મુંબઈમાં કોરોનાની ત્રીજી લહેર ઓસરી રહી છે : ટાસ્ક ફોર્સના સભ્યનો દાવા

12 January, 2022 06:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 14,980 દર્દીઓ કોરોનામાંથી સાજા થયા છે.

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં છેલ્લા ત્રણ અઠવાડિયાથી કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે મુંબઈમાં કોરોનાની ત્રીજી લહેર ત્રાટકી છે. છેલ્લા 2 દિવસની દર્દીઓની સંખ્યાને ધ્યાનમાં લેતા એમ કહી શકાય કે મુંબઈમાં હવે કોરોના દર્દીઓની સંખ્યા ઘટી રહી છે અને સ્થિતિ કાબુમાં આવી રહી છે. આ સંદર્ભે, રાજ્યના કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડૉ. અજીત દેસાઈએ મરાઠી સમાચાર ચેનલ એબીપી માઝા સાથે વાત કરતાં કહ્યું છે કે રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર ઓસરી રહી છે.

મુંબઈમાં કોરોનાની સ્થિતિ વિશે વાત કરતાં ડૉ. અજિત દેસાઈએ કહ્યું કે “4 દિવસ પહેલાં સુધી મુંબઈમાં દરરોજના કોરોના દર્દીઓની સંખ્યા 20,000થી વધુ હતી. જોકે, ગઈકાલે (મંગળવારે) 11,000 કોરોનાના કેસ નોંધાયા હતા. આના ઘણા કારણો છે. તેમ જ નાગરિકો સતર્ક થઈ ગયા છે અને કાળજી લઈ રહ્યા છે.” તેમણે કહ્યું કે “બીજું કારણ એ છે કે કોવિડ પરીક્ષણમાં 10 ટકાનો ઘટાડો થયો છે. કારણ કે હવે લોકો ઘરેલુ પરીક્ષણો લઈને પોતાને ક્વોરેન્ટાઈન કરી રહ્યા છે.”

ખાતરીપૂર્વક કહીએ તો, 85 ટકા મુંબઈગરાંમાં કોરોનાના કોઈ લક્ષણો નથી. દક્ષિણ આફ્રિકામાં કોરોનાની ત્રીજી લહેર ખૂબ મોટી હતી, પરંતુ તે જ દરે, તેમાં ઘટાડો પણ થયો હતો. આવું જ કંઈક મુંબઈમાં જોવા મળ્યું છે. બાંદ્રામાં મુંબઈ મહાનગર પાલિકાના કોવિડ સેન્ટરમાં સારવાર લઈ રહેલા 800 દર્દીઓમાંથી માત્ર 3 દર્દીઓ ઓક્સિજન પર છે. ઉપરાંત, કુલ દર્દીઓમાંથી માત્ર 20 ટકા જ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. તેથી એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મુંબઈમાં કોરોનાની ત્રીજી લહેર ઓસરી રહી છે. જોકે, દરેક વ્યક્તિ માટે કોરોના નિયમોનું પાલન કરવું અને કાળજી લેવી મહત્વપૂર્ણ છે.

મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 14,980 દર્દીઓ કોરોનામાંથી સાજા થયા છે. આ આંકડો એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે નવા દર્દીઓ સામે આવ્યા છે, તેના કરતા વધુ દર્દીઓએ કોરોનાને માટ આપી છે.

mumbai news mumbai coronavirus