ઠંડી નથી ક્રિસમસ વેકેશન પર, બે દિવસમાં પારો ફરી નીચે જશે

29 December, 2022 08:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈમાં શિયાળાની આ સીઝનમાં ગયા અઠવાડિયે મિનિમમ તાપમાન ૧૫ ડિગ્રી જેટલું નીચે નોંધાતાં મુંબઈગરાઓએ ઠંડીનો અનુભવ કર્યો હતો

મુંબઈમાં ગઈ કાલે ભારે ધુમ્મસ છવાતાં મોટા ભાગના ટાવરો એની પાછળ છુપાઈ ગયા હતા. તસવીર: શાદાબ ખાન

મુંબઈ : ક્રિસમસમાં મુંબઈમાં સારી ઠંડી અનુભવાયા બાદ છેલ્લા બે દિવસથી તાપમાનમાં ફરી વધારો થયો છે. હવામાન વિભાગે નવા વર્ષ સુધી ઠંડીનું પ્રમાણ રહેવાની આગાહી કરી હતી, પરંતુ તાપમાન ઘટવાને બદલે વધી રહ્યું છે એટલે મુંબઈમાં સહેજ ગરમી અનુભવાઈ રહી છે. આમ આ વખતની સીઝનમાં પહેલી વાર જોવા મળેલી ઠંડી અચાનક ગાયબ થઈ ગઈ છે. જોકે હવામાન વિભાગે આગામી બે-ત્રણ દિવસમાં ફરી તાપમાનમાં ઘટાડો થવાની આગાહી કરી છે.

મુંબઈમાં શિયાળાની આ સીઝનમાં ગયા અઠવાડિયે મિનિમમ તાપમાન ૧૫ ડિગ્રી જેટલું નીચે નોંધાતાં મુંબઈગરાઓએ ઠંડીનો અનુભવ કર્યો હતો. હવામાન વિભાગે આગામી થોડા દિવસ સુધી 
આવું જ વાતાવરણ રહેવાની આગાહી કરી હતી. જોકે છેલ્લા બે દિવસથી મુંબઈમાં તાપમાન ૨૦ ડિગ્રીથી ઉપર નોંધાઈ રહ્યું છે.

હવામાન વિભાગની મુંબઈ વેધશાળાની માહિતી મુજબ છેલ્લા બે દિવસમાં મુંબઈમાં ૧૭થી ૨૦ ડિગ્રી જેટલું નીચું તાપમાન નોંધાયું હતું, જે ગયા અઠવાડિયાના ૧૫ ડિગ્રીથી થોડું વધારે રહેતાં અત્યારે ઠંડીનો અનુભવ નથી થઈ રહ્યો. મુંબઈ સહિત રાજ્યભરમાં આગામી નવા વર્ષ સુધી ઠંડીના પ્રમાણમાં વધારો થવાની શક્યતા હતી, પરંતુ બે દિવસથી પારો થોડો ઉપર ગયો છે.

આગામી ૨૪થી ૪૮ કલાક દરમ્યાન મુંબઈમાં મિનિમમ તાપમાન ૧૯થી ૨૦ ડિગ્રી અને મૅક્સિમમ તાપમાન ૨૯થી ૩૧ ડિગ્રી રહેવાની શક્યતા છે. આથી આટલા સમય સુધી અત્યારે છે એવું જ વાતાવરણ રહેશે. જોકે એ પછીના દિવસોમાં પારો ફરી ૧૫ ડિગ્રી જેટલો નીચો જઈ શકે છે. હવામાનમાં થઈ રહેલા ફેરફારને લીધે તાપમાનમાં વધઘટ જોવા મળી રહી છે. 

mumbai mumbai news indian meteorological department