મુંબઈના તાડદેવની બહુમાળી ઇમારતમાં લાગેલી આગમાં છ લોકોનાં મોત અને ૨૩ જણ ઘાયલ

23 January, 2022 10:51 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

કેટલીક હૉસ્પિટલોની માનવતા મરી પરવારી

તાડદેવના કમલા બિલ્ડિંગમાં લાગેલી આગ જબરજસ્ત ભીષણ હતી (તસવીર : બિપિન કોકાટે)

કટોકટીભરી પરિસ્થિતિ હોવા છતાં ઘાયલ લોકોને દાખલ કરતાં પહેલાં તેમનો કોવિડ રિપોર્ટ નેગેટિવ છે કે કેમ એ બતાવવાનો આગ્રહ રાખ્યો અને દાખલ ન કર્યા : મેયરે આપ્યો તપાસનો આદેશ : રાજ્ય સરકારે મૃત્યુ પામેલા લોકોના પરિવારને પાંચ-પાંચ લાખ રૂપિયાની મદદ જાહેર કરી : પ્રાઇમ મિનિસ્ટર નૅશનલ રિલીફ ફન્ડમાંથી મૃતકોના પરિવારને બે-બે લાખની અને ઘાયલોને ૫૦-૫૦ હજાર રૂપિયાની મદદ જાહેર કરવામાં આવી

મુંબઈના ગ્રાન્ટ રોડમાં તાડદેવ વિસ્તારમાં ભાટિયા હૉસ્પિટલની સામે આવેલા ગ્રાઉન્ડ પ્લસ ૨૦ માળના કમલા બિલ્ડિંગના ૧૯મા માળે ગઈ કાલે સવારે સાડાસાત વાગ્યે આગ ફાટી નીકળી હતી. આ આગ ૧૯મા માળે આવેલા ફ્લૅટ-નંબર ૧૯૦૩ અને ૧૯૦૪માં ફેલાઈ હતી. આગમાં છ જણનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે ૨૩ જણને નાની-મોટી ઈજા થઈ હતી. પ્રાથમિક તપાસમાં આગ શૉર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું બહાર આવ્યું છે. 
આગ લાગ્યાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતાં થોડી જ વારમાં ૧૩ ફાયર એન્જિન, સાત જમ્બો ટૅન્કર, સ્પેશ્યલ અપ્લાયન્સિસ સાથેનાં ત્રણ વાહન અને પાંચ ૧૦૮ ઍમ્બ્યુલન્સ ઘટનાસ્થળે ધસી ગયાં હતાં. ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ, સ્થાનિક પોલીસ અને સુધરાઈના અધિકારીઓ પણ ઘટનાસ્થળે ધસી ગયા હતા અને બચાવકામગીરી પર નજર રાખી હતી. સવારના સાડાસાત વાગ્યે લાગેલી આગ પર પાંચ કલાકની ભારે જહેમત બાદ બપોરે ૧૨.૩૦ વાગ્યે કાબૂ મેળવી શકાયો હતો અને ઓલવી શકાઈ હતી. કુલ ૨૯ જણને એમાંથી બચાવી લેવાયા હતા. જોકે એમાંથી છ જણનાં મોત થયાં હતાં, જ્યારે 23 જણને નાની-મોટી ઈજા થઈ હતી. 
ઘાયલોને નજીકની ભાટિયા હૉસ્પિટલ સહિત એચએન હૉસ્પિટલ (હરકિસનદાસ) વૉકહાર્ટ, મસિના અને નાયર હૉસ્પિટલ સહિત અન્ય હૉસ્પિટલોમાં લઈ જવાયા હતા. જોકે એવો આક્ષેપ થયો હતો કે આવી કટોકટીભરી પરિસ્થિતિ હોવા છતાં કેટલીક હૉસ્પિટલોએ તેમને દાખલ કરતાં પહેલાં તેમનો કોવિડ રિપોર્ટ નેગેટિવ છે કે કેમ એ બતાવવાનો આગ્રહ રાખ્યો હતો અને તેમને ઍડ્મિટ કર્યા નહોતા. 
મેયરે આપ્યો તપાસનો આદેશ 
મસિના, વૉકહાર્ટ અને એચએન હૉસ્પિટલે આ હોનારતના પીડિતોની સારવાર કરવાનું નકાર્યું હોવાની વાત બહાર આવતાં રાજ્યના વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે ‘મુંબઈમાં લાગેલી આગમાં મૃતકોના પરિવારો પ્રત્યે હું દિલસોજી વ્યક્ત કરું છું. જોકે આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને હૉસ્પિટલો દ્વારા દાખલ કરીને સારવાર ન અપાઈ એવી માહિતી છે. એથી સારવાર મોડી મળી હોવાથી પણ મૃત્યુ વધ્યાં હોવાની શક્યતા છે. જો આ સાચું હોય તો રાજ્ય સરકાર અને સુધરાઈએ આની તરત જ દખલ લેવી જોઈએ અને તપાસનો આદેશ આપવો જોઈએ તેમ જ જે દોષી જણાય તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ.’ 
આ સંદર્ભે મુંબઈનાં મેયર કિશોરી પેડણેકરે કહ્યું હતું કે ‘અમે ઘાયલોને દાખલ ન કરનાર રિલાયન્સ (એચએન હૉસ્પિટલ - હરકિસનદાસ), મસિના હૉસ્પિટલ અને વૉકહાર્ટ હૉસ્પિટલને એ માટે જવાબ આપવા કહ્યું છે. તેઓ શું જવાબ આપે છે એને અમે ચકાસવાના છીએ.’ 
આદિત્ય ઠાકરેએ આ સંદર્ભે કહ્યું હતું કે જે કોઈ ઘાયલ આવે તેમને સારવાર આપવી એ હૉસ્પિટલની ફરજ બને છે. તેમણે કહ્યું હતું કે આવી પરિસ્થિતિને હૅન્ડલ કરવા દરેક હૉસ્પિટલને સ્ટેબિલાઇઝિંગ રૂમની સગવડ પૂરી પાડવા તથા ટ્રાયેજ એરિયા અને ટ્રાયેજ રૂમ રાખવા જણાવાયું છે. દરેક હૉસ્પિટલે એની કાર્યપદ્ધતિમાં આ ટ્રાયેજ રૂમ રાખવો જરૂરી છે. મેયરે પણ આ બાબતે તપાસ કરવામાં આવશે એમ જણાવ્યું હતું. આદિત્ય ઠાકરેએ રાજ્ય સરકાર દ્વારા મૃત્યુ પામેલા લોકોના પરિવારને પાંચ-પાંચ લાખ રૂપિયાની મદદ જાહેર કરી હતી.      

