20 February, 2026 12:11 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુપ્રિયા સુળે રોહિત પવાર સાથે
ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના આકસ્મિક મૃત્યુ પાછળ કોઈ કાવતરું હોવાનો દાવો કરી રહેલા તેમના ભત્રીજા રોહિત પવારની સુરક્ષા જોખમમાં મુકાઈ શકે છે એવું નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (SP)નાં કાર્યકારી પ્રમુખ સુપ્રિયા સુળેનું માનવું છે.
સુપ્રિયા સુળેએ તેમના પક્ષના વિધાનસભ્ય રોહિત પવારને સુરક્ષા પૂરી પાડવામાં આવે એવી માગણી મહારાષ્ટ્ર સરકાર સમક્ષ કરી છે. સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને સુપ્રિયાએ કહ્યું હતું કે ‘બારામતીમાં ૨૮ જાન્યુઆરીએ થયેલી વિમાન-દુર્ઘટનામાં અજિત પવાર અને અન્ય ૪ લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ ઘટના બાબતે અનેક શંકાઓ સેવાઈ રહી છે. સિસ્ટમ પર સવાલ ઉઠાવવો એ દરેક ભારતીય નાગરિકનો બંધારણીય અધિકાર છે. રોહિત પવાર લોકોના મનમાં રહેલી શંકાઓ અને ચિંતાઓને રજૂ કરી રહ્યા છે. લોકો અધિકારીઓ પાસેથી સ્પષ્ટ જવાબો મેળવવાનો હક ધરાવે છે.’
જો અધિકારીઓ જવાબો આપવામાં વિલંબ કરશે તો લોકોની અકળામણ વધશે એટલે ઘટનાનું સત્ય જલદી જનતા સમક્ષ બહાર આવે એ જરૂરી છે. ત્યાં સુધી રોહિત પવારને પૂરતી સુરક્ષા આપવામાં આવે એની જવાબદારી રાજ્ય સરકાર લે તે જરૂરી છે એ વાત પર સુપ્રિયા સુળેએ ભાર મૂક્યો હતો.