સુશાંત સિંહ રાજપૂત કેસ: બીજા દિવસે પણ રિયાની સીબીઆઇએ કરી પૂછતાછ

30 August, 2020 10:01 AM IST  |  Mumbai | Vishal Singh

સુશાંત સિંહ રાજપૂત કેસ: બીજા દિવસે પણ રિયાની સીબીઆઇએ કરી પૂછતાછ

પોલીસ પ્રોટેક્શનમાં રિયા ડીઆરડીઓ ગેસ્ટ હાઉસ પહોંચી

સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ કરી રહેલી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશને (સીબીઆઇ) સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની શુક્રવારે સઘન તપાસ કરી હતી. જોકે એમાં રિયાને ઘણા બધા સવાલ પુછાયા હતા, પણ એમાંના કેટલાક સવાલોના જવાબથી સીબીઆઇને સંતોષ ન થતાં ગઈ કાલે ફરી તેને બોલાવીને પૂછપરછ કરાઈ હતી.

ગઈ કાલે રિયા બપોરે ૧.૩૦ વાગ્યે ડીઆરડીઓ ગેસ્ટ હાઉસ પહોંચી હતી. સીબીઆઇ એ જાણવા માગે છે કે સુશાંતના મૃત્યુ પહેલાંના કેટલાક કલાકોમાં શું બન્યું હતું. સીબીઆઇએ ગઈ કાલે રિયા, તેના ભાઈ શૌવિક, સેમ્યુઅલ મિરાન્ડા, સિદ્ધાર્થ પીઠાની, નિરજ સિંહની પણ પૂછપરછ કરી હતી.

સીબીઆઇએ રિયાને ૫૦ જેટલા સવાલ પૂછ્યા હતા, એમાંના બે સવાલોના જવાબથી સીબીઆઇને સંતોષ નથી. સીબીઆઇ એ જાણવા માગી રહી છે કે ૮ જૂને જ્યારે તે સુશાંતના ઘરેથી નીકળી ગઈ ત્યારે શું તે તેમની વચ્ચે બ્રેક-અપ કરીને નીકળી હતી? અને જો એવું હોય તો એ બ્રેક-અપનું કારણ શું હતું?‍ રિયાએ આ બન્ને સવાલોના આપેલા જવાબથી સીબીઆઇને સંતોષ નથી. બીજું, સીબીઆઇ એ જાણવા માગી રહી છે કે ૮ જૂનથી લઈને ૧૪ જૂન દરમ્યાન રિયાએ સુશાંતને ફોન કરી તેની તબિયત વિશે કોઈ પૃચ્છા કરી નહોતી, જ્યારે કે સુશાંત રિયાના ભાઈ શૌવિકને ફોન કરી રિયા વિશે માહિતી મેળવીને અપડેટ રહેતો હતો.
સીબીઆઇએ રિયા અને સુશાંત સાથે યુરોપ ટૂર પર ગયા હતા તો એ શા માટે ગયા હતા અને ત્યાંના ખર્ચાની વિગતો વિશે પણ રિયાને સવાલ કરાઈ રહ્યા છે. વળી શું રિયા અને સુશાંત વચ્ચે આર્થિક વ્યવહાર હતા કે કેમ એની પણ પૂછપરછ કરાઈ રહી છે.

સીબીઆઇ ઑફિસરે કહ્યું હતું કે ‘રિયાની પૂછપરછ વખતે તેના ભાઈ શૌવિકને પણ સાથે રખાયો છે અને સીબીઆઇ તેમની બન્નેની પૂછપરછ કરી રહી છે. તેમણે આપેલી માહિતી તેમની આ પહેલાં વ્યક્તિગત રીતે કરેલી તપાસ સાથે સરખાવાઈ રહી છે.

પોલીસ પ્રોટેક્શનમાં રિયા ડીઆરડીઓ ગેસ્ટ હાઉસ પહોંચી

રિયા ચક્રવર્તીના નિવાસસ્થાન પર આજે મીડિયા-કર્મચારીઓને જોઈ તેણે પોલીસ પ્રોટેક્શન માગ્યું હતું. તેણે કહ્યું હતું કે તેને અને તેના પરિવારને જોખમ છે માટે પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે. સીબીઆઇ દ્વારા પણ મુંબઈ પોલીસને કહી તેને પ્રોટેક્શન આપવાનું જણાવતાં પોલીસ તેના નિવાસસ્થાન પર પહોંચી હતી અને ત્યાર બાદ તે ડીઆરડીઓ ગેસ્ટ હાઉસ પહોંચી હતી.

રિયાની પૂછપરછ કરનાર ડીસીપી અભિષેક ત્રિમુખે કોરોના પૉઝિટિવ

સુશાંત સિંહ રાજપૂતના અપમૃત્યુના કેસમાં અભિનેત્રી રિયા ચક્રવર્તીની પૂછપરછ કરનાર ડીસીપી અભિષેક ત્રિમુખે તેમ જ તેમના પરિવારના તમામ સભ્યો કોરોના પૉઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. સુશાંત સિંહ કેસમાં સીબીઆઇ સાથે કૉર્ડિનેટ કરવા માટે મુંબઈ પોલીસ દ્વારા તેમની નિમણૂક કરવામાં આવી હતી. પ્રારંભિક તપાસ દરમ્યાન અભિષેક ત્રિમુખેએ સીબીઆઇના દિલ્હીથી આવેલા ઑફિસરો સાથે અનેક વખત મુલાકાત કરી હતી.

થોડા દિવસ અગાઉ કૉલ ડિટેલ્સમાંથી જાણવા મળ્યું હતું કે સુશાંત સિંહનાં મોત બાદ રિયા ચક્રવર્તી ડીસીપી અભિષેક ત્રિમુખેના સતત સંપર્કમાં હતી. રિયાએ ડીસીપી ત્રિમુખે સાથે કૉલ અને એસએમએસ દ્વારા વાતચીત કરી હતી.

sushant singh rajput rhea chakraborty Crime News mumbai crime news crime branch mumbai crime branch bihar mumbai police vishal singh