સુશાંત કેસ: CBI દ્વારા રજત મેવાતીની ફરી પૂછપરછ, એક ડ્રગ-પેડલરની ધરપકડ

16 September, 2020 09:26 AM IST  |  Mumbai | Mumbai Correspondent

સુશાંત કેસ: CBI દ્વારા રજત મેવાતીની ફરી પૂછપરછ, એક ડ્રગ-પેડલરની ધરપકડ

સુશાંત સિંહ રાજપૂત

સુશાંત સિંહ રાજપૂત કેસની સીબીઆઇ તપાસ હવે નિર્ણાયક તબક્કા પર પહોંચી ગઈ છે. ૧૭ સપ્ટેમ્બરે એઇમ્સની ફૉરેન્સિક ટીમ આ કેસ મામલે પોતાનો ફાઇનલ રિપોર્ટ સીબીઆઇને સોંપશે, તો બીજી તરફ સીબીઆઇ કેસમાં સંડોવાયેલા લોકોની સતત પૂછપરછ કરી રહી છે. ગઈ કાલે મંગળવારે સુશાંતના સીએ રજત મેવાતીને ફરી એક વખત પૂછપરછ માટે ડીઆરડીઓ ગેસ્ટહાઉસ બોલાવવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે સુશાંતના સીએને સીબીઆઇ પાંચ કરતાં વધુ વખત પૂછપરછ માટે બોલાવી ચૂકી છે. રજત મેવાતીનું નિવેદન એ રીતે પણ મહત્ત્વપૂર્ણ છે કે તે સુશાંતની આર્થિક સ્થિતિ કેવી હતી, એ વિશે સીબીઆઇ સમક્ષ ફોડ પાડી શકે છે.

આ દરમિયાન એનસીબીએ મુંબઈમાં વધુ એક ડ્રગ-પેડલર ક્રિસ કોસ્ટાની ધરપકડ કરી છે. ક્રિસનું કનેક્શન ગોવામાં છે. આ અગાઉ એનસીબીએ સૂર્યદીપની ધરપકડ કરી હતી. સૂર્યદીપ શૌવિક ચક્રવર્તીનો શાળાના સમયથી મિત્ર છે. કહેવાય છે કે સૂર્યદીપ શૌવિકને ડ્રગ્ઝ ખરીદવામાં મદદ કરતો હતો.

સીબીઆઇ ઉપરાંત એનસીબી પણ સુશાંત કેસની સમાંતર તપાસ ચલાવી રહ્યું છે. સોમવારે એનસીબીની ટીમે સુશાંતના પાવના લેક ફાર્મહાઉસ પર દરોડા પાડ્યા હતા. નાર્કોટિક્સ બ્યુરોને સુશાંતના ફાર્મહાઉસ પરથી હુક્કા પોટ્સ, દવાઓ, એશ-ટ્રે તથા અન્ય ઘણો સામાન મળ્યો છે. સુશાંત આ જગ્યા માટે દર મહિને અઢી લાખ રૂપિયા ચૂકવતો હતો.

સુશાંત ઘણી વખત હળવાશના સમયે તેના આ ફાર્મહાઉસ પર આવતો હતો. અહેવાલ અનુસાર ફાર્મહાઉસ પર સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા, તેનો ભાઈ શૌવિક, હાઉસ મૅનેજર સૅમ્યુઅલ મિરાન્ડા, ફ્લૅટમેટ સિદ્ધાર્થ પીઠાની સહિત અન્ય લોકોની અવરજવર રહેતી હતી. તમામ લોકો ઘણી વાર અહીં પાર્ટી કરતા હતા.

mumbai mumbai news sushant singh rajput rhea chakraborty bihar mumbai police bandra Crime News mumbai crime news mumbai crime branch