શહેરમાં સાઇબર ક્રાઇમ વધી ગયો

16 February, 2022 12:07 PM IST  |  Mumbai | Anurag Kamble

૨૦૨૦ની સરખામણીએ ગયા વર્ષે નોંધાયા ૪૪૮ વધારે કેસ. લૉકડાઉનમાં નોકરી જતી રહી હોવાથી ઘણા લોકો આવી ગુનાખોરી તરફ વળ્યા: ગુનાખોરી વધવાની સાથે ડિટેક્શનમાં પણ થયો સુધારો

પ્રતીકાત્મક તસવીર

કોરોના દરમ્યાન ૨૦૨૦માં ઘટેલી ગુનાખોરીમાં ૨૦૨૧ દરમ્યાન ફરી વધારો જોવા મળ્યો હતો એમ મુંબઈ પોલીસના વાર્ષિક રિપોર્ટમાં જાણવા મળ્યું છે. કોરોના પહેલાં જેટલી ગુનાખોરી જોવા મળતી હતી એટલી જ જોવા મળી રહી છે તો બીજી તરફ ડિટેક્શનની ટકાવારીમાં સુધારો જોવા મળ્યો છે. મુંબઈના પોલીસ-કમિશનર હેમંત નગરાળેના જણાવ્યા પ્રમાણે ગુનાખોરોને રોકવામાં તેમ જ તપાસમાં પોલીસ સખત મહેનત કરી રહી છે.

ગઈ કાલે બહાર પાડવામાં આવેલા ૨૦૨૧ના વાર્ષિક રિપોર્ટમાં શહેરમાં ૨૦૧૯થી ૨૦૨૧ સુધીના ગુનાખોરીના આંકડા મળે છે. રિપોર્ટ મુજબ ૨૦૨૧માં કુલ ૩૩,૮૧૩ કેસ નોંધાયા હતા. એમાંથી ૬૭ ટકાના દર સાથે ૨૨,૫૧૯ કેસ ઉકેલાયા છે. ૨૦૨૦માં ૨૮,૨૪૪ કેસ નોંધાયા હતા. એમાંના ૬૨ ટકાના દર સાથે ૧૭,૫૯૩ કેસ ઉકેલાયા હતા. એ જ પ્રમાણે ૨૦૧૯માં ૬૮ ટકાના દર સાથે ૪૧,૫૯૦ કેસમાંથી ૨૮,૪૬૭ કેસ ઉકેલાયા હતા.

મુંબઈના પોલીસ-કમિશનરે કહ્યું હતું કે ‘લૉકડાઉનને કારણે ઘણા રહેવાસીઓ ૨૦૨૦માં પોતાના વતનના ઘરે ગયા હતા. એથી ૨૦૨૧ની સરખામણી ૨૦૧૯ સાથે કરીએ તો કેસ કોરોના અગાઉના યુગમાં આવી ગયા છતાં તપાસમાં સુધારો થયો છે. મુંબઈ પોલીસ ૨૦૨૧માં નોંધાયેલા લૂંટના તમામ ૧૬ કેસ ઉકેલવામાં સફળ રહી હતી, પણ ૨૦૨૦માં લૂંટનો એક કેસ ઉકેલાયો નથી. પોલીસે ખૂનકેસમાં ૯૯ ટકા, ખૂનના પ્રયાસમાં ૯૭ ટકા, ઈજામાં ૯૩ ટકા અને લૂંટના ૯૨ ટકા કેસ ઉકેલ્યા છે. પોલીસ માટે ચોરી સૌથી મોટી ચિંતા છે. ૨૦૨૧માં નોંધાયેલા ચોરીના ૪૫૩૪ કેસમાંથી માત્ર ૧૮૭૦ કેસ જ ઉકેલાયા છે. ૨૦૨૧માં ૨૮૩૩ સાઇબર ગુનાઓ નોંધાયા હતા જે ૨૦૨૦ની સરખામણીએ ૪૪૮ વધારે છે. લૉકડાઉનને લીધે ઘણા લોકોની નોકરી જતી રહી હોવાથી સાઇબર ગુનાખોરીમાં વધારો થયો હોવાનું મનાય છે.’

જાતીય અપરાધમાં સોશ્યલ મીડિયા ફ્રેન્ડ્સ વધુ સામેલ
મુંબઈ પોલીસના ૨૦૧૯થી ૨૦૨૧ના આંકડા મુજબ જાતીય અપરાધ કરનારાઓ મહિલાને ઓળખતા હતા; જેમાં પેરન્ટ્સ, રિલેટિવ્સ અને સોશ્યલ મીડિયા ફ્રેન્ડ્સનો સમાવેશ છે. મોટા ભાગના કેસમાં મહિલાને લગ્નનું વચન આપીને લલચાવાઈ હતી. આ ઉપરાંત લિવ-ઇન પાર્ટનર્સ, અલગ થયેલા હસબન્ડ, પાડોશીઓ, સાથી-કર્મચારીઓ, નોકર, માળી તથા ડ્રાઇવરનો પણ અપરાધીઓમાં સમાવેશ છે. છેલ્લાં ત્રણ વર્ષમાં બળાત્કારના ૧૫૦૭ કેસ નોંધાયા છે, જેમાં પૉસ્કોના ૮૫૬ કેસ પણ સામેલ છે. તમામમાં આરોપીઓમાં સોશ્યલ ફ્રેન્ડની સંડોવણી છે. છેલ્લાં ત્રણ વર્ષમાં બળાત્કારના કુલ ૨૬૬૯ કેસ નોંધાયા છે, જેમાં ૨૦૨૧ના ૮૮૮ કેસ સામેલ છે. બળાત્કાર અને પૉસ્કો કેસમાં ૩૮૬ આરોપીઓમાં નોકર, ડ્રાઇવર અને માળીઓ બીજા ક્રમાંકે આવે છે. બળાત્કાર અને પૉસ્કોના ૨૧૮ મામલામાં પાડોશીઓની સંડોવણી છે અને આમ એ ત્રીજા ક્રમાંકે છે.   

mumbai mumbai news cyber crime anurag kamble