દાગીના પહેરેલી મહિલાને લૂંટીને તેની હત્યા કરીએ તો કામ સારાં થાય

28 June, 2025 09:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આવી અંધશ્રદ્ધામાં કલવામાં મહિલાની હત્યા કરીને નાસી ગયેલા ત્રણ આરોપીની પોલીસે બિહારથી ધરપકડ કરી

કલવા પોલીસે બિહારથી પકડેલા આરોપીઓ.

કલવા કાવેરી સેતુ રોડ પરની એક બાંધકામ-સાઇટ પર ૧૪ જૂને ૪૦ વર્ષની શાંતાબાઈ ચવાણના ૮૦,૦૦૦ રૂપિયાના દાગીના લૂંટીને તેના શરીર પર છરીના ૨૪ ઘા મારીને હત્યા કરી નાસી ગયેલા ત્રણ આરોપીની કલવા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે બુધવારે બિહારથી ધરપકડ કરી હતી. દાગીના પહેરેલી મહિલાને લૂંટીને તેની હત્યા કરવાથી આગળની લૂંટ કરવામાં મોટી સફળતા મળે છે એવી અંધશ્રદ્ધામાં આવી જઈ આરોપીઓએ મહિલાની હત્યા કરી હોવાની ચોંકાવનારી માહિતી જાણવા મળી છે. આરોપીએ આગળની લૂંટ કરવા માટે રિવૉલ્વર સહિતનાં અન્ય હથિયાર પણ ભેગાં કર્યાં હતાં જે પોલીસે જપ્ત કર્યાં છે.

મોટી લૂંટ માટે ખરીદેલી રિવૉલ્વર પોલીસે જપ્ત કરી છે.

કલવાના પોલીસ-ઇન્સ્પેક્ટર અનિલ ગાયકવાડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૧૪ જૂને બપોરે સાડાત્રણ વાગ્યે કલવા સ્ટેશન રોડ પર સીમા હાઇટ્સ નામની બાંધકામ-સાઇટ પરથી એક મહિલાની ડેડ-બૉડી અમારી ટીમને મળી હતી. તેના શરીર પર છરીના ૨૪ ઘા ઝીંકવામાં આવ્યા હોવાથી તેની ઓળખ કરવી મુશ્કેલ હતી. હત્યા કરનાર આરોપીએ મહિલાનો કાન પણ કાપી નાખ્યો હતો. પ્રાથમિક માહિતીના આધારે અમે મહિલાની ઓળખ શાંતાબાઈ હોવાની કરી વધુ તપાસ કરતાં મહિલા મજૂરીકામ કરતી હોવાનું જાણવા મળ્યું હતું. ત્યાર બાદ ઘટનાસ્થળ નજીકના ક્લોઝ્‍ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ તપાસતાં મહિલાને મજૂરીકામ માટે ત્રણ યુવકો બાંધકામ-સાઇટ પર લાવ્યા હોવાની માહિતી મળતાં CCTVમાં દેખાતા ત્રણ યુવાનો વિશે તપાસ હાથ ધરી હતી. જોકે આરોપીઓને આસપાસના વિસ્તારમાં કોઈ ઓળખતું ન હોવાથી અમે ઘટનાસ્થળથી લોકમાન્ય તિલક ટર્મિનસ સુધીનાં ૧૫૦થી વધુ CCTV કૅમેરાનાં ફુટેજ તપાસ્યાં હતાં જેમાં આરોપી બિહાર જતા હોવાની માહિતી મળતાં બિહારના ખગડિયા જિલ્લામાંથી માસ્ટરમાઇન્ડ ૩૦ વર્ષના વિશ્વજિત સિંહ, ૧૯ વર્ષના દેવરાજ કુમાર અને ૧૭ વર્ષના કિશોરની ધરપકડ કરી હતી.’
હત્યા કરવા પાછળનું કારણ સાંભળીને અમે પણ ચોંકી ઊઠ્યા હતા એમ જણાવતાં અનિલ ગાયકવાડે ઉમેર્યું હતું કે ‘આરોપીએ હત્યા કરવાનો પ્લાન બિહારમાં બનાવ્યો હોવાનું જણાવતાં અમને કહ્યું હતું કે તેમના ગામમાં એવી માન્યતા છે કે દાગીના પહેરેલી મહિલાને લૂંટીને તેની છરી વડે હત્યા કરવાથી પછીની લૂંટમાં મોટી સફળતા મળે છે. એ પછી આરોપીઓએ બિહારમાં એક મોટી લૂંટ કરવાની યોજના બનાવી હતી અને એને માટે તેમણે રિવૉલ્વર પણ ખરીદી હતી. જોકે એ લૂંટને અંજામ આપતાં પહેલાં દાગીના પહેરેલી મહિલાનો બલિ ચડાવવો જરૂરી હોવાથી તેમણે એ મહિલાની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. મહિલાના શરીર પરથી લૂંટેલા દાગીના તેમણે બિહારમાં વેચ્યા હોવાનું જણાવ્યું હતું.’

mumbai news mumbai kalwa mumbai crime news murder case mumbai police