સુરેશ દલાલની કેટલીક પંક્તિઓ

12 August, 2012 08:44 AM IST  | 

સુરેશ દલાલની કેટલીક પંક્તિઓ

 

 

 

રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં

વ્હેતું ના મેલો, ઘનશ્યામ!

સાંજ ને સવાર નિત નિંદા કરે છે

ઘેલું ઘેલું રે ગોકળિયું ગામ!

* * *

લીલ લપાઈ બેઠી જળને તળિયે;

સૂર્યકિરણને એમ થયું કે લાવ જઈએ મળિયે!

* * *

મને ઘૂઘવતા જળે ખડકનું પ્રભુ! મૌન દો!

* * *

તમારું અર્પેલું સ્મિત લઈ હવે ક્યાંક સરતો

તરાપો ડૂબેલો કમળ થઈને આજ તરતો

* * *

રાત-દિવસનો રસ્તો વ્હાલમ નહીં તો ખૂટે કેમ?

તમે પ્રેમની વાતો કરજો : અમે કરીશું પ્રેમ.

* * *

મંદિર સાથે પરણી મીરાં, રાજમહલથી છૂટી રે;

કૃષ્ણ નામની ચૂડી પહેરી, માધવની અંગૂઠી રે!

* * *

આપણે આપણી રીતે રહેવું:

ખડક થવું હોય તો ખડક:

નહીં તો નદી જેમ નિરાંતે વહેવું!

* * *

શ્યામ મારો આ કોરો કાગળ

એમાં દોરો તમે કુંડળી

અને કહો કે મળશું ક્યારે?

* * *

કોઈ રસ્તાની ધારે ધારે બેસી સાંજસવારે

તારી રાહ જોઉં છું.

ઊડતાં ઊડતાં પંખીઓ પણ તારું નામ પોકારે

તારી રાહ જોઉં છું

* * *

એક ભૂરા આકાશની આશા ફૂટી

મને ડાળખીને પંખીની ભાષા ફૂટી

* * *

આંખ તો મારી આથમી રહી

કાનના કૂવા ખાલી

એક પછી એક ઇન્દ્રિય કહે :

હમણાં હું તો ચાલી

* * *

પરપોટાનો ફોટો લેવામાં

દરિયો કેમ ભૂંસાઈ ગયો!

* * *

અમને માયા લગાડીને, છાયા ઉઠાવીને

મનમગતો માણસ એક ચાલ્યો ગયો

રણઝણતા ગીત મહીં, પાગલ આ પ્રીત મહીં

થનગનતો માણસ એક ચાલ્યો ગયો.

* * *

મોરપિચ્છની રજાઈ ઓઢી

તમે સૂઓને શ્યામ

અમને થાય પછી આરામ...

* * *

ઘૂંઘટપટની ઘુઘરિયાળી વાત ગગનમાં ધૂપ થઈ

એક દિવસ તો ગાતાં ગાતાં મીરાં ચૂપ થઈ

* * *

હું સાવ અજાણ્યો યાત્રી!

ક્યાંથી આવ્યો, ક્યાં હું ચાલ્યો;

નહીં ખબર કે ખાત્રી.