બાંદરા દેરાસરમાં એક ભાડૂતથી તો ટ્રસ્ટીઓ તોબા

12 August, 2022 10:01 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

શ્રી સંભવનાથ જિનાલયે એના પરિસરમાં વર્ષોથી ઝૂંપડામાં રહેતા માણસે ટ્રસ્ટની જમીન પચાવી પાડી હોવાની, ટ્રસ્ટીઓને ત્યાં જવા દેતો ન હોવાની અને ધમકાવતો હોવાની પોલીસમાં નોંધાવી ફરિયાદ

બાંદરાનું શ્રી સંભવનાથ જિનાલય, શરદ મદને

બાંદરા-વેસ્ટના બજાર રોડ પર આવેલા શ્રી સંભવનાથ જિનાલયે તેમના જ પરિસરમાં વર્ષોથી ઝૂંપડામાં ભાડે રહેતા શરદ મદનેએ ટ્રસ્ટની જમીન પચાવી પાડી હોવાની અને ટ્રસ્ટીઓને ત્યાં જવા દેતો ન હોવાની અને ધમકાવતો હોવાની બાંદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ટ્રસ્ટનું કહેવું છે કે આ પહેલાં પણ શરદ મદનેએ તેમને બહુ જ ત્રાસ આપ્યો છે અને તે ગુંડા પ્રવૃત્તિનો માણસ છે એટલે તેની સામે મારઝૂડ કરવી, ગાળો ભાંડવી સહિત છેડતી અને હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુના પણ નોંધાયા છે.  

હાલની ફરિયાદ બાબતે માહિતી આપતાં ટ્રસ્ટ વતી ફરિયાદ કરનાર ભૂતપૂર્વ ટ્રસ્ટી રાજેશ સંઘવીએ  ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શરદ મદને અને તેનો પરિવાર દેરાસરના ટ્રસ્ટની જમીન પર જ ઝૂંપડું બાંધીને ભાડેથી રહે છે. તેના દાદાના સમયથી એ ઝૂંપડું છે. મૂળમાં ત્યાં ૧૪ ઝૂંપડાં હતાં જેમાંથી ૧૩ જણ નીકળી ગયા છે. શરદ મદને એ જમીન જે દેરાસરની છે એના પર રહે છે તથા ઝૂંપડું ખાલી કરતો નથી. એટલું જ નહીં, તેણે ટ્રસ્ટની ૫૦ ફુટ જેટલી જમીન જે તેના ઝૂંપડાને લાગીને આવેલી છે એ પણ પચાવી પાડી છે. દેરાસર દ્વારા ત્યાં દીવાલ બાંધી સિમેન્ટની શીટ નાખીને એ જગ્યાનો વસ્તુઓ રાખવા સ્ટોરરૂમ તરીકે ઉપયોગ થતો હતો. એમાં લાકડાના બે દરવાજા, આરસપહાણના બે કળશ, તાંબાના ત્રણ મોટા ઘડા અને અન્ય કેટલીક વસ્તુઓ રાખવામાં આવતી હતી. એ જગ્યા શરદ મદને અને તેના દીકરાએ તોડીફાડી નાખીને એ વસ્તુઓ ચોરી લીધી છે અને અમને ત્યાં જવા નથી દેતો. એ જગ્યા તેની હોવાનો કેસ પણ કર્યો હતો. જોકે સ્મૉલ કૉઝ કોર્ટમાં તે કેસ હારી ગયો છે. એથી તેને દેરાસર પર ગુસ્સો છે. તે અમને ધમકાવે છે અને ગાળો ભાંડે છે. તેણે ફરી એક કેસ કર્યો છે જે જમીન બાબતનો નહીં પણ ઝૂંપડાના ભાડા બાબતનો છે જે હાલ સબ-જુડિસ છે. ’

રાજેશ સંઘવીએ વધુમાં કહ્યું હતું કે ‘શરદ મદને ગુંડા પ્રવૃત્તિનો માણસ છે. ટ્રસ્ટ ત્યાં એક મેડિકલ સેન્ટર પણ ચલાવે છે જેનો તેને વિસ્તાર કરવો છે, પણ મદનેના ઝૂંપડાને કારણે એ કામ પણ અટકી પડ્યું છે. તે અવારનવાર કંઈ ને કંઈ બખેડો કરતો રહેતો હોય છે. ટ્રસ્ટ દ્વારા તેની સામે ૧૭થી ૧૯ ફરિયાદો થઈ છે જેમાં હત્યાનો પ્રયાસ અને છેડતીના ગુનાનો પણ સમાવેશ થાય છે. બાંદરા પોલીસ અમને સહકાર આપે છે, પણ એમ છતાં તેની ધાકધમકી અટકતી નથી. એથી અમે ફરી એક વાર તેની સામે ફરિયાદ કરી છે.’

આ સંદર્ભે આરોપી શરદ મદનેનો સંપર્ક થઈ શક્યો નહોતો. આ સંદર્ભે બાંદરા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર રાજેશ દેવરેનો સંપર્ક કરતાં તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે આ સંદર્ભે ગુનો નોંધીને કેસની તપાસ શરૂ કરી છે. આ કેસમાં કોઈની ધરપકડ કરાઈ નથી.’ 

mumbai mumbai news bandra bakulesh trivedi