બિલ્ડિંગની આગ તો બુઝાઈ ગઈ, પણ દિલની વ્યથાનો કોઈ અંત નથી

26 January, 2022 11:25 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

કમલા બિલ્ડિંગના રહેવાસીઓ કહે છે કે આખું વાયરિંગ બળી ગયું હોવાથી જ્યાં સુધી એ નહીં થાય ત્યાં સુધી અમને અમારા ઘરમાં રહેવા જવા નહીં મળે

તાડદેવમાં આવેલા કમલા બિલ્ડિંગમાં લાગેલી આગમાં અત્યાર સુધી સાત જણનાં મૃત્યુ થયા છે. (તસવીર : બિપિન કોકાટે)

તાડદેવના કમલા બિલ્ડિંગ તરીકે જાણીતા સચિનમ હાઇટ્સમાં લાગેલી આગ તો ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવીને કેટલાક કલાકોમાં બુઝાવી દીધી હતી; પણ એના રહેવાસીઓની વ્યથાનો અંત ટૂંક સમયમાં આવે એવું લાગતું નથી, કારણ કે તેમના કહેવા મુજબ આખું વાયરિંગ બળી ગયું છે જેને કારણે જ્યાં સુધી એ વાયરિંગ નહીં થાય ત્યાં સુધી એમાં રહેવા જવું બહુ મુશ્કેલીભર્યું હશે. અત્યારે કેટલાક પરિવારો બીએમસીની સ્કૂલમાં રહે છે.  જોકે તેમને પણ એ જ ચિંતા સતાવે છે કે હવે ફરી ક્યારે આપણે આપણા ઘરમાં રહેવા જઈ શકીશું? સ્થાનિક એમએલએ દ્વારા તેમને વાયરિંગ કરવા માટે આર્થિક ભંડોળ આપવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે. 
કમલા બિલ્ડિંગમાં રહેતા પ્રભાકર શેટ્ટીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હાલ જ્યાં આગ લાગી હતી એ ૧૯મા અને ૨૦મા માળે જવા દેવાતા નથી, પણ એની નીચેના ફ્લોર પર જે લોકો રહે છે તેમને કપડાં અને અમુક મહત્ત્વની ચીજો લેવા જવાની છૂટ આપવામાં આવી હતી. બાકી અમને રહેવા દેવાતા નથી. એ માટે મનાઈ છે. નીચેના માળે કેટલીક સફાઈ થઈ ગઈ છે, પણ ઉપરના માળે હજી તપાસ બાકી છે. અમારા ઘણાબધા પાડોશીઓ પોતપોતાનાં સગાંને ત્યાં રહેવા જતા રહ્યા છે. અમે ૨૫-૩૦ જણ જેમની કોઈ વ્યવસ્થા થઈ શકે એમ નથી તે બધા બીએમસીની સ્કૂલમાં રહે છે. અહીં ખાવા-પીવાનું હવે મળી રહે છે અને સૂવાની વ્યવસ્થા પણ છે. એક રૂમ બાળકો અને મહિલાઓ માટે છે અને એક રૂમ પુરુષો માટે છે. જ્યાં સુધી સુધરાઈના અધિકારીઓનો સર્વે પૂરો નથી થતો ત્યાં સુધી અમને અમારા ઘરમાં જવા નહીં મળે. એ લોકોની તપાસ વહેલી પતે તો સારું.’ 
તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે અત્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે એક જ રૂમમાં આટલા બધા લોકો રહે છે તો શું પ્રશાસન દ્વારા કોઈ કાળજી લેવામાં આવે છે? કોઈ ડૉક્ટર તપાસ કરવા આવે છે? આ સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે ‘ના, હાલ અહીં કોઈને કોરોના નથી. એ સિવાય બીએમસીના અધિકારીઓએ અમને કહ્યું છે કે જો કોઈને કશી પણ શારીરિક તકલીફ હોય તો તેઓ બાજુમાં જ આવેલા બીએમસીના આરોગ્ય સેન્ટરમાં જઈને એની તપાસ કરાવી શકે છે.’   

mumbai mumbai news tardeo bakulesh trivedi