SSR Suicide Case: ઇડી દ્વારા રિયાના ભાઇની ફરી પૂછપરછ

09 August, 2020 11:51 AM IST  |  Mumbai | Vishal Singh

SSR Suicide Case: ઇડી દ્વારા રિયાના ભાઇની ફરી પૂછપરછ

રિયા ચક્રવર્તી અને ભાઈ શોવિક ચક્રવર્તી

ઈડી સુશાંતસિંહ રાજપૂતનાં બૅક-ખાતાંમાંથી ૧૫ કરોડ રૂપિયાની ટ્રાન્સફર વિશે તપાસ કરી રહી છે. આ કેસમાં ઈડી હવે કંપની રજિસ્ટ્રાર પાસેથી સુશાંતની રજિસ્ટર્ડ કંપનીઓની વિગતો મેળવી રહી છે. તેના પિતાએ આક્ષેપ કર્યો છે કે સુશાંતના ખાતામાં ૧૭ કરોડ રૂપિયા હતા, જેમાંથી ૧૫ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ફિલ્મસ્ટાર રિયા ચક્રવર્તીની પણ આ સંદર્ભે સાડાઆઠ કલાક પૂછપરછ કરવામાં આવી હતી અને તેને ફરીથી સમન્સ બજાવાયું છે. શનિવારે ઈડીએ રિયાના ભાઈ શોવિક ચક્રવર્તીને સમન્સ બજાવ્યું હતું અને તેની પૂછપરછ મોડી સાંજ સુધી ચાલી હતી.

ઑક્ટોબર ૨૦૧૯માં સુશાંતે બે કંપની સ્થાપી હતી – વિવિડરેજ રિયલિટી એક્સ પ્રા. લિ. જેમાં સુશાંત, રિયા અને રિયાનો ભાઈ શોવિક ડિરેક્ટર હતાં. બીજી કંપની ફ્રન્ટ ઇન્ડિયા ફૉર વર્લ્ડ ફાઉન્ડેશનમાં શોવિક અને સુશાંત ડિરેક્ટર હતા. બન્ને કંપનીઓ સમાન સરનામા પર નોંધાઈ હતી.

સુશાંત સુસાઇડ કેસના મામલે રાજ્ય સરકાર સુપ્રીમના આદેશ મુજબ કાર્યવાહી કરશે : અનિલ દેશમુખ

અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના કેસમાં મહારાષ્ટ્ર સરકાર સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર કાર્યવાહી કરશે, એમ રાજ્યના ગૃહપ્રધાન અનિલ દેશમુખે શનિવારે જણાવ્યું હતું અને પુનરુચ્ચાર કર્યો હતો કે મુંબઈ પોલીસ પ્રોફેશનલ રીતે તપાસ હાથ ધરી રહી છે.

સુશાંતની ગર્લફ્રેન્ડ અને ફિલ્મસ્ટાર રિયા ચક્રવર્તી વિરુદ્ધ ગુનાહિત ષડ્યંત્ર અને આત્મહત્યાની દુષ્પ્રેરણા સંબંધિત પટના પોલીસના એફઆઇઆરના આધારે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)એ તપાસ હાથ ધરી એના બે દિવસ બાદ દેશમુખે ઉપરોક્ત ટિપ્પણી કરી હતી.

મુંબઈ પોલીસ પ્રોફેશનલ રીતે કેસની તપાસ કરી રહી છે. તપાસ આગળ કેવી રીતે વધશે એનો આધાર ૧૧ ઑગસ્ટે આ કેસની સુનાવણી હાથ ધરનાર સુપ્રીમ કોર્ટના આદેશ પર રહેશે. અમે સર્વોચ્ચ અદાલતના આદેશ અનુસાર આગળ વધીશું, એમ દેશમુખે જણાવ્યું હતું.

રિયા ચક્રવર્તીએ તેના પર સુશાંતને તેના મુંબઈના નિવાસસ્થાને આત્મહત્યા કરવા માટે દુષ્પ્રેરિત કરવાનો આરોપ લગાવતા એફઆઇઆરને પટનાથી મુંબઈ ખસેડવાની માગણી કરવા માટે સુપ્રીમ કોર્ટનું શરણ લીધું છે.

sushant singh rajput rhea chakraborty mumbai police Crime News mumbai crime news bihar mumbai news vishal singh