લગ્નોમાં લૂંટ ચલાવવા મધ્ય પ્રદેશના એક ગામના ૫૦ જણ મુંબઈમાં

12 December, 2014 05:44 AM IST  | 

લગ્નોમાં લૂંટ ચલાવવા મધ્ય પ્રદેશના એક ગામના ૫૦ જણ મુંબઈમાં



સૌરભ વક્તાણિયા

મુંબઈમાં મૅરેજની સીઝનમાં ભપકાદાર રિસેપ્શનોમાં મહેમાનો સાથે ભળી જઈને જ્વેલરી અને રોકડ રકમ સહિતનો દલ્લો ઉઠાવી જવા માટે એક આખું ગામ ઊતરી પડ્યું હોવાની બાતમી બાદ મુંબઈ પોલીસ સતર્ક થઈ હતી અને ખબરીઓનું નેટવર્ક ગતિમાન કરીને જાણ્યું હતું કે મધ્ય પ્રદેશના જાતખેડી ગામના ૫૦ જેટલા લોકો મુંબઈમાં મોટો હાથ મારવા આવી પહોંચ્યા છે, જેમાં બાળકો અને મહિલાઓ પણ છે. પોલીસ મુંબઈભરમાં થતાં લગ્નોમાં સાદાં કપડાં પહેરીને નજર રાખી રહી છે. 

પાંચ ડિસેમ્બરે કાંદિવલીના એક હૉલમાં મૅરેજ ફંક્શન દરમિયાન એક ટીનેજર બ્રધર-સિસ્ટરને મહેમાનો સાથે ભોજન કરતાં અને દસ લાખ રૂપિયાની કિંમતની જ્વેલરી અને રોકડ રકમની ચોરી કરતાં CCTV કૅમેરા ફૂટેજમાં જોયાં બાદ કાંદિવલી પોલીસે પગેરું દબાવ્યું હતું અને ગયા રવિવારે પોલીસે મલાડના એક હૉલમાં મૅરેજ ફંક્શનમાંથી ૧૧ અને ૧૬ વર્ષની આ ભાઈ-બહેનની જોડીને ઝડપી લીધી હતી અને બહાર તેની મમ્મી મેલાંઘેલાં કપડાંમાં રમકડાં વેંચતી પકડાઈ હતી. આ ફંક્શનમાંથી પણ તેમણે દાગીના, કૅશ અને અન્ય મોંઘી વસ્તુઓ ભરેલી એક બૅગ ઉઠાવી હતી.

આ ફૅમિલીએ પોલીસને કહ્યું હતું કે તેના ગામની ૫૦ જેટલા માણસોની ફોજ મુંબઈમાં ઊતરી છે જે વિવિધ વિસ્તારોમાં આ રીતે મહેમાનો સાથે સુઘડ કપડાંમાં પહોંચી જાય છે અને મોંઘેરી ચીજ-વસ્તુઓ ઉઠાવી જાય છે. આ ફૅમિલીએ આ પહેલાં પણ જુહુ, અંધેરી, ઓશિવરા, મલાડ, બોરીવલી અને કાંદિવલીમાં લગ્ન-સમારંભોમાં ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું.

આ બ્રધર-સિસ્ટરની જોડીએ ૩૦ નવેમ્બરે એક જ દિવસે અંધેરી રિક્રિયેશન ક્લબ અને ઓશિવરામાં મહેશ્વરી હૉલ એમ બે અલગ-અલગ લગ્નોમાં ચોરી કરી હોવાના CCTV કૅમેરા ફૂટેજ હાથ લાગ્યા હોવાનો દાવો પોલીસે કર્યો છે.  અંધેરીના લગ્ન સમારંભના ફૂટેજ પ્રમાણે આ બન્ને ફુલફટાક કપડાં પહેરીને લગ્ન સ્થળે પહોંચ્યાં બાદ છોકરીએ રેકી કરી હતી અને છોકરો લગ્નના સ્થળે સ્ટેજ પર અન્ય બાળકો સાથે રમવા ગયો હતો અને મોકો મળતાં જ ત્યાં બેઠેલી એક મહિલાની બ્રિફકેસ ઉઠાવીને નાસી ગયો હતો. બપોરે લગભગ પોણા બે વાગ્યે દોઢ લાખની કિંમતી વસ્તુઓ ઉઠાવીને નીકળી ગયા બાદ આ જોડી ઓશિવરામાં પહોંચી હતી અને ત્યાં પણ આવી જ ટ્રિક અજમાવી હતી.

ઓશિવરા પોલીસમાં ચોરીની ફરિયાદ નોંધાવનારા પ્રફુલ હળદણકરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ચારેક વાગ્યે આ છોકરો-છોકરી હોલમાં પ્રવેશ્યાં હતાં. છોકરી ઊભી હતી અને છોકરો સ્ટેજ પર અન્ય બાળકો સાથે રમવા પહોંચ્યો હતો. તેણે સ્ટેજ પર કેટલાંક ફૂલો ચૂટતાં તેને એક મહિલાએ પણ ધમકાવ્યો હતો, પરંતુ કોઈ બાળક ચોર હશે એવી કલ્પના ક્યાંથી હોય?’

ન્યુલી મૅરિડ કપલને સ્ટેજ પર ગિફ્ટ મળતી હતી તેમાં રોકડના કવર કે મોંઘી પણ દાગીના જેવી નાની ગિફ્ટ હોય તે બાજુમાં રાખેલી એક બ્રિફકેસમાં મૂકવામાં આવતી હતી. આ બ્રિફકેસનું ધ્યાન આ ફરિયાદીનો દીકરો રાખતો હતો. જોકે આ બ્રિફકેસ જ ગાયબ થઈ જતાં સૌને આંચકો લાગ્યો હતો. લગભગ ત્રણેક લાખનો ફટકો પડ્યો હોવાનું જણાવતાં પ્રફુલ હળદણકરે કહ્યું હતું કે ‘CCTV કૅમેરા ફૂટેજમાં એક છોકરી આ છોકરાને ક્યારે બૅગ ઉઠાવવી તેનો દિશા-નિર્દેશ આપતી હતી. આ બાળકોને બરાબર ટ્રેનિંગ મળી હોવાનું જણાઈ રહ્યું છે.’

DN નગર પોલીસ-સ્ટેશનના ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર ચવાણે કહ્યું હતું કે ‘કાંદિવલી પોલીસે પકડેલાં બાળકો જ આ ફૂટેજમાં છે કે કેમ તેની તપાસ થઈ રહી છે. હવે તેમની કસ્ટડી મેળવવાના પ્રયાસ કરીશું.’ કાંદિવલી પોલીસે આરોપી પરિવારને ર્કોટમાં હાજર કર્યા બાદ આ ભાઈ-બહેનને રિમાન્ડ હોમમાં અને તેની મમ્મીને પોલીસ કસ્ટડીમાં મોકલી આપી હતી. પોલીસ હવે તેના ગામના અન્ય લોકોની પણ શોધ કરી રહી છે.