઝનો સહિતના ૮૦ લોકો ટેન્શનમાં આવી ગયા છીએ. અમારા બધાની ટિકિટ ૧ ડિસેમ્બરની છે, પણ કોવિડ-ટેસ્ટ કરાવવા માટે અમારે અમારા ગામ બેરાજાથી ભુજ જવું પડે. જ્યાં પહોંચતાં અમને દોઢથી બે કલાક લાગી જાય. એટલે અમે આ બધું કેવી રીતે મૅનેજ કરી શકીશું એ જ સમજાતું નથી.

mumbai mumbai news kutch coronavirus covid19