તાતા મેમોરિયલ અને NSE સાથે મળીને નવી મુંબઈમાં મલ્ટી સ્પેશ્યલિટી હૉસ્પિટલ સ્થાપશે

09 October, 2025 09:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

NSE ફાઉન્ડેશન મારફત આ હૉસ્પિટલ બાંધવા માટે તાતા મેમોરિયલ હૉસ્પિટલ સાથે ભાગીદારી કરી છે

NSE ફાઉન્ડેશન અને તાતા મેમોરિયલ હૉસ્પિટલ વચ્ચેનો આ સહયોગ સમગ્ર ભારતમાં સસ્તી, ઉચ્ચ-ગુણવત્તાવાળી કૅન્સર સંભાળના અભાવને દૂર કરવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું બની રહેશે

તાજેતરમાં નવી મુંબઈની તાતા મેમોરિયલ હૉસ્પિટલના ઍડ્વાન્સ સેન્ટર ફૉર ટ્રીટમેન્ટ, રિસર્ચ ઍન્ડ એજ્યુકેશન ઇન કૅન્સર (ACTREC) ખાતે નૅશનલ સ્ટૉક એક્સચેન્જ ઑફ ઇન્ડિયા 
(NSE)ની પહેલને પગલે ગ્રાઉન્ડ પ્લસ ૧૧ માળની મલ્ટી સ્પેશ્યલિટી હૉસ્પિટલ બાંધવા માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. NSEએ એની કૉર્પોરેટ સોશ્યલ રિસ્પૉન્સિબિલિટી (CSR)ના ભાગરૂપે NSE ફાઉન્ડેશન મારફત આ હૉસ્પિટલ બાંધવા માટે તાતા મેમોરિયલ હૉસ્પિટલ સાથે ભાગીદારી કરી છે. 

આ પ્રસંગે NSEના મૅનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર આશિષ કુમાર ચૌહાણ, તાતા મેમોરિયલ હૉસ્પિટલના ડિરેક્ટર ડૉ. સુદીપ ગુપ્તા, ડૉ. પંકજ ચતુર્વેદી (ડિરેક્ટર, ACTREC) અને ડૉ. નવીન ખત્રી (ડેપ્યુટી ડિરેક્ટર અને બોન મૅરો ટ્રીટમેન્ટ સ્પેશ્યલિસ્ટ- BMT, ACTREC) હાજર રહ્યા હતા.

૨,૪૦,૦૦૦ ચોરસ ફુટના બિલ્ટ-અપ એરિયા અને ૬૦-બેડવાળા બોન મૅરો ટ્રાન્સપ્લાન્ટ (BMT) સેન્ટર સાથે આ સુવિધા ભારતનું સૌથી મોટું અને દક્ષિણ એશિયાના સૌથી મોટા BMT સેન્ટરોમાંનું એક હશે. એ નિઃશુલ્ક કે રાહતના દરે વાર્ષિક ૧.૩ લાખથી વધુ આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ (OPD) દરદીઓને સેવા આપવા અને દર વર્ષે ૬૦૦થી વધુ જીવનરક્ષક BMT પ્રક્રિયાઓ હાથ ધરશે. 
આ હૉસ્પિટલ કૅન્સરના દરદીઓને સહાય કરવા માટે જનરલ અને સુપર-સ્પેશ્યલિટી સેવાઓ પ્રદાન કરશે અને ACTREC કૅમ્પસ માટે એક વ્યાપક OPD તરીકે કાર્ય કરશે. આ પ્રોજેક્ટ ૩૮૦ કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે, એનું બાંધકામ  લાર્સન ઍન્ડ ટુબ્રો (L&T) દ્વારા કરવામાં આવશે. કામગીરી જુલાઈ ૨૦૨૭ સુધીમાં શરૂ થવાની અપેક્ષા છે.

NSE ફાઉન્ડેશન અને તાતા મેમોરિયલ હૉસ્પિટલ વચ્ચેનો આ સહયોગ સમગ્ર ભારતમાં સસ્તી, ઉચ્ચ-ગુણવત્તાવાળી કૅન્સર સંભાળના અભાવને દૂર કરવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું બની રહેશે.

mumbai news mumbai tata group tata trusts navi mumbai maharashtra news maharashtra national stock exchange cancer