મૂળ સમસ્યા મલાડ ઈસ્ટમાંથી વેસ્ટમાં અંતિમયાત્રા લઈ જનારાઓને

02 March, 2020 06:00 PM IST  |  Mumbai Desk | bakulesh trivedi

મૂળ સમસ્યા મલાડ ઈસ્ટમાંથી વેસ્ટમાં અંતિમયાત્રા લઈ જનારાઓને

મલાડ-ઈસ્ટના રાણીસતી માર્ગથી મલાડ વેસ્ટમાં જવા માટેનો મુંબઈ મહાનગરપાલિકાના ફુટઓવર બ્રિજનાં પગથિયાંનો ભાગ તોડીને નવો બનાવવા હાલ બંધ કરી દેવાનો હતો, પણ લોકોએ આંદોલન અને ધરણાં કરતાં હવે એ બ્રિજની પાસે જ પહેલાં ટેમ્પરરી પગથિયાંની સીડી બનાવાશે અને એ પછી જ ઓરિજિનલ બ્રિજનાં પગથિયાં તોડી પડાશે એમ પાલિકાના અધિકારીઅે લોકોને શનિવારે મોડી રાતે જણાવ્યું હતું. 

એ બ્રિજ બંધ કરી પાલિકા તરફથી બોર્ડ મારવામાં આવ્યું હતું જેમાં કહેવાયું હતું કે જો કોઈને ઈસ્ટમાંથી વેસ્ટમાં કે વેસ્ટમાંથી ઈસ્ટમાં આવવું-જવું હોય તો એ લોકો કાંદિવલી સાઇડના બ્રિજનો ઉપયોગ કરે.

અંતિમયાત્રા માટે અનુકૂળ
હવે બને છે એવું કે રાણીસતી માર્ગવાળો એ જે બ્રિજ છે એ ગોરેગામ સાઇડ આવેલો છે જ્યારે કાંદિવલી સાઇડનો બ્રિજ ત્યાંથી ખાસ્સો લાંબે છે. એથી લોકોને આવવા-જવામાં ઘણી જ અગવડ પડે છે. સામાન્ય લોકો તો હજી પણ એટલું ચાલી નાખે, પણ મૂળ જે સમસ્યા છે એ ઈસ્ટમાંથી વેસ્ટમાં અંતિમયાત્રાને લગતી છે. મલાડ ઈસ્ટમાં સ્મશાન ન હોવાથી મૃતદેહને મલાડ વેસ્ટમાં એસ.વી. રોડ પર આવેલી ન્યુ ઇરા ટૉકિઝની પાછળના સ્મશાનમાં લઈ જવાય છે. એ માટે આ એફઓબી (ફુટઓવર બ્રિજ)બહુ જ અનુકૂળ પડે છે અને બોડી સ્મશાને લઈ જતા ડાઘુઓને પણ તેનાથી સરળતા રહે છે, પણ બ્રિંજ બંધ કરવાને કારણે હવે જો ઈસ્ટમાંથી બોડી વેસ્ટમાં લઈ જવી હોય તો એ માટે બોરીવલી-કાંદિવલી વચ્ચેના સબવેનો ઉપયોગ કરવો પડે છે. એ માટે બે કિલોમીટરનું ચક્કર લગાવવું પડે છે. વળી મુસ્લિમોનું કબ્રસ્તાન પણ વેસ્ટમાં જ આવેલું હોવાથી મુસ્લિમ બિરાદરો માટે પણ અગવડભર્યું જ છે. જ્યારે કે બીજી તરફ ગોરેગામ-મલાડ વચ્ચેના ફ્લાયઓવરથી અંતિમયાત્રા લઈ જવી પડે છે, એ પણ બહુ જ લાંબુ અંતર થઈ જાય છે.
એવા આક્ષેપ થઈ રહ્યા છે કે દર બે-ત્રણ વર્ષે આ બ્રિજનું સમારકામ કરવું પડે છે. જો પાલિકા કૉન્ટ્રૅકટરોને નાણાંની ચુકવણી કરે જ છે તો પછી ફરી ફરી બ્રિજ નબળો કેમ પડે છે? અવારનવાર સમારકામ કેમ કરવું પડે છે?

અમારે કાંઈ લાગેવળગે નહીં : રેલવે
સ્થાનિકોએ જ્યારે રેલવેને આ બાબતે પૂછ્યું ત્યારે તેમને કહેવામાં આવ્યું કે અડધા-અડઘા પોર્શનનું કામ થશે, અડધો બ્રિજ ચાલુ રહેશે. વળી સ્ટેરકેસનો જે ભાગ છે એ સીટી લિમિટમાં આવતો હોવાથી અમારે એની સાથે લાગેવળગે નહીં. પહેલાં બીએસની દ્વારા એ કામ ૨૫ તારીખે ચાલુ થવાનું હતું ત્યાર બાદ નવું બોર્ડ લગાડી ૨૯ તારીખ લખાઈ. શનિવારે એ એફઓબીનાં પગથિયાં તોડવા બુલડોઝર પણ મગાવી લેવાયું હતું. સ્થાનિકોને એવી જાણ થઈ છે કે પાલિકા એક તરફનો પોર્શન પણ ખુલ્લો નથી રાખવાની અને આખો જ દાદરો તોડી નવો બનાવવાની છે એથી એ કામને લાંબો સમય લાગશે.

મોડી રાતે ધરણાં
લોકોમાં એથી ઉશ્કેરાટ વ્યાપી ગયો હતો. શનિવારે મોડી રાતે અનેક લોકો ત્યાં જમા થઈ ગયા હતા અને જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ન કરાય ત્યાં સુધી કામ ચાલુ કરવા નહીં દેવું એવી માગ સાથે ધરણાં પર બેસી ગયા હતા. પોલીસ પણ આવી પહોંચી હતી. એ પછી સ્થાનિક નગરસેવક ઉદય મિશ્રા પણ ઘટનાસ્થળે ધસી ગયા હતા. તેમણે બીએમસીના ઑફિસરો સાથે અને પોલીસ અધિકારીઓ સાથે ફોન પર વાત કરી હતી. પાલિકાના બ્રિજ ડિપાર્ટમેન્ટના અધિકારી ધનક પણ ત્યાં દોડી આવ્યા હતા. તેમણે લોકોને સંબોધતા કહ્યું હતું કે બ્રિજ જર્જરિત થઈ ગયો હોવાથી તેનું સમારકામ જરૂરી હતું, પણ હવે લોકોને પડનારી હાલાકીને ધ્યાનમાં રાખી પહેલાં ટેમ્પરરી બ્રિજ બનાવીશું પછી આ બ્રિજનું કામ ચાલુ કરીશું.