Teen Corner : મને છોટા ભીમ ફૅસિનેટિંગ લાગે છે

13 July, 2012 07:01 AM IST  | 

Teen Corner : મને છોટા ભીમ ફૅસિનેટિંગ લાગે છે

નામ : મૌલિક વારિયા

કૉલેજ : નગીનદાસ ખાંડવાલા કૉલેજ, મલાડ

અભ્યાસ : કૉમર્સ

ધોરણ : ૧૨મું (એસવાયજેસી)

સરનામું : કાંદિવલી-વેસ્ટ

મમ્મી-પપ્પા : હેતલ-મનીષ

બિઝનેસમૅન બનવું છે

મારા જીવનની દિશા મેં અત્યારથી જ નક્કી કરી રાખેલી છે. બારમા પછી હું બૅચલર ઇન અકાઉન્ટિંગ ઍન્ડ ફાઇનૅન્સ (બીએએફ-બૅફ)ની ડિગ્રી મેળવીશ અને ત્યાર બાદ એમબીએ (માસ્ટર ઑફ બિઝનેસ ઍડ્મિનિસ્ટ્રેશન) કરી બે-ત્રણ વર્ષ માત્ર અનુભવ ખાતર જૉબ કરીશ. યોગ્ય જ્ઞાન અને અનુભવ બન્ને મેળવ્યા બાદ છેલ્લે ક્યાં તો હું મારા બિલ્ડર-પિતા સાથે તેમના બિઝનેસમાં જોડાઈ જઈશ અથવા મારી પોતાની સ્વતંત્ર કંપની શરૂ કરીશ. આમ તો હું અત્યારે મલાડની નગીનદાસ ખાંડવાલા કૉલેજમાં ભણું છું, પરંતુ મારી ઇચ્છા બૅફની ડિગ્રી પાર્લાની એન. એમ. કૉલેજ અથવા મીઠીબાઈ કૉલેજમાંથી મેળવવાની ઇચ્છા છે. એનું મુખ્ય કારણ એ કે હું અહીંના મલાડ, કાંદિવલી અને બોરીવલીના નિશ્ચિત માળખામાંથી બહાર નીકળી ત્યાંના ભિન્ન ક્રાઉડ અને કલ્ચરથી પરિચિત થવા માગું છું.

ભણવા સિવાય

કૉલેજના અભ્યાસ ઉપરાંત મને ક્રિકેટ અને સ્વિમિંગનો બહુ શોખ છે. એથી હું મારી કૉલેજ તરફથી એની ક્રિકેટટીમમાં રમું છું. એ ઉપરાંત હું કાંદિવલી સ્વિમિંગ-પૂલ તરફથી વિવિધ સ્ટેટ લેવલ, ડિસ્ટ્રિક્ટ લેવલ અને નૅશનલ લેવલની સ્વિમિંગ સ્પર્ધાઓમાં પણ ભાગ લેતો રહું છું. આ પહેલાં હું બોરીવલીના પોઇસર જિમખાના તરફથી વૉલીબૉલ પણ રમતો હતો. વધુમાં મને ટ્રાવેલિંગ, ટ્રેકિંગ અને શૉપિંગ પણ ગમે છે. ટ્રેકિંગ માટે હું નાશિકથી આગળ આવેલા ભંડારદરા નામના હિલસ્ટેશન પર ઘણી વાર જાઉં છું, જ્યારે શૉપિંગ માટે અહીંના જાણીતા મૉલ્સના બ્રૅન્ડેડ સ્ટાર્સ મારા ફેવરિટ છે. આજના અન્ય કૉલેજિયનોની જેમ મને મોબાઇલ કે અન્ય ઇલેક્ટ્રૉનિક ગૅજેટ્સનો બિલકુલ ક્રેઝ નથી. મને તો શૂઝ અને વૉચ ગમે છે. મારી પાસે અત્યારે ૭ જોડી શૂઝ અને ૧૨થી ૧૩ ઘડિયાળો છે.

હું અને મારી ફ્રેન્ડ-કંપની

અમારું ત્રણ છોકરા અને ત્રણ છોકરી એમ છ જણનું ગ્રુપ છે. અમે બધાં બને ત્યાં સુધી લેક્ચર્સ બન્ક નથી કરતાં, બલ્કે એકબીજાની કંપનીમાં લેક્ચર્સ અટેન્ડ કરવાની મજા માણીએ છીએ. એમ છતાં ક્યારેક બહુ જ કંટાળો આવતો હોય તો એકમેકના ઘરે જઈને બેસીએ છીએ. અમારા પરિવારજનોને પણ અમારી ફ્રેન્ડશિપ વિશે બધી ખબર હોવાથી છોકરીઓ અમારે ત્યાં આવીને બેસે કે અમે છોકરીઓને ત્યાં બેસીએ એની સામે તેમને કોઈ વાંધો નથી. એ સિવાય અમે બધાં ઘણી વાર રાતે ડિનર પર પણ જઈએ છીએ અને ગુરુવાર તથા શનિવાર બધાંને ફાવતા હોવાથી એ દિવસોમાં મૂવી જોવાની મજા પણ માણી લઈએ છીએ. મારા પેરન્ટ્સે ક્યારેય મારા પર ભણવાનું પ્રેશર નાખ્યું નથી. તેમનું માત્ર એટલું જ કહેવું છે કે તારે જે મસ્તી કરવી હોય એ કરી લે, પરંતુ પરીક્ષામાં સારા માર્ક્સ લાવવાનું ચૂકીશ નહીં. તેમની આ શરત મને મંજૂર છે.

મને ગમે છે

મને ટીવી પર સિરિયલો જોવાનો જરાય શોખ નથી. એથી મોટે ભાગે ટીવી પર તો હું ડિસ્કવરી પર આવતા સાયન્સ સંબંધી શો જ જોયા કરું છું. એ સિવાય ક્યારેક બહુ કંટાળેલો હોઉં તો પોગો પર આવતા છોટા ભીમને જોઈ લઉં છું. એ ટચૂકડા બાળકને જે બધી અનબિલીવેબલ કરામતો કરતો દેખાડવામાં આવે છે એ મને બહુ ફૅસનેટિંગ લાગે છે. બીજી બાજુ ફિલ્મોમાં મને કૉમેડી, સસ્પેન્સ અને થિþલર જોવી ગમે છે. હીરોમાં હૃતિક રોશન તેના અભિનય અને લુક્સને કારણે ગમે છે, જ્યારે શાહરુખ ખાન તેની લવી-ડવી ઇમેજને કારણે પસંદ છે.

મારો આદર્શ

મારા પિતા મનીષ વારિયા મારા સૌથી મોટા આદર્શ છે, કારણ કે હી ઇઝ એ સાઇલન્ટ વર્કર. તેઓ પોતાના દરેક કામમાં મહેનત બહુ કરે, પરંતુ એવી રીતે કરે કે કોઈને એનો ખ્યાલ પણ ન આવે. કોઈને હેરાન કર્યા વિના ચૂપચાપ પોતાનું કામ કર્યા કરવાની તેમની આ જે આદત છે એ મને બહુ ઇન્સ્પાયર કરે છે.

- ફાલ્ગુની જડિયા-ભટ્ટ

- તસવીર : નિમેશ દવે