ટીનેજર માટે MMSએ મુસીબત ઊભી કરી

30 October, 2012 05:20 AM IST  | 

ટીનેજર માટે MMSએ મુસીબત ઊભી કરી



ગયા વર્ષે‍ મલાડ (ઈસ્ટ)ના કુરાર વિલેજમાં થયેલા ગૅન્ગરેપના કિસ્સામાં આરોપીઓ પકડાઈ ગયા છે અને રેપનો ભોગ બનેલી મૂળ ઉત્તર પ્રદેશની યુવતી હવે ધીમે-ધીમે થાળે પડી છે ત્યારે તેનો એ ગૅન્ગરેપનો જે MMS બનાવવામાં આવ્યો હતો એણે વલસાડની એક ટીનેજર માટે મુસીબત ઊભી કરી દીધી છે. ગૅન્ગરેપનો ભોગ બનેલી યુવતી જેવી દેખાતી હોવાથી, બદનામી થતી હોવાથી અને લોકો તે જ ગૅન્ગરેપનો ભોગ બની હોવાનું સમજતા હતા એટલે વલસાડની તે ટીનેજરે આત્મહત્યાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. જોકે વલસાડ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ આ માટે મુંબઈ આવી એ બાબત ક્લિયર કરી છે કે ગૅન્ગરેપનો ભોગ બનેલી અને વલસાડની ટીનેજર બન્ને અલગ છે. મલાડની કુરાર પોલીસે કહ્યું હતું કે ‘ગુજરાત પોલીસે આ બાબતની તપાસ કરી હતી, કારણ કે વલસાડની ટીનેજરે તે ગૅન્ગરેપનો ભોગ બનેલી યુવતી જેવી દેખાતી હોવાથી બે વાર આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તેની કૉલેજમાં એ MMS ફરતો થયો હતો અને તેને જ લોકોએ ગૅન્ગરેપનો બની હોવાનું માની લીધી હતી. એ પછી તેને લોકો પૂછતા પણ હતા કે આ બાબતે પોલીસમાં ફરિયાદ કરી કે નહીં? જોકે તેને આ બાબતની જાણ નહોતી. આખરે તે એ MMS જોઈને ડઘાઈ ગઈ હતી. તેણે કહ્યું હતું કે મારી સાથે ક્યારેય આવું બન્યું જ નહોતું.’

આ બાબતે આખરે વલસાડ પોલીસે પ્પ્લ્નું પગેરું શોધતાં ગૂગલ દ્વારા જાણવા મળ્યું હતું કે એ MMS મુંબઈથી ફરતો થયો હતો. વધુ તપાસ કરતાં એ ગૅન્ગરેપનો કેસ મલાડના કુરાર વિલેજમાં નોંધાયો હોવાનું જાણવા મળ્યું હતું. આથી ગુજરાત પોલીસે કુરાર પોલીસનો સંપર્ક કર્યો હતો. જોકે ગુજરાત પોલીસ મુંબઈ આવીને તપાસ કરી રહી હતી ત્યારે ગૅન્ગરેપનો ભોગ બનેલી ટીનેજર મલાડમાં જ હોવાથી ગુજરાત પોલીસ તેને પણ મળી હતી અને તેનું સ્ટેટમેન્ટ લઈને ખાતરી કરી હતી કે વિડિયો-ક્લિપમાં દેખાતી ટીનેજર તે વલસાડની ટીનેજર નથી.  

ગુજરાત પોલીસનો આ બાબતે સંપર્ક સાધવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું હતું કે આ બાબતનો કેસ નોંધીને તપાસ કરવામાં આવી હતી, પણ કુરાર પોલીસ સાથે આ બાબત ક્લિયર થતાં હવે તેમણે એ કેસ પાછો લીધો છે. 

કુરારના એ કેસમાં સૂરજ નેપાલીએ તેના વિસ્તારની ટીનેજરને ડુંગર પર લઈ જઈને રેપ કર્યો હતો. ત્યારે તેના ચાર સાગરીતોએ ટીનેજરના હાથ-પગ પકડી રાખ્યા હતા અને તેના એક સાગરીતે મોબાઇલ પર એ રેપનો વિડિયો લીધો હતો. એ પ્પ્લ્ના આધારે જ પોલીસે સૂરજ નેપાલી અને તેના સાગરીતોને પકડ્યા હતા.

MMS = મલ્ટિમિડિયા મેસેજિંગ સર્વિસ