આગની તપાસનો અહેવાલ ૧૫ દિવસમાં આપવાનો કમિશનર ઇકબાલ સિંહ ચહલનો આદેશ

તાડદેવની આ આગની ઝીણવટભરી તપાસ કરવા મુંબઈ સુધરાઈના કમિશનર ઇકબાલ સિંહ ચહલે કમિટી નીમવાનો અને ૧૫ દિવસમાં એની તપાસ કરીને અહેવાલ આપવાનો આદેશ આપ્યો છે. એથી સુધરાઈના ઝોન-૨ના ડેપ્યુટી કમિશનરના વડપણ હેઠળ એક કમિટીની રચના કરવામાં આવી છે. એમાં ડી વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનર, ચીફ એન્જિનિયર (યાંત્રિક અને વિદ્યુત), ડેપ્યુટ ચીફ એન્જિનિયર (બિલ્ડિંગ પ્રપોઝલ - સિટી) અને ડેપ્યુટી ચીફ ફાયર ઑફિસરનો સમાવેશ કરાયો છે. આગ ચોક્કસ કયાં કારણોસર લાગી, આગ ફેલાઈને કયા કારણે છ લોકોના જીવ ગયા અને આ ઇમારતમાં મંજૂર કરાયેલા પ્લાન સિવાય જાણ કર્યા વગર કોઈ બાંધકામ કે ફેરફાર કરાયા હતા કે કેમ એની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે.  

મૃતકોની યાદી
મીના મીસ્ત્રી (કસ્તુરબા હૉસ્પિટલ), મંજુલા કંથારિયા, હિતેશ મિસ્ત્રી, મૌસમી મિસ્ત્રી, પુરુષોત્તમ ચોપડેકર (નાયર હૉસ્પિટલ) અને એક પુરુષના મૃતદેહની ઓળખ થવી બાકી છે

વડા પ્રધાને રાહત જાહેર કરી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરી આ ઘટનાની નોંધ લઈને મૃતકોના પરિવારોને  દિલસોજી વ્યક્ત કરી હતી અને પ્રાઇમ મિનિસ્ટર નૅશનલ રિલીફ ફન્ડમાંથી મૃતકોના પરિવારને બે-બે લાખ રૂપિયાની મદદ જાહેર કરી હતી, જ્યારે ઘાયલોને ૫૦-૫૦ હજાર રૂપિયાની મદદ જાહેર કરી હતી. 

mumbai mumbai news tardeo bakulesh trivedi