Teen Corner : હું એકદમ ટેક્નૉહૉલિક છું

31 August, 2012 08:01 AM IST  | 

Teen Corner : હું એકદમ ટેક્નૉહૉલિક છું


નામ : સ્નેહિત જૈન

કૉલેજ : ઋતંભરા, જુહુ

અભ્યાસ : કૉમર્સ

ધોરણ : ૧૨મું (એસવાયજેસી)

સરનામું : મલાડ-વેસ્ટ

મમ્મી-પપ્પા : સીમા-સપન

ફૉરેનની ડિગ્રી અને બિઝનેસ

મારું સપનું ભવિષ્યમાં સોનાના દાગીના બનાવવાનો બિઝનેસ શરૂ કરવાનું છે. એ માટે મેં વિચાર્યું છે કે હું બારમા પછી પાર્લાની એનએમઆઇએસ અથવા પુણેની સિમ્બાયોસિસ કૉલેજમાંથી બીબીએ (બૅચલર ઑફ બિઝનેસ ઍડ્મિનિસ્ટ્રેશન) કરીશ અને ત્યાર પછી વધુ અભ્યાસ માટે લંડન જઈ ત્યાંની કોઈ સારી યુનિવર્સિટીમાંથી એમબીએની ડિગ્રી મેળવીશ. અભ્યાસ પછી માત્ર અનુભવ ખાતર કોઈને ત્યાં થોડો સમય કામે લાગવામાં મને વાંધો નથી, પરંતુ નોકરી તો ક્યારેય નહીં કરું. મારો અલ્ટિમેટ ગોલ તો મારો પોતાનો બિઝનેસ જ હશે.

ભણવા સિવાય

સ્વભાવે હું એકદમ ટેક્નૉહોલિક છું. એક નહીં તો બીજા ગૅજેટ સાથે મારો રોમાન્સ સતત ચાલ્યા જ કરે છે. બજારમાં આવતાં દરેક નવાં ગૅજેટ્સથી મારે અપડેટ રહેવું જ પડે. મારી પાસે સારામાં સારા મોબાઇલથી માંડી પ્લેસ્ટેશન અને આઇપૅડ સુધી બધું જ છે. જોકે એ બધામાં પ્લેસ્ટેશન મારું ફેવરિટ છે. સમય મળે તો હું એના પર એકધારું બેથી ત્રણ કલાક રમી શકું છું. એ સિવાય મને શૉપિંગનો પણ બહુ શોખ છે. મારું શૉપિંગ વર્ષભર ચાલે. હું વિન્ડો શૉપિંગ પણ ખૂબ કરું અને જ્યારે જ્યાં જે ગમે એ ઉપાડી પણ લઉં. ઉપરાંત છોકરો હોવાથી ગાડીઓનો શોખ પણ ખરો. નવી-નવી આલીશાન ગાડીઓના ફોટા ભેગા કરવા મારું પૅશન છે.

કૉલેજલાઇફ એન્જૉય કરું છું

મારા મિત્રો સાથે હું લેક્ચર્સ અટેન્ડ પણ કરું છું અને બન્ક પણ કરું છું. અમારી કૉલેજની પાસે બેસતો નંદુઝ નામનો ઢોસાવાળો અમારો મુખ્ય અડ્ડો છે. લેક્ચર્સમાં ન બેઠા હોઈએ તો મોટા ભાગે ત્યાં જ હોઈએ. દિવસમાં તેનો એક ઢોસો ન ખાઈએ તો અમને ન ચાલે. કૉલેજ ઉપરાંત મારું છ જણનું બીજું પણ એક ગ્રુપ છે. તે બધાને રોજ સાંજે મળવાનું એટલે મળવાનું જ. તેમની સાથે પાર્ટીઓ પણ ખૂબ થાય. મહિને ત્રણ-ચાર તો ખરી જ. વધુમાં રિલીઝ થતી દરેક નવી મૂવી પણ અમે જોવા જઈએ. એમાંય જો એ ફિલ્મ પાછી શાહરુખ ખાનની હોય તો-તો ફસ્ર્ટ ડે - ફસ્ર્ટ શો જોવા જવું પડે.

મને ગમે છે

મને ટીવી જોવાનો એવો કોઈ ખાસ શોખ નથી. ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલ એવી છે, જે મારો આખો પરિવાર સાથે મળીને એન્જૉય કરે છે. એથી એ નિયમિત ધોરણે જોઉં છું, બાકી બીજી કોઈ સિરિયલ જોતો નથી. હા, ફિલ્મોનો શોખ ખૂબ. એમાંય હિન્દી કૉમેડી અને હૉલીવુડની ઍક્શન મૂવીઝ તો બહુ જ ગમે. હીરોમાં મેં કહ્યું એમ શાહરુખ ખાન મારો ફેવરિટ છે. મારા ગ્રુપમાં બીજા બધાને સલમાન ખાન ગમે છે, એથી આ મુદ્દે અમે બધા અવારનવાર બાખડી પણ પડીએ, પરંતુ તેમની લાખ દલીલો છતાં શાહરુખ પ્રત્યેના મારા પ્રેમમાં જરાય ઓટ આવી નથી. મને તેના અભિનયથી માંડી પર્સનાલિટી સુધી બધું જ બહુ ગમે  છે. હિરોઈનમાં એવું કોઈ ખાસ ગમતું નથી. એક દીપિકા પાદુકોણ માત્ર તેના લુક્સને કારણે થોડીઘણી ગમે છે.

મારો આદર્શ

જે રીતે માતા-પિતા પોતાના પરિવાર વચ્ચે સરસ સંતુલન જાળવવાનો પ્રયાસ કરે છે એ જોતાં મારા પિતા હંમેશાંથી મારા સૌથી મોટા આદર્શ રહ્યા છે. કામ પરથી તેઓ ગમે તેટલા થાકીને પણ કેમ ન આવે, પરંતુ અમારી ઇચ્છા બહાર ફરવા જવાની હોય તો તેઓ ક્યારેય ના પાડતા નથી. એ સિવાય મને તો તેઓ ખૂબ જ લાડ લડાવે છે અને મારી દરેક ઇચ્છા પૂરી કરે છે. એથી સ્વાભાવિક રીતે મને તે વધુ ગમે છે.

- ફાલ્ગુની જડિયા-ભટ્ટ

તસવીર : નિમેશ દવે