કમનસીબ કોરોના યોદ્ધા

16 January, 2021 08:53 AM IST  |  Mumbai | Preeti Khuman Thakur

કમનસીબ કોરોના યોદ્ધા

એક સફાઇ કર્મચારીએ ગંદકીની ફરિયાદ કરતી ટ્વિટ વડાપ્રધાન ઓફિસને કરી છે

એક બાજુ આજે કોરોના યોદ્ધાઓને કોરોના મહામારીથી બચાવવા માટે વિશેષ સ્થાન આપીને તેમને કોરોના વૅક્સિન આપવામાં આવી રહી છે, ત્યારે બીજી બાજુ આ જ કોરોના યોદ્ધાઓને કફોડી પરિસ્થિતિમાં રહેવાનો વારો આવ્યો છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોરોના મહામારીમાં ડૉક્ટર સહિત સફાઈ કર્મચારીઓને પણ કોરોના યોદ્ધાથી સન્માનિત કરાયા છે, પરંતુ સેન્ડ હર્સ્ટ રોડ પાસે આવેલી વાલપખાડીમાં રહેતા બીએમસી બિલ્ડિંગ નંબર-૩ના બીએમસી ક્વાર્ટર્સમાં રહેતા બીએમસીના સોલ્ડિ વેસ્ટ વિભાગમાં સફાઈનું કામ કરતા લોકો ડ્રેનેજના ગંદાં પાણી વચ્ચે દયનીય પરિસ્થિતિમાં રહેવાનો વારો આવ્યો છે. એટલું જ નહીં, કોઈ સાંભળતું ન હોવાથી તેમણે પોતાની વ્યથા વડા પ્રધાન સુધી પહોંચાડવી પડી છે. 

દયનીય હાલતમાં કેવી રીતે રહે છે એ વિશે માહિતી આપતાં બિલ્ડિંગ નંબર-૩માં રહેતા સફાઈ કર્મચારી પરેશ સોલંકીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આમ તો અમે મુંબઈને સાફ રાખવા માટે અમારું આખું જીવન સમર્પિત કર્યું છે, પરંતુ કોરોનાકાળ જેવી કપરી પરિસ્થિતિમાં પણ જીવનું જોખમ લઈને કામકાજ સતત ચાલુ જ રાખ્યું હતું. આ મહામારી વચ્ચે અમારું કામ ત્રણગણું વધી ગયું હતું, પરંતુ પરિસ્થિતિ એવી છે કે મુંબઈને સાફ કરતાં કર્મચારીઓ જ ગંદકીના સામ્રાજ્ય વચ્ચે રહી રહ્યા છે. છેલ્લા બાર દિવસથી બિલ્ડિંગ નંબર-૩ના રહેવાસીઓ ડ્રેનેજના ગંદા અને મળમુત્રવાળા પાણી વચ્ચે રહે છે. બિલ્ડિંગની નીચે બન્ને એન્ટ્રસમાં ડ્રેનેજનું પાણી ભરાઈ ગયું હોવાથી આ ગંદાં પાણીમાંથી પસાર થવું પડે છે.’

આવી અસહ્ય દુર્ગંધ વચ્ચે કઈ રીતે રહી શકીએ એ વિશે વાત કરતાં પરેશભાઈ કહે છે કે ‘આ પાણીની એટલી દુર્ગંધ આવે છે કે ઘરમાં પણ બેસાતું નથી, તો પસાર કઈ રીતે થવું. બીએમસીએ ટેન્ડર પાસ કરીને ગત વર્ષે અહીંના પરિસરમાં ડ્રેનેજની નવી લાઈન બેસાડી હતી પરંતુ એ પૈસા પાણીમાં ગયા હોય એવું લાગે છે. પાણીમાંથી પસાર થવામાં અડચણ ઊભી થઈ રહી છે. ડ્રેનેજની નવી લાઈનમાં બીએમસીની ખામીના કારણે ડ્રેનેજનું પાણી ભરાયું છે. મળમુત્ર અને ગંદકીવાળા પાણીમાંથી આપણો પરિવારને પસાર થતા જોઈને આંખો ભરાઈ આવે છે. મનમાં એવું થાય છે કે આખા મુંબઈને સાફ રાખીએ છીએ અને અમારી આવી હાલત.’

બીમારી ફેલાય એવી ચિંતા

અહીં રહેતાં બીએમસીના નિવૃત્ત સફાઈ કર્મચારી ડાયાભાઈ સોલંકીએ ‘મિડ-ડે’ને જણાવ્યું કે ‘છેલ્લા અમુક દિવસોથી અમે કેવી રીતે સમય પસાર કરીએ છીએ એ મન જાણે છે. આ ગંદકીના કારણે અનેક રહેવાસીઓ બીમાર સુધ્ધાં પડ્યા છે. દવા ખાઈને લોકો પોતાને સજા કરે છે, પરંતુ આવું ગંદકી ભરેલું સામ્રાજ્ય જલદી દૂર ન કરાયું તો બીમારી ફેલાય એવી ચિંતા થઈ રહી છે. આવી ગંદકીના કારણે નાનાં બાળકો સહિત સિનિયર સિટિઝન, પ્રેગ્નટ મહિલાઓને અવર-જવર કરવી જોખમભર્યું થઈ ગયું છે.

વડા પ્રધાનને ટ્વીટ દ્વારા ફરિયાદ

આ વિશે જણાવતાં પરેશભાઈએ કહ્યું કે ‘ડ્રેનેજની નવી પાઇપલાઇન બેસાડી પરંતુ એ કામ યોગ્ય રીતે થયું ન હોવાથી પાણીનો નિકાલ બરાબર થઈ રહ્યો નથી. ડ્રેનેજનાં ગંદાં પાણીમાંથી અનેક દિવસોથી પસાર થઈ રહ્યા છીએ અને સંબંધિત ઑથોરિટીને જાણ કરી હોવા છતાં કોઈ ધ્યાન આપી રહ્યા નથી. એથી અંતે અમે ‘મિડ-ડે’ની મદદ લઈ રહ્યા છીએ તેમ જ વડા પ્રધાનથી લઈને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન કાર્યાલયને ટ્વીટ કરીને અમારી ફરિયાદ પહોંચાડી છે.’

બીએમસીનું શું કહેવું છે?

આ વિશે બીએમસીના ‘સી’ વૉર્ડ‌ના અસિસ્ટન્ટ કમિશનર ચક્રપાણી એલીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘સફાઈ કર્મચારીઓ આવી હાલતમાં રહે એ જરા પણ યોગ્ય નથી. આ વિશે મને સંપૂર્ણ માહિતી મોકલો તો હું તાત્કાલિક ધોરણે પગલાં લઈને બીએમસીના સંબંધિત વિભાગના અધિકારીઓને ત્યાં મોકલીશ.

mumbai mumbai news brihanmumbai municipal corporation preeti khuman-thakur