સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવાનો કકળાટ

05 October, 2016 02:54 AM IST  | 

સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવાનો કકળાટ


પુરાવો ન મળે ત્યાં સુધી સર્જિકલ સ્ટ્રાઇકને અંગત રીતે હું ફેક ગણીશ

ધર્મેન્દ્ર જોરે

ભારતીય લશ્કરના કમાન્ડોઝે પાકિસ્તાનના પ્રદેશમાં પાર પાડેલી માનવામાં આવતી સર્જિકલ સ્ટ્રાઇક વાસ્તવિક હોવાનું મુંબઈ પ્રદેશ કૉન્ગ્રેસના પ્રમુખ સંજય નિરુપમ નથી માનતા. કેન્દ્ર સરકાર આધારભૂત પુરાવા ન આપે ત્યાં સુધી એ સમગ્ર કાર્યવાહીને બનાવટી ગણવાની જાહેરાત સંજય નિરુપમે કરી છે.

ગઈ કાલે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર લખેલી પોસ્ટમાં તેમણે જણાવ્યું હતું કે ‘સર્જિકલ સ્ટ્રાઇક બનાવટી હોવાનો મારો અંગત અભિપ્રાય છે. મારા પક્ષનો સત્તાવાર અભિપ્રાય એવો છે કે નહીં એ હું નથી જાણતો. સર્જિકલ સ્ટ્રાઇક હાથ ધરવામાં આવી હોવાની જાહેરાત કરવામાં આવી ત્યારે અમારા પક્ષનાં પ્રમુખ સોનિયા ગાંધી અને ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને આ પગલા માટે ટેકો આપ્યો હતો, પરંતુ ત્યાર બાદ પુલ નીચેથી ઘણાં પાણી વહી ગયાં છે. આ સમયગાળામાં પાકિસ્તાન સહિતના દેશો અને નિષ્ણાતોએ એ ઘટનાને બનાવટી ગણી છે. આ પ્રચાર-સ્ટન્ટ હિટ થાય એ માટે ડિરેક્ટર જનરલ ઑફ મિલિટરી ઑપરેશન્સને પત્રકાર-પરિષદ યોજીને આવી જાહેરાત કરવાની સૂચના કયા નેતાએ આપી એ કેન્દ્ર સરકારે સ્પષ્ટ કરવું જોઈએ, કારણ કે BJPએ એના નેતાઓને આ બાબતનો યશ આપતાં હોર્ડિંગ્સ મૂકવા માંડ્યા છે. મને કહેવામાં આવ્યું હતું કે સર્જિકલ સ્ટ્રાઇક સફળતાપૂર્વક પાર પાડવા બદલ સંરક્ષણપ્રધાન મનોહર પર્રિકરનું જાહેર સન્માન કરવામાં આવશે. ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી પૂર્વે ખોટી યશગાથાઓ ગાઈને પ્રચાર કરવાનું આ શરમજનક કૃત્ય છે.’     

નિરુપમમાં પૉલિટિકલ મૅચ્યોરિટી નથી : BJP


સર્જિકલ સ્ટ્રાઇકની સચ્ચાઈને પડકારીને કૉન્ગ્રેસના મુંબઈ એકમના પ્રમુખ સંજય નિરુપમે પૉલિટિકલ મૅચ્યોરિટીનો અભાવ પ્રદર્શિત કર્યો હોવાનું BJPના પ્રવક્તા કેશવ ઉપાધ્યેએ જણાવ્યું હતું.

કેશવ ઉપાધ્યેએ બેજવાબદાર વિધાનો કહેવા બદલ મુંબઈ કૉન્ગ્રેસના પ્રમુખની ટીકા કરતાં જણાવ્યું હતું કે ‘સંજય નિરુપમે ભારતીય લશ્કરની વિશ્વસનીયતા અને ક્ષમતા કરતાં વધારે વિશ્વાસ પાકિસ્તાનના મીડિયા પર મૂક્યો છે. વળી તેઓ પક્ષનાં નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પર પણ વિશ્વાસ નથી રાખતા. તે બન્ને નેતાઓએ લશ્કરની કામગીરીના સમર્થન ઉપરાંત પ્રશંસા પણ કરી છે. BJP સર્જિકલ સ્ટ્રાઇક દ્વારા રાજકીય લાભ મેળવવાની ઇચ્છા નથી રાખતી.’  

સર્જિકલ સ્ટ્રાઇક્સના અરવિંદ કેજરીવાલે પુરાવા માગ્યા એમાં BJPનો પિત્તો ગયો


લાઇન ઑફ કન્ટ્રોલની પેલે પાર ભારતીય કમાન્ડોની સર્જિકલ સ્ટ્રાઇક્સને મુદ્દે રાજકારણ ખેલાતું હોવાનો આરોપ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ગઈ કાલે મૂક્યો હતો તો BJPએ પાકિસ્તાનને ઉઘાડું પાડવાની કેજરીવાલની માગણીની ટીકા કરી છે. કેજરીવાલે સોમવારે એ હુમલાના પુરાવા જાહેર કરવાની પણ માગણી કરી હતી.

એ ટીકાના જવાબમાં અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે મેં શું અયોગ્ય કહ્યું છે? મેં સરકારને ટેકો આપ્યો છે અને કહ્યું છે કે આપણે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવો જોઈએ. આમ આદમી પાર્ટી માને છે કે સર્જિકલ સ્ટ્રાઇક્સ હાથ ધરવામાં આવી હતી અને એ માટે મેં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સૅલ્યુટ પણ કરી છે.

કેન્દ્રના કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદે દિલ્હીના મુખ્ય પ્રધાનના એ વિવાદાસ્પદ બયાનના અનુસંધાનમાં જણાવ્યું હતું કે ‘મિસ્ટર કેજરીવાલ, તમારે એ સમજવું જોઈએ કે આજે તમે પાકિસ્તાની મીડિયાની હેડલાઇન બન્યા છો. રાજકારણ જુદી બાબત છે. મહેરબાની કરીને સૈનિકોને ઉતારી પાડતાં નિવેદનો જેવી ખેદજનક અને દુખદ બાબત બીજી કોઈ નથી હોતી. આખો દેશ એક તરફ છે ત્યારે આપણા એક મુખ્ય પ્રધાન પાકિસ્તાન અને એના લશ્કરને સવાલો ઊભા કરવાની પ્રેરણા મળે એવું કંઈક બોલ્યા છે.’

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે સર્જિકલ સ્ટ્રાઇક્સના એ વિડિયો-ફુટેજ જાહેર કરવાનો સરકારને અનુરોધ કરતાં સોમવારે જણાવ્યું હતું કે ‘વિદેશી મીડિયા પાકિસ્તાનના દાવાને સાચો માનતું હોવાનું જણાય છે. એવા અહેવાલો વાંચીને મારું લોહી ઊકળે છે. એથી હું પુરાવા જાહેર કરવાની માગણી કરું છું.