બૉલીવુડ ડ્રગ કેસમાં કઈ કલમ લાગી શકે એ અમે જોઈશું: હાઈ કોર્ટ

19 September, 2020 11:31 AM IST  |  Mumbai | Faizan Khan

બૉલીવુડ ડ્રગ કેસમાં કઈ કલમ લાગી શકે એ અમે જોઈશું: હાઈ કોર્ટ

ડ્રગ પેડલર

બૉમ્બે હાઈ કોર્ટમાં ગઈ કાલે બૉલીવુડ સેલિબ્રિટીઓને સંડોવતા ડ્રગ રૅકેટ કેસમાં સુશાંત સિંહ રાજપૂતના રસોઇયા દીપેશ સહિત ત્રણ જણે કરેલી જામીન અરજીની સુનાવણી વખતે તેના વકીલ રાજેન્દ્ર રાઠોડે દલીલ કરતાં કહ્યું છે કે તેના અસીલ સામે એનડીપીએસ ઍક્ટની કલમ ૨૭-એ લાગુ ન કરી શકાય. કલમ ૨૭-એમાં ગેરકાયદે હેરફેર અને ગુનેગારને પનાહ આપવાના ગુનાને સમાવી લેવાયા છે. જ્યારે કે સામે પક્ષે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)એ આરોપીઓ વતી કરાયેલી દલીલ સંદર્ભે તેમનો જવાબ આપવા માટે એક અઠવાડિયાનો સમય માગ્યો છે. એથી એ સુનાવણી હવે 29 સપ્ટેમ્બર પર ઠેલવામાં આવી છે અને હાલ બધા જ આરોપીઓ જેલ કસ્ટડીમાં છે.

બૉમ્બે હાઈ કોર્ટમાં હાલ એ કેસના આરોપી સુશાંત સિંહના હાઉસ મૅનેજર સૅમ્યુઅલ મિરાન્ડા, રસોઇયા દીપેશ સાવંત અને ડ્રગ પેડલર ઝૈલ વિલાતરાની જામીન અરજી પર સુનાવણી ચાલી રહી છે. આ પહેલાં એસ્પ્લેનેડ કોર્ટ (કિલ્લા કોર્ટ) અને એનડીપીએસ કોર્ટ બન્નેએ આરોપીઓ દ્વારા કરાયેલી જામીન અરજી તેમની સામે કલમ ૨૭-એ લગાવાઈ હોવાથી ફગાવી દીધી હતી. એથી હવે આરોપીઓએ બૉમ્બે હાઈ કોર્ટમાં જામીન મેળવવા અરજી કરી છે. એનડીપીએસ કોર્ટે તેમની અરજી ફગાવતાં એમ કહ્યું હતું કે આરોપીઓએ રૅકેટમાં સંડોવાયેલા ઘણા બધાનાં નામ આપ્યાં છે. જો તેમને જામીન અપાશે તો એ લોકો અલર્ટ થઈ જશે. આરોપીઓના વકીલ રાજેન્દ્ર રાઠેડે કહ્યું હતું કે આ કેસમાં એનડીપીએસ ઍક્ટની કલમ ૨૭-એ લાગુ થતી જ નથી એ વિશે અમે કોર્ટને જણાવ્યું છે. કોર્ટે કહ્યું કે એ કલમ લાગુ કરી શકાય કે નહીં એના બદલ એ વિચારશે.

આ કેસમાં એનસીબીએ વધુ એક ડ્રગ સપ્લાયર રાહિલ રાહલ વિશ્રામની વર્સોવા-યારી રોડથી ધરપકડ કરી છે. એનસીબીનાં સૂત્રોના જણાવ્યા અનુસાર તે બૉલીવુડના ડ્રગ સપ્લાયરમાંનો એક મેઇન સપ્લાયર છે. એ કેસમાં અમારી હાલ જે તપાસ ચાલી રહી છે એમાં સીધો સંકળાયેલો છે. એનસીબીના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ કહ્યું હતું કે અમને તેની પાસેથી તેના ગ્રાહકોનું લિસ્ટ મળી આવ્યું છે અને અમે તેની ચકાસણી કરી રહ્યા છીએ.

એનસીબીની ઑફિસરે કહ્યું હતું કે ‘હિમાચલ પ્રદેશમાંથી અમે ૯૨૮ ગ્રામ હાઈ ક્વોલિટીનું ચરસ અને ૪,૩૬,૦૦૦ રૂપિયાની રોકડ જપ્ત કરી હતી. આ ચરસ બહુ જ પ્યૉર અને હાઈ ક્વૉલિટીનું છે જે ઊંચા દામમાં વેચાય છે. વળી આટલું પ્યૉર ચરસ હાઈ પ્રોફાઇલ ગ્રાહકો માટે જ હિમાચલ પ્રદેશથી લવાય છે.’

mumbai mumbai news Crime News mumbai crime news rhea chakraborty sushant singh rajput faizan khan