વસઈ સ્ટેશન પર ટ્રેનમાં બાવીસ લાખ રૂપિયાના દાગીના ચોરાયા ઉપલેટાની મહિલાના...

05 May, 2025 07:01 AM IST  |  Telangana | Gujarati Mid-day Correspondent

આરોપી પાસેથી પોલીસે કડક તપાસ કરીને ૨૧.૭૦ લાખ રૂપિયાના દાગીના પણ રિકવર કર્યા છે. ૧૧ એપ્રિલે ભારતીબહેન પ્રસંગ નિમિતે બૅન્ગલોર ગયાં હતાં. ત્યાંથી ટ્રેનમાં ઘરે પાછાં ફરી રહ્યાં હતાં એ સમયે ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો.

તેલંગણમાંથી ધરપકડ કરવામાં આવેલો સચ્ચિદાનંદ દુબે.

બૅન્ગલોરથી રાજકોટના ટ્રેનના પ્રવાસ દરમ્યાન ઉપલેટા તાલુકાના ગધેથડ ગામમાં રહેતાં ૩૪ વર્ષનાં ભારતી વાળાના આશરે બાવીસ લાખ રૂપિયાના દાગીના વસઈ રેલવે-સ્ટેશનથી ચોરી કરીને નાસી જનારા ૫૯ વર્ષના સચ્ચિદાનંદ દુબેની વસઈ ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)એ તેલંગણના સાંગરેડ્ડી જિલ્લામાંથી ધરપકડ કરી હતી. આરોપી પાસેથી પોલીસે કડક તપાસ કરીને ૨૧.૭૦ લાખ રૂપિયાના દાગીના પણ રિકવર કર્યા છે. ૧૧ એપ્રિલે ભારતીબહેન પ્રસંગ નિમિતે બૅન્ગલોર ગયાં હતાં. ત્યાંથી ટ્રેનમાં ઘરે પાછાં ફરી રહ્યાં હતાં એ સમયે ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો.

આટલી મોટી ચોરીની ફરિયાદ નોંધાતાં ચોરને પકડવા માટે GRPએ વિવિધ ટીમો બનાવી હતી અને ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને ચોરને પકડવામાં સફળતા મળી હતી.

તેલંગણમાંથી ચોરને પકડી લાવનાર પોલીસને બિરદાવીએ એટલું ઓછું છે એમ જણાવતાં ભારતીબહેનના પતિ રાજેન્દ્રસિંહ વાળાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૧૧ એપ્રિલે મારી પત્ની અને દીકરો બૅન્ગલોરથી રાજકોટ આવવા માટે કોઇમ્બતુર એક્સપ્રેસના ટૂ-ટિયર AC કોચમાં પ્રવાસ કરી રહ્યાં હતાં. એ દરમ્યાન વસઈ રેલવે-સ્ટેશન આવતાં મારી પત્નીની એક બૅગ ચોરી થઈ હતી, જેમાં આશરે બાવીસ લાખ રૂપિયાના દાગીના હતા. ટ્રેન ચાલુ હતી એટલે મારી પત્નીએ પહેલાં ટ્રેનમાં આગળ-પાછળ શોધ લીધી હતી, પણ બૅગ ન મળતાં મારી પત્નીએ વલસાડ રેલવે-પોલીસમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી. સામાન્ય રીતે ટ્રેનમાંથી ચોરી થયેલો માલ પાછો મળતો નથી એવી ધારણા હોય છે, પણ અમે પોલીસ પર પૂરેપૂરો વિશ્વાસ રાખ્યો હતો જેમણે મહેનત કરીને અમારા દાગીના પાછા મેળવી આપ્યા છે.’

આરોપી વિવિધ રાજ્યોમાં જઈને ચોરીને અંજામ આપતો હતો એટલું જ નહીં, ચોરીના સમયે તે પોતાનો ફોન પણ સાથે રાખતો નહીં જેથી તેને ટ્રૅક કરવો ખૂબ જ મુશ્કેલ હતો એમ જણાવતાં વસઈ GRPના સિનિયર ઇન્સ્પેક્ટર ભગવાન ડાંગેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રાથમિક રીતે આ ફરિયાદ વલસાડમાં નોંધવામાં આવી હતી. જોકે આ ઘટના અમારા વિસ્તારમાં થઈ હોવાથી કેસ અમને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. આ કેસમાં ટ્રેનમાં લાગેલાં CCTV કૅમેરાએ અમને ખૂબ જ મદદ કરી હતી જેમાંથી અમને આરોપીનો ફોટો મળી આવ્યો હતો. ત્યાર બાદ અમે ટેક્નૉલૉજીના આધારે આરોપીની માહિતી ભેગી કરી હતી જેમાં અમને જાણવા મળ્યું હતું કે આરોપી ચોરી કર્યા બાદ તેલંગણ પાછો ફર્યો હતો. 

એ માહિતીના આધારે અમારી ટીમ તેલંગણ પહોંચી હતી જ્યાં સ્થાનિક નાગરિકોની મદદ લઈને આરોપી સુધી પહોંચીને તેની ધરપકડ કરી હતી. આરોપીએ તમામ દાગીના ત્યાંના એક જ્વેલરને વેચી દીધા હતા જેની પાસેથી અમે દાગીના રિકવર કર્યા છે. આરોપી વિવિધ રાજ્યોમાં ફરીને આવી રીતે જ ચોરીને અંજામ આપતો હતો.’

vasai mumbai railways Crime News mumbai crime news telangana bengaluru valsad rajkot