અંધેરીમાં શનિવારે અને રવિવારે કચ્છી રાજગોર સમાજની ટેનિસ બૉલ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

10 April, 2026 10:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

છેલ્લાં બે વર્ષથી આયોજિત આ ટુર્નામેન્ટમાં સમાજના અગ્રણીઓ, મહાનુભાવો અને ક્રિકેટરસિકો તરફથી અદ્ભુત સહકાર-યોગદાન મળી રહ્યાં છે.

પ્રતીકાત્મક તસવીર

શ્રી કચ્છી રાજગોર યુનિટી ગ્રુપ - મુંબઈ દ્વારા શ્રી કચ્છી રાજગોર યુનિટી લીગ સીઝન-૩નું આયોજન શનિવારે ૧૧ એપ્રિલે અને રવિવારે ૧૨ એપ્રિલે છત્રપતિ શિવાજી મહારાજ ક્રીડા સંકુલ, અંધેરી-વેસ્ટમાં કરવામાં આવ્યું છે. રાજગોર સમાજની આ ઑક્શન-બેઝ્‍ડ ઓવરઆર્મ ટેનિસ બૉલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મુંબઈ અને કચ્છના કુલ ૧૫૦થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે જેમાંથી ૬૦થી વધુ ખેલાડીઓ કચ્છથી ખાસ આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા આવવાના છે.    

૮ માર્ચે બોરીવલીમાં આ લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઑક્શન યોજાયું હતું જેમાં ભાગ લઈ રહેલા ૧૫૦ જેટલા ખેલાડીઓને નાઇસ ઇલેવન, નીરવ ઇલેવન, પરેશ ઇલેવન, ધર્મા ઇલેવન, જૅકી ચૅલેન્જર્સ રુદ્ર, મૈત્રી મેવરિક્સ, નર્મદા સુપર કિંગ્સ,  MM સ્ટ્રાઇકર્સ, સિયા સ્ટ્રાઇકર્સ અને બ્રહ્મતેજ ડોમ્બિવલી મળીને ૧૦ ટીમમાં વહેંચવામાં આવ્યા છે. સમસ્ત ટુર્નામેન્ટનું યુટ્યુબ પર લાઇવ પ્રસારણ કરવામાં આવશે.

છેલ્લાં બે વર્ષથી આયોજિત આ ટુર્નામેન્ટમાં સમાજના અગ્રણીઓ, મહાનુભાવો અને ક્રિકેટરસિકો તરફથી અદ્ભુત સહકાર-યોગદાન મળી રહ્યાં છે. પ્રથમ બન્ને સીઝનમાં કચ્છી નાઇસ ઇલેવન ટીમ ચૅમ્પિયન બની હતી અને આ વખતે પણ એ કમાલ કરીને ચૅમ્પિયનશ‌િપની હૅટ-ટ્રિક કરે છે કે નહીં એ જોવું રસપ્રદ બની રહેશે.

mumbai news mumbai kutchi community gujarati community news gujaratis of mumbai cricket news