મહારાષ્ટ્રને જીતવા મેદાને પડેલી BJPની ટીમ અફઝલ ખાનની ફોજ : ઉદ્ધવ

07 October, 2014 02:49 AM IST  | 

મહારાષ્ટ્રને જીતવા મેદાને પડેલી BJPની ટીમ અફઝલ ખાનની ફોજ : ઉદ્ધવ



BJPના પ્રદેશના નેતાઓ તો શિવસેના પાસેથી શિવશાહીનો કન્સેપ્ટ પણ છીનવી લેવા તત્પર છે. આનાથી રોષે ભરાયેલા શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે શિવાજી મહારાજનાં આરાધ્યાદેવી તુળજાભવાનીના મંદિરથી વિખ્યાત તુળજાપુરની રૅલીમાં BJPની સાથે નરેન્દ્ર મોદી સામે પણ જોરદાર હુમલો કર્યો હતો. ઉદ્ધવનાં શબ્દબાણ કેવાં હતાં જુઓ...

BJP પાસે ચીફ મિનિસ્ટરના ઉમેદવાર માટે કોઈ સબળ નેતા જ ન હોવાથી પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી મેદાને પડ્યા છે અને તેમની સાથે પ્રચાર કરવા નીકળેલી કેન્દ્રના મિનિસ્ટરોની ટીમ મહારાષ્ટ્રને જીતવા મેદાને પડેલી અફઝલ ખાનની ફોજ છે.

લોકસભાની ચૂંટણી વખતે મોદીને પ્રાઇમ મિનિસ્ટર બનાવવાનું સપનું સાકાર કરવા અમે BJPને બનતી તમામ મદદ કરી, પરંતુ મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકારના અમારા સપનાની વાત આવી ત્યારે તેમના મનમાં શું ચાલે છે એની અમને ખબર પણ ન પડી અને મહાયુતિ તોડી નાખી. શિવસેનાનો ઉપયોગ કરીને એમને (કેન્દ્રમાં) ખુરસી મળી ગઈ એટલે હવે શિવસેનાની જરૂર નથી.

મહારાષ્ટ્રનો વિકાસ આમ કરીશું ને તેમ કરીશું એવાં સપનાં નરેન્દ્ર મોદી બતાવે છે, પરંતુ તેમનો ખરો ઇરાદો તો વિકાસની આડમાં મહારાષ્ટ્રના ટુકડા કરવાનો છે. જોકે મહારાષ્ટ્રની જનતા તેમની ભ્રમજાળમાં ફસાવાની નથી. જે લોકો મહારાષ્ટ્રને ધરાશાયી કરવા આવ્યા છે તેમને શિવસેનાએ ધરાશાયી કર્યા છે.