વિઘ્નહર્તાના વિસર્જન પછી રિક્ષા તથા ટૅક્સીની હડતાળનું વિઘ્ન

22 September, 2012 06:24 AM IST  | 

વિઘ્નહર્તાના વિસર્જન પછી રિક્ષા તથા ટૅક્સીની હડતાળનું વિઘ્ન

જોકે ગણેશોત્સવ પછી ફરી એક વાર પોતાનું આંદોલન શરૂ કરવા રિક્ષા તથા ટૅક્સી યુનિયનોએ કમર કસી છે. ભાડાવધારા મામલે હકીમ કમિટીના રિપોર્ટના અમલીકરણ માટે યુનિયનો ૧ ઑક્ટોબરથી લડત શરૂ કરવા માગે છે, પરંતુ જો હડતાળ પર જાય તો એસેન્શિયલ સર્વિસિસ મેઇન્ટેનન્સ ઍક્ટ (એસ્મા) હેઠળ થતી કાર્યવાહીથી કેમ કરીને બચી શકાય એનો પણ તેઓ વિચાર કરી રહ્યા છે.

ટૅક્સી યુનિયન

૧ ઑક્ટોબર પછી ગમે એ દિવસે તેઓ હકીમ કમિટીની ભલામણોના અમલીકરણ માટે તેમનાં વાહનો રસ્તાની બાજુમાં અથવા તો ઘરે પાર્ક કરી દેશે તેમ એકબીજાને વાહન ન ચલાવવા માટે સૂચના આપશે. આમ કરવાથી તેઓ પર એસ્મા હેઠળ કાર્યવાહી પણ નહીં કરી શકાય. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોઈ પણ જાતનાં પૅમ્ફલેટ છાપ્યા વગર કે ઑફિશ્યલ લેટર વગર માત્ર એકબીજાને જણાવીને જ કામનો બહિષ્કાર કરવામાં આવશે. લોકોને આંચકો આપે એવી હડતાળ પાડવામાં આવશે. જો ૮૦ ટકા ડ્રાઇવરો પણ એમાં જોડાય તો પણ હડતાળ સફળ ગણાશે.

રિક્ષાવાળાઓ અનુસરશે

હકીમ કમિટીના અમલીકરણ માટે ઑટોરિક્ષા યુનિયને જોરદાર માગ કરી હતી. આ મહિનાની શરૂઆતમાં બે વખત ધરણાંનો કાર્યક્રમ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજિત પવારે મધ્યસ્થી કરી સરકાર વતી હકીમ કમિટીના રિપોર્ટ પર જલદીથી અમલ કરવાની ખાતરી આપતાં ધરણાંનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો.