11 March, 2025 06:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શનિવારે સાંજે હાટકેશ વિસ્તારમાં ગેરકાયદે બૅનર દૂર કરી રહેલો અતિક્રમણ વિભાગનો એક કર્મચારી.
મીરા રોડના હાટકેશ વિસ્તારમાં નવી કોર્ટનું સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અભય ઓકે શનિવારે ઉદ્ઘાટન કર્યું ત્યારે કોર્ટના ઉદ્ઘાટન કરવા માટેનાં ગેરકાયદે હોર્ડિંગ્સ અને બૅનર્સ જોઈને પ્રશાસનની ટીકા કરી હતી. આથી મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના અધિકારીઓની ઊંઘ ઊડી જતાં અતિક્રમણ વિભાગે શનિવારે રાતના બે વાગ્યા સુધી ગેરકાયદે હોર્ડિંગ્સ અને બૅનર્સ હટાવ્યાં હતાં.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અભય ઓકની ગેરકાયદે હોર્ડિંગ્સ અને બૅનર્સની ટીકા બાદ મીરા-ભાઈંદરના નવનિયુક્ત કમિશનર-કમ-ઍડ્મિનિસ્ટ્રેટર રાધાબિનોદ શર્માએ શનિવારે કોર્ટનું ઉદ્ઘાટન થયા બાદ તાત્કાલિક ધોરણે તમામ ગેરકાયદે હોર્ડિંગ્સ અને બૅનર્સ હટાવવાનો નિર્દેશ અતિક્રમણ વિભાગને આપ્યો હતો. આથી બપોરથી રાતના બે વાગ્યા સુધી ૧૮૨ ગેરકાયદે બોર્ડ, બૅનર્સ અને હોર્ડિંગ્સ દૂર કરવામાં આવ્યાં હતાં. એટલું જ નહીં, ગેરકાયદે હોર્ડિંગ્સ અને બૅનર્સ લગાવવા સંબંધે કાશીમીરા અને કાશીગાવ પોલીસ-સ્ટેશનમાં બે જુદી-જુદી ફરિયાદ નોંધવામાં આવી હતી.