ટ્રેકિંગ છે ટાર્ગેટ

28 June, 2020 07:22 AM IST  |  Mumbai Desk | Prakash Bambhrolia

ટ્રેકિંગ છે ટાર્ગેટ

પ્રતીકાત્મક તસવીર

ત્રણ મહિનાથી મુંબઈને ધમરોળી રહેલા કોરોના વાઇરસે હવે મુંબઈની આસપાસના વિસ્તારોમાં મોટા પાયે પગપેસારો કરવાની શરૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે. મુંબઈ મેટ્રોપોલિટન રીજન (એમએમઆર)માં આવેલા થાણે, નવી મુંબઈ, મીરા-ભાઈંદર, વસઈ-વિરાર, કલ્યાણ-ડોમ્બિવલી, ભિવંડી-નિઝામપુર અને પનવેલમાં વાઇરસ ખૂબ ઝડપથી પ્રસરી રહ્યો હોવાથી સરકારની ચિંતામાં વધારો થયો છે. મહારાષ્ટ્રમાં અત્યારે ૧૮ ટકાના હિસાબે કોરોના વાઇરસનો ફેલાવો થઈ રહ્યો છે, જ્યારે એમએમઆરમાં બેથી ત્રણ ગણી ઝડપે એ વધી રહ્યો છે. છેલ્લા પંદરેક દિવસમાં આ રીજનમાં થયેલા વધારાને નિયંત્રણમાં લાવવા માટે પ્રશાસન દ્વારા કોરોનાના દરદીઓ જેમના સંપર્કમાં આવ્યા હોય એવા લોકોને ઝડપથી શોધવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સત્તાવાળાઓનું માનવું છે કે કોરાનાના દરદીઓના સંપર્કમાં આવેલા લોકોનું ટ્રૅકિંગ યોગ્ય રીતે થયું નથી એટલે જ એમએમઆરમાં કેસ વધી રહ્યા છે અને હવે મહામારી પર લગામ તાણવી હોય તો ટ્રૅકિંગ અસરકારક રીતે કરવું જ પડશે.
૭૨,૦૦૦થી વધારે કોરોનાના દરદીઓ ધરાવતા મુંબઈને અડીને આવેલા સૌથી મોટા જિલ્લા થાણેમાં અત્યાર સુધી ૩૧,૦૦૦ કેસ નોંધાયા છે. પાલઘર જિલ્લામાં પણ આંકડો ૫૦૦૦ નજીક પહોંચ્યો છે. થાણે, પાલઘર અને રાયગડ જિલ્લામાં આવેલી વિવિધ મહાનગરપાલિકાનું પ્રશાસન કોરોનાને રોકવામાં નિષ્ફળ જવા બદલ સરકારે અહીંના પાંચ કમિશનરોની અઠવાડિયા પહેલાં રાતોરાત બદલી કરી નાખી હતી. જોકે આ બદલીઓ બાદ પણ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. એટલે નિષ્ણાતોના મતે આ મુશ્કેલી અધિકારીઓની બદલીથી નહીં, પણ નક્કર પગલાં લેવાથી આવશે. આમ કરવામાં સરકાર અને પ્રશાસન નિષ્ફળ ગયાં હોવાથી મુંબઈ અને આસપાસ એક લાખથી વધારે કેસ નોંધાયા છે.
એમએમઆરમાં ઝડપથી વધી રહેલા કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને બે દિવસ પહેલાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સ્થાનિક પ્રશાસન સાથે બેઠક યોજીને સ્થિતિનો ક્યાસ મેળવ્યો હતો. તેમણે કોરોનાના દરદીઓના સંપર્કમાં આવેલા લોકોને ઝડપથી શોધવા માટેનું મેકૅનિઝમ ઊભું કરવાના નિર્દેશ આપ્યા હોવાનું જાણવા મળ્યું છે.
થાણેના પાલકપ્રધાન અને શિવસેનાના નેતા એકનાથ શિંદેએ ગઈ કાલે આના વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘કેસને નિયંત્રણમાં રાખવાની સાથે નવા કેસ સામે સુવિધા ઉપલબ્ધ કરવાના પણ સરકારના પ્રયાસ ચાલી રહ્યા છે. દરેક મહાનગરપાલિકામાં કોવિડ-19 ટેસ્ટ વધારવાની સાથે હૉસ્પિટલોમાં વધુમાં વધુ બેડ ઉપલબ્ધ કરાવાઈ રહ્યા છે. વાઇરસને નિયંત્રણમાં રાખવાની સાથે મૃત્યુદરમાં ઘટાડો કરવા માટેના નિર્દેશ અપાયા છે.’
કલ્યાણ-ડોમ્બિવલી, વસઈ-વિરાર અને ભિવંડી-નિઝામપુર મહાનગરપાલિકા ક્ષેત્રમાં છેલ્લા ૧૦ દિવસમાં કોરોનાના સૌથી વધારે ઝડપથી કેસ નોંધાયા છે. આ ત્રણેય મહાનગરપાલિકાના કમિશનરોએ પ્રેસ-રિલીઝમાં જણાવ્યું હતું કે કોવિડ-19ની ટેસ્ટમાં વધારો કરવાથી વધારે કેસ સામે આવી રહ્યા છે. વાઇરસને કાબૂમાં રાખવા માટેના અમારા પ્રયાસ ચાલુ છે. એ ઉપરાંત મુખ્ય પ્રધાન સાથેની બેઠકમાં દરદીના સંપર્કમાં આવેલા લોકોને ઝડપથી શોધવાને અત્યારે પ્રાથમિકતા આપવાનો નિર્ણય લેવાયો છે.
મહારાષ્ટ્રના એક ભૂતપૂર્વ ચીફ સેક્રેટરીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોરોનાના સંકટમાં વાઇરસને નિયંત્રણમાં રાખવા માટે પ્રશાસને પૂરતું ધ્યાન ન આપવાથી આજની પરિસ્થિતિ ઊભી થઈ છે. મુશ્કેલીના સમયમાં કમિશનરોની બદલીથી કોઈ ફરક નથી પડવાનો. જરૂર છે દરેક ક્ષેત્રમાં વાઇરસ ફેલાય નહીં એ માટેનું મેકૅનિઝમ ઊભું કરવાની. મારા મતે આરોગ્ય તંત્ર અને પ્રશાસને બીજા દેશોએ અપનાવેલી સિસ્ટમનો અભ્યાસ કરીને જો કામ કર્યું હોત તો મુંબઈ સહિત આસપાસ વાઇરસનો ફેલાવો અટકાવી શકાયો હોત. એમએમઆરમાં ઓછું ટેસ્ટિંગ પણ વાઇરસના ઝડપી ફેલાવાનું એક કારણ છે.’

mumbai mumbai news prakash bambhrolia