મિસિંગ કે પછી મોત?

24 January, 2022 08:09 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

તાડદેવના બિલ્ડિંગની આગ બાદ મળી ન રહેલા કિરીટ કંથારિયાની ગુમ થયાની ફરિયાદ નોંધાવ્યા બાદ આજે તેમના ભાઈએ આ જ આગમાં બળી ગયેલા એક મૃતદેહની ઓળખ કરવા નાયર હૉસ્પિટલમાં ડીએનએ ટેસ્ટ માટે પોતાનું સૅમ્પલ આપવા જવાનું છે

આગમાં જીવ ગુમાવનાર મંજુલાબહેન કંથારિયા, યોગેશ (એકદમ ડાબે), વૈભવ (જમણે) અને આગળ બેસેલા કિરીટ કંથારિયા

તાડદેવના કમલા બિલ્ડિંગ (સચિનમ હાઈટ્સ)માં શનિવારે સવારે લાગેલી આગ વખતે ૧૯મા માળે ૧૯૦૪ નંબરના ફ્લૅટમાં મમ્મી મંજુલાબહેન કંથારિયા સાથે રહેતા કિરીટ કંથારિયાની બે દિવસથી ભાળ નથી. એથી તેના ઘરવાળા તેની શોધ ચલાવી રહ્યા છે. એટલું જ નહીં, તેમણે ગઈ કાલે સવારે ગામદેવી પોલીસ-સ્ટેશનમાં પણ તેના મિસિંગની ફરિયાદ નોંધાવી છે. તેનો પરિવાર તેને બધે જ શોધી રહ્યો છે. જોકે નાયર હૉસ્પિટલમાં એક પુરુષનો મૃતદેહ હજી ઓળખાયા વગર પડ્યો છે. એ મૃતદેહ કિરીટના મોટા ભાઈ યોગેશ કંથારિયા જોઈ આવ્યા, પણ એ એટલી હદે બળી ગયો છે કે એ મૃતદેહ ઓળખી શકાય એમ નથી. એથી હવે કંથારિયા પરિવારમાંથી એક જણનું સૅમ્પલ લઈને મૃતદેહના સૅમ્પલ સાથે સરખાવીને ડીએનએ ટેસ્ટ કરીને એની ઓળખ પ્રસ્થાપિત કરવાના પ્રયાસ થવાના છે. આ બધા વચ્ચે પણ ઘરવાળાઓએ આશા છોડી નથી અને કિરીટની શોધ ચલાવી રહ્યા છે. 
કિરીટ વિશે વધુ માહિતી આપતાં તેના મોટા ભાઈ યોગેશ કંથારિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે તેના મિસિંગની ફરિયાદ ગામદેવી પોલીસ-સ્ટેશનમાં કરી છે. અમે આસપાસનાં મકાનોના સીસીટીવી કૅમેરાનાં ફુટેજ ચેક કર્યાં છે. એમાં પણ તે ક્યાંય દેખાતો નથી. એથી હવે અમે તેને અમારી નજીકના ગ્રાન્ટ રોડ, પેડર રોડ, અલ્ટામાઉન્ટ રોડ, મહાલક્ષ્મી, બ્રીચ કૅન્ડી જેવા વિસ્તારોમાં જાતે ફરીને તેની શોધ કરી રહ્યા છીએ. કદાચ તે મૃત્યુ પામ્યો હોય તો અમને ખબર નથી. નાયર હૉસ્પિટલમાં જે મૃતદેહ છે એ ઓળખી શકાય એવી પરિસ્થિતિમાં નથી. એથી હવે એને આઇડેન્ટિફાય કરવા ડીએનએ ટેસ્ટ કરવી પડે એમ છે. સોમવારે મારે સૅમ્પલ આપવાના છે. એની સાથે એ મૃતદેહના સૅમ્પલ ચેક કરાશે. જોકે એનો રિપોર્ટ આવતા ચારથી પાંચ દિવસ લાગશે. એ પછી જ નક્કી થઈ શકશે કે એ મૃતદેહ કિરીટનો જ છે કે કેમ. જોકે અમે હજી આશા છોડી નથી અને તેની શોધ ચલાવી રહ્યા છીએ.’    

આ પણ વાંચો: મમ્મીનું બોડી હેવી હતું, તેઓ કદાચ ઝડપથી મૂવ નહીં થઇ શક્યાં હોય...

કિરીટ વિશે વધુ માહિતી આપતાં યોગેશ કંથારિયાએ કહ્યું હતું કે ‘કિરીટ સ્લો લર્નર જરૂર હતો, પણ તે બધું જ સમજતો હતો. નાના ચોકની સ્કૂલમાં તે એસએસસી સુધી ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યો પણ છે. તે મોટા ભાગે એકાંતમાં રહેવાનું પસંદ કરતો હતો. તે અમારી સાથે પણ ખપપૂરતું જ બોલતો. તેના આવા સ્વભાવને કારણે તેના કોઈ મિત્રો પણ નહોતા. તે ભલે આમ કોઈની સાથે વાત ન કરે, પણ મમ્મીની બહુ નજીક હતો. તેને કંઈ પણ જોઈતું-કરતું હોય તો તે મમ્મીને કહેતો અને મમ્મી અમને કહેતી. મમ્મીએ અમને પણ કહી રાખ્યું હતું કે તે તમારો ભાઈ છે, તેની સંભાળ તમારે જ રાખવાની છે. જોકે અમે બંને ભાઈઓ ભગવાનની દયાથી સારી રીતે સેટલ હોવાથી તેની અને મમ્મીની સંભાળ લેતા જ હતા. જોકે છેલ્લા છ-સાત મહિનાથી મમ્મી કિરીટને પણ કહેતી અને સમજાવતી કે હવે હું ઘરડી થઈ ગઈ છું, મારા પછી તારું કોણ? એટલે તું પણ ભાઈઓ સાથે ભળતો રહે. થોડા વખત પહેલાં એક ફૅમિલી ફંક્શનમાં તે સામેલ થયો હતો. જોકે એમ છતાં તે બહુ મિક્સ નહોતો થતો. અમે પૂછીએ એટલી વાતનો તે જવાબ હા-નામાં અથવા બહુ ટૂંકો આપતો. અમે ફંક્શનમાં બધા સાથે ફોટો પડાવીએ તો તે પણ ઊભો રહે, પણ જેવો ફોટો પડે એટલે તરત જ અળગો થઈને હટી જાય. તેનો બર્થ-ડે સેલિબ્રેટ કરતા હોઈએ તો પણ તે કેક કાપે, પણ તરત જ ત્યાંથી ખસી જાય. તેને એકલું રહેવું ગમતું હતું. આવતા મહિને અમારા ક્લોઝ સંબંધીને ત્યાં લગ્ન છે જેમાં તેણે પણ આવવાનું હતું. એથી તેના માટે સરસ મજાનું પેન્ટ લીધું હતું. તે બહુ ઓછામાં વાતચીત પતાવતો. તેની અમે શોધ ચલાવી જ રહ્યા છીએ.’

mumbai mumbai news tardeo bakulesh trivedi