ઘાટકોપરની નીલકંઠ વૅલીમાં ઘરમાં ઘૂસીને ટીનેજર પર રહસ્યમય હુમલો

16 October, 2014 05:49 AM IST  | 

ઘાટકોપરની નીલકંઠ વૅલીમાં ઘરમાં ઘૂસીને ટીનેજર પર રહસ્યમય હુમલો


નીલગીરી બિલ્ડિંગમાં રહેતા રાજેશ શાહના ઘરમાં ગઈ કાલે સાંજે સાડાછથી સાત વાગ્યાની વચ્ચે થયેલી આ ઘટનાથી બિલ્ડિંગમાં રહેતા લોકોમાં ખળભળાટ મચી ગયો હતો. નવાઈની વાત એ છે કે આ બિલ્ડિંગમાં CCTV કૅમેરા હોવા છતાં ચોર કૅમેરામાં આવ્યો નથી. બિલ્ડિંગમાં સિક્યૉરિટી ગાર્ડ હોવા છતાં ચોર બિલ્ડિંગમાં ઘૂસી ગયો હતો.

શું થયું હતું?

આ ઘટના વિશે માહિતી આપતાં બિલ્ડિંગમાં રહેતી એક વ્યક્તિએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સાંજે ચૈતાલી તેની મોટી બહેન સલોની સાથે ઘરમાં એકલી હતી. પોણાસાત વાગ્યાની આસપાસ સલોની જિમ જવા માટે નીકળી હતી. જતી વખતે સલોનીએ દરવાજો બરાબર નહોતો લગાવ્યો. ત્યારે ચૈતાલી વૉશરૂમમાં ગઈ હતી. વૉશરૂમમાંથી બહાર આવતાં ચૈતાલીએ કાળા કલરનાં કપડાં પહેરેલી વ્યક્તિને ઘરમાં જોઈ. તેને જોતાં ચૈતાલી તેની સામે ગઈ. ઘરમાં ઘૂસી ગયેલા ચોરે ચૈતાલીના મોઢા પર રૂમાલ રાખ્યો હતો. ચૈતાલીએ ચોરને પેટમાં મુક્કો માર્યો હતો. આ ઝપાઝપીમાં ચોર ઘરમાંથી ભાગી ગયો હતો.’

સિક્યૉરિટી સુપરવાઇઝરનું શું કહેવું છે?

નીલગિરિ બિલ્ડિંગના સિક્યૉરિટી સુપરવાઇઝરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટના બની ત્યારે હું જગ્યા પર નહોતો, પણ મારી સાથેનો બીજો ગાર્ડ અહીં જ બેઠો હતો. તેણે કોઈ વ્યક્તિને આવતી કે જતી જોઈ નહોતી. વિઝિટર્સ બુકમાં પણ છઠ્ઠા ફ્લોરની કોઈ એન્ટ્રી નથી થઈ. CCTV કૅમેરામાં પણ કોઈ વ્યક્તિ દેખાતી નથી.’