19 January, 2026 07:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આમિર ખાન ભૂતપૂર્વ પત્ની કિરણ રાવ અને દીકરા આઝાદ રાવ ખાન સાથે. આમિર ખાનની દીકરી આઇરા. તસવીરો : સતેજ શિંદે
ગઈ કાલે યોજાયેલી તાતા મુંબઈ મૅરથૉનમાં આમિર ખાને પોતાના પરિવાર સાથે ભાગ લીધો હતો. આ દોડમાં આમિરની સાથે તેની ભૂતપૂર્વ પત્ની કિરણ રાવ, દીકરી આઇરા ખાન, દીકરા જુનૈદ ખાન અને આઝાદ રાવ ખાન તેમ જ જમાઈ નૂપુર શિખરે ભાગ લીધો હતો. આ અવસરે પોતાનો અનુભવ જણાવતાં આમિરે કહ્યું હતું કે ‘દિવ્યાંગ લોકોમાં જે ઉત્સાહ અને જુસ્સો અમે જોયો એ ખરેખર પ્રેરણાદાયક હતો. મૅરથૉનમાં ભાગ લેવાનો અમારો આ પહેલો અનુભવ છે અને મુંબઈના લોકોનો ઉત્સાહ જોઈને અમે આશ્ચર્યચકિત થઈ ગયા છીએ. ફિટ રહેવાનો મારો સરળ મંત્ર છે કે તમે જે ખાઓ છો એ જ બનશો. એટલે હંમેશાં સ્વસ્થ ખોરાક ખાવો જોઈએ. સૌથી પહેલાં યોગ્ય ડાયટ જરૂરી છે. ત્યાર બાદ ૮ કલાકની સારી ઊંઘ અને અંતે વર્કઆઉટ. જો ડાયટ અને ઊંઘ યોગ્ય ન હોય તો ફક્ત જિમ જવાથી કોઈ ફાયદો થતો નથી.’
વાતચીત દરમ્યાન મીડિયાએ આમિરને પૂછ્યું કે મૅરથૉનમાં આવવાની પ્રેરણા તમને ક્યાંથી મળી? એના જવાબમાં તેણે સ્મિત સાથે પોતાની દીકરી આઇરા તરફ ઇશારો કરીને કહ્યું, ‘સાચું કહું તો મેં આ બાબતે વિચાર્યું પણ નહોતું. મારી દીકરી આઇરા જ મને જબરદસ્તી અહીં લાવી છે. એ જ બધાને પ્રેરણા આપનારી છે.’
આ દોડમાં આમિર ખાન, કિરણ રાવ, આઇરા ખાન અને આઝાદ ખાને ૫.૯ કિલોમીટરની ડ્રીમ રન પૂરી કરી હતી, જ્યારે જુનૈદ ખાને ૧૦ કિલોમીટરની દોડ લગાવી હતી. નૂપુર શિખરે જે પોતે એક ફિટનેસ-ટ્રેઇનર પણ છે તેણે ફુલ મૅરથૉન પૂરી કરી હતી.
તાતા મુંબઈ મૅરથૉનમાં આમિર ખાને તેનાં સંતાનો અને ભૂતપૂર્વ પત્ની કિરણ રાવ સાથે ભાગ લીધો હતો. હવે આમિરની દીકરી આઇરા ખાને સોશ્યલ મીડિયા પર પોતાની અને ભાઈ જુનૈદ ખાનની કેટલીક તસવીરો શૅર કરી છે. આઇરાએ એક તસવીર શૅર કરી છે જેમાં તે અને જુનૈદ મુંબઈ લોકલ ટ્રેનમાં બેસીને મૅરથૉનના સ્ટાર્ટિંગ પૉઇન્ટ તરફ જતાં જોવા મળ્યાં હતાં. સાથે જ તેણે જુનૈદ દોડની શરૂઆત કરતો હોય એવો એક વિડિયો પણ પોસ્ટ કર્યો છે. મૅરથૉનમાં જુનૈદ ખાને પોતાની ૧૦ કિલોમીટરની દોડ ૧ કલાક ૧૦ મિનિટ ૧૪ સેકન્ડમાં પૂરી કરી હતી.
આમિર ખાન અને તેના પરિવારજનોએ તાતા મુંબઈ મૅરથૉન 2026માં ભાગ લેવાનો નિર્ણય પોતાના ‘પાની ફાઉન્ડેશન’ અને ‘અગસ્ત્ય ફાઉન્ડેશન’ માટે ફન્ડ એકત્ર કરવા માટે લીધો હતો. તેઓ સોશ્યલ મીડિયા મારફત લોકોને ફાઉન્ડેશન માટે દાન આપવાની અપીલ પણ કરી રહ્યાં છે.