તત્કાલ ટિકિટબુકિંગના નવા નિયમથી રિટર્ન જર્નીમાં સમસ્યા

26 December, 2011 03:32 AM IST  | 

તત્કાલ ટિકિટબુકિંગના નવા નિયમથી રિટર્ન જર્નીમાં સમસ્યા


અંકિતા શાહ

મુંબઈ, તા. ૨૬

જોકે એક દિવસ પહેલાં તત્કાલ ટિકિટના નિયમથી પ્રવાસીઓ જવાની ટિકિટ તો કઢાવી શકે, પણ એકાદ-બે દિવસમાં પાછા ફરવાનું હોય તો તત્કાલ ક્વોટામાં આવવાની ટિકિટ કઢાવી નહીં શકે, કારણ કે આ ક્વોટાની ટિકિટ એક દિવસ પહેલાં જ કઢાવી શકાતી હોય છે અને પ્રવાસીઓ એકાદ-બે દિવસનું પણ ટ્રાવેલિંગ કરે તો તેમણે જ્યાં ગયા હોય ત્યાંથી ટિકિટ કઢાવવા માટે કોઈના પર આધાર રાખવો પડતો હોય છે.

એક દિવસ પહેલાં બુકિંગથી નુકસાન
બહારગામ જવાનું થાય ત્યારે જવાની ટિકિટ તો તત્કાલમાં મળી જાય, પણ સીઝનમાં આવવાની ટિકિટ મળતી નથી અને ત્યારે પણ પ્રવાસીઓએ તત્કાલનો સહારો લેવો પડતો હોય છે. આ વિશે ઘાટકોપરમાં રહેતા એજન્ટ મહેશ શાહએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અગાઉ ત્રણ દિવસ પહેલાં જ તત્કાલ ટિકિટ કાઢી શકાતી હતી એટલે પ્રવાસીઓ રિટર્નની ટિકિટ પણ જતાં પહેલાં લઈ શકતા હતા, જ્યારે હવે તેઓ જવાની ટિકિટ જ કઢાવી શકે છે. જો પ્રવાસીએ એકાદ-બે દિવસમાં પાછું આવવું હોય તો તેઓ જ્યાં ગયા હોય ત્યાંથી તત્કાલ ક્વોટામાંથી ટિકિટ ખરીદવી પડે છે અથવા કોઈ પર આધાર રાખીને એ સ્થળેથી ટિકિટ કઢાવવી પડે છે. આ મુદ્દાને ધ્યાનમાં રાખીને રેલવે બોર્ડે કંઈક વિચારવું જોઈએ.’

ઇમર્જન્સીમાં લોકોને ટિકિટ અવેલેબલ
એક દિવસ પહેલાં તત્કાલ ક્વોટાનું બુકિંગ કરી શકાય એવો નિયમ આવ્યો છે ત્યારથી સામાન્ય મુંબઈગરાઓ માટે સીટો બચેલી હોય છે. બુકિંગ શરૂ થાય એના બે કલાક સુધી એજન્ટોને ટિકિટ કઢાવવાની પરમિશન નથી. આમ રેલવે બોર્ડ દ્વારા લેવામાં આવેલો નર્ણિય પ્રવાસીઓ માટે ફાયદાકારક રહ્યો છે અને તેમને સ્લીપર, થ્રી ટિયર એસી અને ટૂ ટિયર એસીની સીટો મળી રહે છે. પહેલાં તત્કાલ ક્વોટાનું બુકિંગ શરૂ થાય એની ગણતરીની મિનિટમાં ટિકિટો ફુલ થઈ જતી હતી અને એજન્ટો જ મોટા ભાગની ટિકિટો ખરીદી લેતા હતા એટલે કોઈને ઇમર્જન્સીમાં જવું હોય ત્યારે ટિકિટ મળતી નહોતી.