Teen Corner : મને રિયલિસ્ટિક ફિલ્મો વધુ ગમે છે

08 June, 2012 08:18 AM IST  | 

Teen Corner : મને રિયલિસ્ટિક ફિલ્મો વધુ ગમે છે

નામ : સ્નેહલ ઝવેરી

કૉલેજ : મીઠીબાઈ કૉલેજ,

વિલે પાર્લે

અભ્યાસ : આર્ટ્સ

ધોરણ : એસ.વાય. બી.એ.

સરનામું : બોરીવલી-વેસ્ટ

મમ્મી-પપ્પા : અમી-કમલ

બૅન્કર બનવું છે

મને ઇકૉનૉમિક્સ અને સ્ટૅટિસ્ટિક્સમાં વધુ રસ પડે છે, જેનો સીધો સંબંધ માર્કેટિંગ, ફાઇનૅન્શિયલ ઍનૅલિસિસ, ઇન્શ્યૉરન્સ પ્લાન વગેરે સાથે છે. તેથી મારી ઇચ્છા ઇકૉનૉમિક્સમાં એમ.એ. કરી બૅન્કર બનવાની છે. આ માટે તાજેતરમાં જ મેં બૅન્કની ક્લેરિકલ એક્ઝામ આપી છે. એનું પરિણામ જુલાઈ મહિનાના અંત સુધીમાં આવી જશે. આ પરીક્ષામાં પાસ થઈ જઈશ તો કોઈ પણ રાષ્ટ્રીયકૃત બૅન્કમાં મને સરળતાથી પ્રવેશ મળી જશે.

તબલાં પણ વગાડું છું

આમ તો હાલ મારું વેકેશન ચાલી રહ્યું છે, પરંતુ એને તમે વેકેશન ઓછું અને મને ગમતાં અન્ય ક્ષેત્રોની તૈયારી માટે મળેલો ફ્રી ટાઇમ વધુ કહી શકો. આ વેકેશનનો મોટા ભાગનો સમય મેં મારી બૅન્કની પરીક્ષાની તૈયારી તથા તબલાંની પ્રૅક્ટિસમાં કાઢ્યો છે. મને બાળપણથી તબલાંનો જબરદસ્ત શોખ છે. એ માટે હું છેલ્લાં દસ વર્ષથી તબલાં શીખી રહ્યો છું અને છેલ્લાં પાંચ વર્ષથી એની પરીક્ષા પણ આપી રહ્યો છું. પરિણામે અત્યાર સુધીમાં મેં તબલાંમાં સિનિયર ડિપ્લોમાની ડિગ્રી તો મેળવી લીધી છે અને હજી બીજાં બે વર્ષ એની પરીક્ષામાં ઉત્ર્તીણ થઈ એમાં પણ એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી લઈશ. સૌથી મહkવની વાત તો એ છે કે આ એમ.એ.ની ડિગ્રી મેળવવા માટે ભારતના મહાન તબલાં-પ્લેયર્સની સામે પર્ફોર્મ કરવું પડશે, જે મને લાગે છે કે મારા જીવનની સૌથી મોટી પરીક્ષા હશે.

મને ગમે છે

મને લાગે છે કે સ્વભાવે હું મારી ઉંમરના અન્ય છોકરાઓ કરતાં થોડો જુદો છું. મને બીજા બધા ટીનેજર્સની જેમ મારધાડવાળી કે પછી રોમૅન્ટિક ફિલ્મો જોવી જરાય ગમતી નથી... બલકે મને તો સામાન્ય માણસોના જીવનને સ્પર્શે એવી રિયલિસ્ટિક ફિલ્મો વધુ પસંદ પડે છે. આ સંદર્ભમાં છેલ્લે રિલીઝ થયેલી જૉન એબ્રાહમના નર્મિાણ હેઠળ બનેલી ફિલ્મ ‘વીકી ડોનર’ મને ખૂબ ગમી હતી. એ સિવાય હૉલીવુડની ‘ઍવેન્જર્સ’ પણ સારી હતી. આમ તો મને સુપરહીરોવાળી ફિલ્મ ખૂબ જ કિડીશ લાગે છે, પરંતુ મારું માનવું છે કે બૉલીવુડની સુપરહીરોવાળી ફિલ્મો કરતાં આ વિષયને હૉલીવુડમાં વધુ સારી રીતે હૅન્ડલ કરવામાં આવે છે. હીરોમાં આર્નોલ્ડ fવાર્ઝનેગર અને હિરોઇનમાં કેટ વિન્સલેટ અને સોનાક્ષી સિંહા મારાં ફેવરિટ છે.

ભણવા સિવાય

કૉલેજ ચાલુ હોય એ દિવસમાં મારો મોટા ભાગનો સમય કૉલેજ અને ત્યાર પછી ક્લાસિસમાં જ જતો રહે છે. એથી વીક-એન્ડ્સમાં હું મારા મિત્રો સાથે સોસાયટીમાં વૉલીબૉલ રમવાનું અને થોડું હરવા-ફરવાનું વધુ પસંદ કરું છું. એ સિવાય મારી નાની બહેન દેવાંશીને પણ ક્યારેક ભણવામાં મદદ કરી દઉં છું. તેને અંગ્રેજી કે વ્યાકરણમાં કોઈ સમસ્યા હોય તો તે સીધી મારી પાસે આવે છે, જ્યારે બાકીના વિષયોમાં તે મારા કરતાં વધુ સારી હોવાથી જાતે જ પતાવી દે છે.

મારો આદર્શ

મારા પિતા મારા સુપરહીરો છે. તેમના જેવો પર્ફેક્શનનો આગ્રહી માણસ મેં આજ સુધી બીજો જોયો નથી. સ્વભાવે તે પોતે તો પર્ફેક્શનિસ્ટ છે જ, પરંતુ મને પણ પોતાના જેવો બનવા માટે ખૂબ પ્રોત્સાહિત કરતા રહે છે. તેમના કારણે હું પોતે પણ હવે જીવનની દરેક બાબતોમાં પર્ફેક્શનનો આગ્રહ રાખતો થઈ ગયો છું, પરંતુ હજી તેમની તુલનાએ આવવા માટે મારે ઘણી મહેનત કરવાની છે. અલબત્ત, સિક્કાની બીજી બાજુ એ પણ છે કે આજે જીવનમાં હું જે કંઈ કરી રહ્યો છું એ પપ્પા કરતાં મમ્મીના મોરલ સર્પોટનું પરિણામ વધુ છે.

- ફાલ્ગુની જડિયા-ભટ્ટ

- તસવીર : અતુલ કાંબળે