સરકારી પૉલિસીનો વિરોધ કરવા આજે રાજ્યમાં શિક્ષકોની હડતાળ

05 December, 2025 07:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વીસથી ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી સ્કૂલોને શિક્ષકોની ફાળવણી ન કરવાની પૉલિસી અમલમાં મુકાશે તો ૧૮,૦૦૦ જેટલી સ્કૂલો બંધ થઈ જવાનો અને ૨૦,૦૦૦થી ૨૫,૦૦૦ જેટલા શિક્ષકો નોકરી ગુમાવે એવો તેમને છે ડર

પ્રતીકાત્મક તસવીર

સરકારી પૉલિસીનો વિરોધ કરી રહેલા સરકારી ગ્રાન્ટ મેળવતી સ્કૂલોના શિક્ષકો આજે હડતાળ પર છે. તેમનું કહેવું છે કે જો આ પૉલિસી અમલમાં મુકાશે તો ૧૮,૦૦૦ જેટલી સ્કૂલો બંધ થઈ જશે અને ૨૦,૦૦૦થી ૨૫,૦૦૦ જેટલા શિક્ષકો નોકરી ગુમાવશે. એને કારણે ગ્રામીણ વિસ્તારોમાં અને ખાસ કરીને પહાડી વિસ્તારોમાં ચાલતી સ્કૂલોના વિદ્યાર્થીઓએ ભોગવવું પડશે.  
સરકારી સહાયતા મેળવતી સ્કૂલોમાં ભણાવતા શિક્ષકોનાં ૧૫ ઑર્ગેનાઇઝેશન આ હડતાળમાં જોડાયાં છે. એમનું કહેવું છે કે રાજ્ય સરકારની સંચ માન્યતા તરીકે ઓળખાતી પૉલિસીને જો અમલમાં મૂકવામાં આવશે તો ૨૦,૦૦૦થી ૨૫,૦૦૦ જેટલા શિક્ષકો અને અન્ય સ્ટાફને નોકરી પરથી કાઢી મુકાશે. તેમને ડર છે કે જો આ પૉલિસીનો અમલ થશે તો હજારો સ્કૂલો બંધ થઈ જશે. આ પૉલિસીનો મુખ્ય મુદ્દો એ છે કે જે સ્કૂલમાં વીસથી ઓછા વિદ્યાર્થીઓ હશે એને શિક્ષકોની ફાળવણી નહીં કરવામાં આવે. આ જ મુદ્દાને લીધે સ્કૂલો બંધ થવાનો અને શિક્ષકોની નોકરી જતી રહેવાનો ભય ઊભો થયો છે.

ઑલરેડી આની અસર સિંધુદુર્ગ જિલ્લામાં દેખાવાની શરૂ થઈ ગઈ છે. ડિસ્ટ્રિક્ટ કલેક્ટરે ૩૯ સ્કૂલો બંધ કરીને એના વિદ્યાર્થીઓને આજુબાજુની સ્કૂલોમાં સમાવી લેવા જણાવ્યું છે.

સિંધુદુર્ગ પ્રિન્સિપાલ અસોસિએશનના એક પદાધિકારીએ કહ્યું હતું કે ‘સરકારના આ પગલાને લીધે ઘણાબધા વિદ્યાર્થીઓને રોજ દસથી ૧૫ કિલોમીટર ટ્રાવેલ કરવું પડશે. અમે સરકારના આ પગલાનો વિરોધ કરી રહ્યા છીએ અને જો જરૂર પડશે તો એને સર્વોચ્ચ ન્યાયાલયમાં પણ પડકારીશું. હાઈ કોર્ટનું કહેવું છે કે નવી પૉલિસી સંચ માન્યતાને કારણે કોઈ શિક્ષકની નોકરી નહીં જાય, પણ હકીકત એ છે કે એને કારણે વિદ્યાર્થીઓને ભારે હાડમારી ભોગવવી પડશે. ખાસ કરીને પહાડી વિસ્તારોમાં જે સ્કૂલો ચાલી રહી છે એના વિદ્યાર્થીઓએ. વળી થોડા વખતમાં જે શિક્ષકો રિટાયર થવાના છે તેમને કમ્પલ્સરી ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (TET)માંથી બાકાત રાખવામાં આવે એવી રજૂઆત પણ અમે કરવાના છીએ.’

મહારાષ્ટ્ર સ્ટેટ શિક્ષક સેનાના પ્રેસિડન્ટ જે. એમ. અભ્યંકરે આ બાબતે અપીલ કરતાં કહ્યું હતું કે પાંચમી ડિસેમ્બરે હડતાળમાં જોડાઈને સ્કૂલો બંધ રાખજો. 

mumbai news mumbai Education maharashtra government maharashtra news maharashtra