15 March, 2024 06:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અજિત પવાર
કેન્દ્રીય ચૂંટણી પંચે એનસીપી અને એનું ચૂંટણીચિહ્ન અજિત પવાર જૂથને સોંપવાનો નિર્ણય લીધો એને શરદ પવાર જૂથે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. આ મામલાની ગઈ કાલે સુનાવણી હાથ ધરવામાં આવી ત્યારે શરદ પવાર જૂથના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કોર્ટમાં ફરિયાદ કરી હતી કે અલગ થઈ ગયા બાદ પણ અજિત પવાર જૂથ મતદારોને આકર્ષવા માટે શરદ પવારના નામ અને ફોટોનો ઉપયોગ કરી રહ્યું છે.
સુપ્રીમ કોર્ટે આ ફરિયાદ સાંભળ્યા બાદ અજિત પવાર જૂથને કહ્યું હતું કે ‘ચૂંટણી નજીક હોય છે ત્યારે તમને શરદ પવારની જરૂર પડે છે. ચૂંટણી ન હોય ત્યારે તેમની જરૂર નથી લાગતી. હવે તમારી એક અલગ ઓળખાણ છે. આ ઓળખાણ સાથે જ મતદારોની વચ્ચે જાઓ.’
કોર્ટે મતદારોને અપીલ કરવા માટે શરદ પવારનું નામ અને ફોટો ન વાપરવા સંબંધી બે દિવસમાં સોગંદનામું દાખલ કરવાનું કહ્યું હતું. એટલું જ નહીં, ચૂંટણી પંચે આપેલો નિર્ણય અંતિમ નથી એટલે પોતાના માટે પક્ષનું બીજું કોઈ નામ અને ચિહ્ન લેવા પર વિચાર કરવાનું કહ્યું હતું. આ મામલાની આગામી સુનાવણી આવતા મંગળવારે થશે.