સુશાંતના મૃતદેહને હૉસ્પિટલ લઈ જનારી ઍમ્બ્યુલન્સને દરરોજ ધમકીઓ આવે છે

05 August, 2020 07:14 AM IST  |  Mumbai | Vishal Singh

સુશાંતના મૃતદેહને હૉસ્પિટલ લઈ જનારી ઍમ્બ્યુલન્સને દરરોજ ધમકીઓ આવે છે

સુશાંતના મૃત શરીરને અક્ષય બાંદગરે હૉસ્પિટલ પહોંચાડ્યું હતું

સુશાંતસિંહ રાજપૂતના મૃતદેહને તેના રહેઠાણથી હૉસ્પિટલ સુધી જે ઍમ્બ્યુલન્સમાં લઈ જવાયો હતો એ ઍમ્બ્યુલન્સ સર્વિસ ચલાવતા બે ભાઈઓને રોજના ૩૦૦ અપમાનજનક ફોન આવે છે. કૉલર્સ દાવો કરે છે કે સુશાંતને ઍમ્બ્યુલન્સની અંદર મૂકવામાં આવ્યો ત્યારે તે જીવતો હતો અને ઍમ્બ્યુલન્સવાળાઓએ તેને મોતને ઘાટ ઉતાર્યો હતો.

અક્ષય અને વિશાલ નામના બે ભાઈઓ શહેરની વિવિધ હૉસ્પિટલોને ઍમ્બ્યુલન્સ સર્વિસ પૂરી પાડે છે. વિશાલ જણાવે છે કે છેલ્લા એક મહિનાથી અમને ધમકીભર્યા ફોન આવી રહ્યા છે. કૉલર આક્ષેપ કરે છે કે સુશાંતને ઍમ્બ્યુલન્સમાં લવાયો ત્યારે તે જીવતો હતો. ગળું રૂંધીને તેની હત્યા કરવામાં આવી છે. તમારી પણ હત્યા થશે, ભગવાન તમને સજા કરશે, આવું બધું તેઓ ફોન પર કહે છે એમ વિશાલે જણાવ્યું હતું.

બન્ને ભાઈઓ સેવાના ભાગરૂપે ચાર ઍમ્બ્યુલન્સ ધરાવે છે અને એના પર ૪ કૉન્ટૅક્ટ-નંબર દર્શાવાયા છે. દરેક નંબર પર ફોન આવે છે. દેશમાંથી અને કેટલીક વખત વિદેશમાંથી પણ ફોન આવે છે. કૉલર્સ ઘણી ખરાબ ભાષા વાપરે છે એમ વિશાલે ઉમેર્યું હતું.

તેણે જણાવ્યું કે ‘૧૪ જૂને ઍમ્બ્યુલન્સ માટે મારા પર ફોન આવ્યો હતો અને અક્ષય સુશાંતના બાંદરાના તેના ઘરે ઍમ્બ્યુલન્સ લઈને ગયો હતો. અભિનેતાનો મૃતદેહ તેની પથારીમાં હતો અને અક્ષયે ઍમ્બ્યુલન્સના અન્ય સ્ટાફ સાથે મૃતદેહ નીચે લાવીને સ્ટ્રેચર પર ગોઠવ્યો હતો. જોકે સ્ટ્રેચરનું વ્હીલ બગડી ગયું હતું અને તેઓ સ્ટ્રેચરને અંદર મૂકી શક્યા નહોતા એથી બીજી ઍમ્બ્યુલન્સ બોલાવાઈ હતી. અક્ષય સુશાંતના મૃતદેહને બીજી ઍમ્બ્યુલન્સમાં હૉસ્પિટલ લઈ ગયો હતો.

ધમકીભર્યા ફોન આવતાં હોવાથી વિશાલ બાંદરા પોલીસ-સ્ટેશન ગયો હતો, પરંતુ તેને અક્ષયને પણ સાથે લાવવાનું જણાવાયું હતું. અક્ષય ગામ ગયો હોવાથી ફરિયાદ નોંધી શકાઈ નહોતી. તે પાછો ફરે પછી અમે મુંબઈ પોલીસની સાઇબર સેલનો સંપર્ક સાધીશું એમ વિશાલે જણાવ્યું હતું.

mumbai news sushant singh rajput rhea chakraborty mumbai crime news mumbai crime branch Crime News vishakha singh