૪ શ્વાનોએ ૬ વર્ષમાં પકડાવ્યું ૧૦૦ કરોડનું ડ્રગ્સ

30 November, 2011 07:57 AM IST  | 

૪ શ્વાનોએ ૬ વર્ષમાં પકડાવ્યું ૧૦૦ કરોડનું ડ્રગ્સ



(બિપિનકુમાર સિંહ)

મુંબઈ, તા. ૩૦

મુંબઈ ઍરર્પોટના કસ્ટમ્સના નાર્કોટિક્સ વિભાગના ચાર ચપળ અને ચબરાક શ્વાનોએ છેલ્લાં છ વર્ષમાં અંદાજે ૧૦૦ કરોડ રૂપિયાના નશીલા પદાર્થો પકડાવવામાં ભાગ ભજવ્યો છે. ઍરર્પોટ કસ્ટમ્સે આ છ વર્ષમાં જેટલા પણ નશીલા પદાર્થો જપ્ત કર્યા છે એમાંના ૯૮ ટકા સોની, ડૉલી, અંજુ તથા ગોલ્ડી. નામના આ શ્વાનોને આભારી છે આટલું બધું ડ્રગ્સ પકડવામાં મદદ કરીને આ શ્વાસનોએ કેટલાય લોકોને એની ચુંગાલમાં ફસાતાં બચાવ્યા છે. આવો મળીએ તેમને...

સોની, ૮ વર્ષ : કસ્ટમ્સ સ્ક્વૉડની આ સૌથી સિનિયર મેમ્બરે સૌથી પહેલા કેસમાં ૨૦૦૫ની ૨૬ મેએ ૩૮ લાખ ૫૦ હજારની કિંમતનું ૭.૫ કિલો હશીશ પકડાવ્યું. જોકે સૌથી મોટો કેસ ૨૦૦૬ની ૨૬ જાન્યુઆરીએ ૧ કરોડ ૯૦ લાખ રૂપિયાનું ૨૧ કિલો હશીશ પકડાવ્યું એ છે. ત્યાર બાદ ૨૦૦૬ની ૪ જુલાઈએ ૫.૫ કિલો હેરોઇન તથા ૨૦૦૮ની ૧૩ મેએ ૫ કરોડ ૫૫ લાખ રૂપિયાનું ૧ કિલો હેરોઇન પકડાવ્યું હતું.

ડૉલી, ૬ વર્ષ :
આ સ્ક્વૉડમાં જોડાયાના પ્રથમ દિવસે જ એટલે કે ૨૦૦૮ની ૩૦ જુલાઈએ ૧ કરોડ ૩૦ લાખ રૂપિયાની કિંમતનું ૧.૩ કિલોગ્રામ હેરોઇન પકડાવ્યું. ત્યાર બાદ ૨૦૦૮ની ૪ ઑક્ટોબરે ૧ કરોડ ૯૦ લાખ રૂપિયાની કિંમતનું ૧.૯ કિલોગ્રામ હેરોઇન પકડાવ્યું. એ જ મહિનાની ૧૦ ઑક્ટોબરે ૩ કરોડ ૫૦ લાખ રૂપિયાનું ૩.૫ કિલોગ્રામ હેરોઇન પકડાવ્યું. ત્યાર બાદ ૨૦૦૮ની ૧૧ નવેમ્બરે ૧ કરોડ ૨૦ લાખ રૂપિયાનું ૧.૨ કિલોગ્રામ હેરોઇન, ૨૦૦૯ની ૨૩ માર્ચે ૨ કરોડ ૭૦ લાખનું ૨.૭ કિલોગ્રામ હેરોઇન તથા ૨૦૧૦ની ૨૮ ઑગસ્ટના રોજ ૬ કરોડ ૯૫ લાખ રૂપિયાનું ૬.૫૫ કિલોગ્રામ હેરોઇન પકડાવ્યું હતું.

અંજુ, ૬ વર્ષ : આ સ્ક્વૉડની ચૅમ્પિયન ગણાય છે. તેણે પહેલા કેસમાં ૨૦૦૭ની ૨૫ ઑગસ્ટે ૨ કરોડ ૫૫ લાખનું ૨.૫ કિલોગ્રામ હેરોઇન પકડાવ્યું. ૨૦૦૭ની ૩૦ ઑક્ટોબરે ર કરોડ રૂપિયાનું ૨ કિલોગ્રામ હેરોઇન, એ જ વર્ષની ૨૮ ડિસેમ્બરે ૨ કરોડ ૯૦ લાખ રૂપિયાનું ૨.૯ કિલોગ્રામ મૉર્ફીન, ૨૦૦૮ની ૨૨ જુલાઈએ ૧ કરોડ રૂપિયાનું ૧ કિલોગ્રામ હેરોઇન, ૨૦૦૯ની ૧૬ ફેબ્રુઆરીએ ૩ કરોડ ૩૪ લાખ રૂપિયાનું ૩.૩૪ કિલોગ્રામ હેરોઇન તથા એ જ વર્ષમાં ૨ કરોડ ૮૦ લાખ રૂપિયાની કિંમતનું ૧.૧૬ તથા ૧.૫૯ કિલોગ્રામ હેરોઇન પકડાવ્યું હતું. ૨૦૧૧માં પણ અંજુએ ૨૫ કરોડ ૫૦ લાખ રૂપિયાનાં મૉર્ફીન, ગાંજો તથા હેરોઇન પકડવામાં મદદ કરી છે.

ગોલ્ડી, ૬ વર્ષ :
૨૦૦૮ની ૩૦ સપ્ટેમ્બરે ૨ કરોડ ૪૦ લાખ રૂપિયાની કિંમતનું ૨.૪ કિલોગ્રામ હેરોઇન તથા એ જ વર્ષના ઑક્ટોબર મહિનામાં ૧ કરોડ ૫૦ લાખ રૂપિયાનું ૧.૫ કિલોગ્રામ હેરોઇન પકડવામાં મદદ કરી હતી.

‘મિડ-ડે’એ આ ડૉગ-સ્ક્વૉડ વિશે વધુ માહિતી મેળવવા પ્રયાસ કર્યો ત્યારે જાણવા મળ્યું કે ૧૯૮૬માં હીરો નામના એક ડૉગની મદદથી આની શરૂઆત થઈ હતી. લૅબ્રૅડોર જાતિના કૂતરાઓની આમાં મદદ લેવાય છે જેમની સૂંઘવાની ક્ષમતા સૌથી વધુ હોય છે. એેથી જ નાર્કોટિક્સ તથા વિસ્ફોટક શોધવા માટે એમને કામમાં લેવામાં આવે છે. આ તમામને મધ્ય પ્રદેશના ગ્વાલિયરના ટાકેનપુરની બૉર્ડર સિક્યૉરિટી ર્ફોસની ઍકૅડેમીમાં તાલીમ આપવામાં આવે છે.

આ તમામ કૂતરાઓની સ્ક્વૉડની સાથે ડૉગ-હૅન્ડલર ઉપરાંત એક ડૉક્ટરની પણ તેમની કાળજી માટે કસ્ટમ્સ દ્વારા નિમણૂક કરવામાં આવી છે.

ડૉગ-ફૂડ

૮ રોટલી, ૨ ઈંડાં, ૧ લિટર દૂધ, ૫૦૦ ગ્રામ માંસ તથા ૨૫૦ ગ્રામ લીલાં શાકભાજી તેમને આપવામાં આવે છે.