નાશિકમાં રોકાયેલી મમ્મીને લેવા જતો ગુજરાતી યુવાન પોતે જ જતો રહ્યો

26 December, 2014 05:29 AM IST  | 

નાશિકમાં રોકાયેલી મમ્મીને લેવા જતો ગુજરાતી યુવાન પોતે જ જતો રહ્યો






પ્રીતિ ખુમાણ ઠાકુર અને ખુશાલ નાગડા

ડોમ્બિવલી (વેસ્ટ)માં રેતીબંદરના ગણેશકૃપા બિલ્ડિંગમાં રહેતો ૨૦ વર્ષનો સૂરજ ભરત ચાવડા તેની મમ્મી તેમના રિલેટિવ સાથે તીર્થધામ દર્શન કરવા ગઈ હતી અને તે નાશિકમાં બે દિવસ રોકાઈ ગઈ હોવાથી કોઈ પણ જાતની હેરાનગતિ વિના તે મુંબઈ પહોંચે એ માટે ૨૪ ડિસેમ્બરે વહેલી સવારે કાર લઈને મમ્મીને લેવા નાશિક જવા નીકળ્યો હતો અને ત્યાં રસ્તામાં ઍક્સિડન્ટમાં તે મૃત્યુ પામતાં પરિવાર પર દુ:ખનો ડુંગર તૂટી પડ્યો છે.

સૂરજની ઇચ્છા બારમી ભણીને પોતાનો બિઝનેસ શરૂ કરવાની હોવાથી તેણે ત્રણ મહિના પહેલાં જ ટૂર ઍન્ડ ટ્રાવેલ્સનો બિઝનેસ શરૂ કર્યો હતો, જેમાં તે પોતે પણ ડ્રાઇવિંગ કરતો હતો. પપ્પા ભરત ચાવડાએ જેમ-તેમ કરીને તેને બિઝનેસ માટે ટવેરા કાર લઈ આપી હતી અને એ જ કાર લઈને તે મમ્મીને લેવા ગયો હતો. ધ્રુસકે-ધ્રુસકે રડતાં પોતાના પર પડેલા દુ:ખની લાગણી સાથે માહિતી આપતાં સૂરજના પપ્પા ભરત ચાવડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સૂરજની મમ્મી પ્રતિમા અમારા રિલેટિવ સાથે નાશિકના પંચવટી તથા અન્ય તીર્થધામોમાં દર્શન માટે ગઈ હતી. બે દિવસથી પ્રતિમા નાશિક રોકાઈ હોવાથી મમ્મીને ડોમ્બિવલી આવતાં કોઈ હેરાનગતિ ન થાય એ માટે તે અહીંથી ૨૪ ડિસેમ્બરે સવારે સાડાચાર વાગ્યે ડોમ્બિવલીથી નીકળ્યો હતો. સવારે નાશિક જઈ રહ્યો હતો ત્યારે ઇગતપુરીથી આગળ જૈન દેરાસરથી પાંચ મિનિટના અંતરે તેનો ઍક્સિડન્ટ થયો હતો. તેની કારની આગળ એક કેમિકલનું ટૅન્કર જતું હતું અને સૂરજે હૉન માર્યા છતાં ટૅન્કરના ડ્રાઇવરે સાંભળ્યું નહીં એથી તે પહેલાં રાઇટથી પણ પછી લેફ્ટથી જતો હતો ત્યારે સૂરજની કાર  ટૅન્કરના પાછળના ભાગમાં અથડાઈ અને પાછળ રહેલો સળિયો સૂરજની કાર સાથે સૂરજના ગળાને ચીરીને નીકળી ગયો હતો જેથી તે ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યો હતો. તેને નાશિકની સિવિલ હૉસ્પિટલમાં લઈ જવાયો હતો. સૂરજે પોતાના બિઝનેસના વિઝિટિંગ કાર્ડમાં મારો નંબર પણ લખ્યો હોવાથી રાહદારીઓએ મને ઍક્સિડન્ટની જાણ કરી હતી.’

સૂરજે મમ્મી-પપ્પાની પચીસમી મૅરેજ-ઍનિવર્સરી ઊજવી

સૂરજના પપ્પાએ કહ્યું હતું કે ‘૧૯ ડિસેમ્બરે અમારી પચીસમી મૅરેજ-ઍનિવર્સરી હતી અને એ માટે તેણે એકલાએ ખૂબ મહેનત કરી હતી. સવારે ૭ વાગ્યે અમારા બન્નેના ફોટોની મોટી ફ્રેમ અમને ગિફ્ટ આપી હતી. આ બધી તેની વાતો અને તેનો શાંત, હેલ્પફુલ નેચર ફક્ત અમને નહીં, ઘણા લોકોને આ બનાવથી આઘાત અપાવી ગયો છે. તેની મમ્મી તો ફક્ત એટલું જ બોલી રહી છે કે તું મને લેવા આવી રહ્યો હતો અને હું તને આ રીતે લઈને જાઉં છું.’

સૂરજની અંતિમયાત્રામાં રિક્ષાવાળાઓએ નિ:શુલ્ક સેવા આપી


સૂરજ નાની ઉંમરનો હોવા છતાં બધાનાં સુખ-દુ:ખમાં ઊભો રહેતો હતો તેમ જ ડોમ્બિવલીભરમાં તેણે ઘણાં સામાજિક કાર્યો કયાર઼્ હોવાથી મોટી સંખ્યામાં લોકો બુધવારે મોડી સાંજે તેના અંતિમ સંસ્કારમાં જોડાયા હતા. ત્યાંના રિક્ષા-ડ્રાઇવરો અંતિમયાત્રામાં જોડાયેલા લોકોને નિ:શુલ્ક સ્મશાનથી ઘરે મૂકી જતા હતા.