ટીનેજરોને બારમાં એન્ટ્રી ન મળતાં હોટેલના મૅનેજર-ગાર્ડની કરી પિટાઈ

06 October, 2012 05:40 AM IST  | 

ટીનેજરોને બારમાં એન્ટ્રી ન મળતાં હોટેલના મૅનેજર-ગાર્ડની કરી પિટાઈ



કાંદિવલી (વેસ્ટ)ના હિન્દુસ્તાન નાકા વિસ્તારમાં આવેલી કૌસ્તુભ બાર ઍન્ડ રેસ્ટાંરામાં ગુરુવારે રાત્રે સાડાદસ વાગ્યે ટીનેજરોને બારમાં એન્ટ્રી ન મળતાં તેમણે બારના મૅનેજર અને સિક્યૉરિટી ગાર્ડની મારપીટ કરી બારમાં તોડફોડ કરી હતી. આ સંદર્ભે કાંદિવલીની પોલીસે પંદર વર્ષના એક ટીનેજર સહિત સાથીદારમાં ૨૨ વર્ષના ભગવાન અને ૨૫ વર્ષના ઘનશ્યામની ધરપકડ કરી હતી.

કાંદિવલી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર હરેશ્વર પિંપળેએ કહ્યું હતું કે ‘ગુરુવારે રાત્રે ભગવાન અને ઘનશ્યામ પાંચ-છ ટીનેજરો સાથે બારમાં દારૂ પીવા ગયા હતા એટલે હોટેલના મૅનેજરે ટીનેજરો પાસે એન્ટ્રી માટે આઇડેન્ટિટી કાર્ડ માગ્યું હતું. આઇડેન્ટિટી કાર્ડ ન હોવાથી મૅનેજરે તેમને હોટેલમાં પ્રવેશવા દીધા નહોતા એટલે ટીનેજરોએ એ વિસ્તારમાં રહેતા તેમના બીજા ટીનેજર સાથીદારોને બોલાવી લીધા હતા અને હોટેલના મૅનેજર સહિત સિક્યૉરિટી ગાર્ડની ભરપૂર મારપીટ કરી હતી. ઉપરાંત બારમાં ઘૂસીને હોટેલનાં ટેબલ-ખુરસી તોડ્યાં હતાં અને બિયરોની બૉટલો લઈ નાસી ગયા હતા. પોલીસે ત્રણ જણની ધરપકડ કરી હતી અને અન્ય ટીનેજરોને શોધી રહી છે.’