નીતા અંબાણી, અભિષેક બચ્ચન, તુષાર ગાંધી, મોનિકા મોરે સ્વચ્છ ભારત મિશનના મહારાષ્ટ્રના પ્રતિનિધિ

17 October, 2014 06:09 AM IST  | 

નીતા અંબાણી, અભિષેક બચ્ચન, તુષાર ગાંધી, મોનિકા મોરે સ્વચ્છ ભારત મિશનના મહારાષ્ટ્રના પ્રતિનિધિ





ગાંધી જયંતીના અવસરે બીજી ઑક્ટોબરે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ છેડેલા સ્વચ્છ ભારત મિશનમાં મહારાષ્ટ્રના ‘ગુડવિલ ઍમ્બૅસેડર્સ’ તરીકે જે નવ જાણીતી વ્યક્તિનાં નામ જાહેર થયાં છે એમાં ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધી ઉપરાંત ઍક્ટર અભિષેક બચ્ચન, સિંગર સુનિધિ ચૌહાણ અને મરાઠી ફિલ્મસ્ટાર મકરંદ અનાસપુરેનો પણ સમાવેશ થાય છે.

ગઈ કાલે રાજભવનમાં સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરતાં રાજ્યપાલ વિદ્યાસાગર રાવે રાજ્યમાં આ મિશનના નવ ગુડવિલ ઍમ્બૅસેડરનાં નામોની જાહેરાત કરી હતી. આ ચાર ઉપરાંત આદિત્ય બિરલા ગ્રુપનાં ડિરેક્ટર રાજશ્રી બિરલા, ઇન્ડસ્ટ્રિયલિસ્ટ મુકેશ અંબાણીનાં પત્ની નીતા અંબાણી, શૂટર અંજલિ ભાગવત, લોકલ ટ્રેન અને પ્લૅટફૉર્મ વચ્ચેના કિલર ગૅપમાં અકસ્માતે બન્ને હાથ ગુમાવનારી કૉલેજિયન મોનિકા મોરે અને અપ્પાસાહેબ ધર્માધિકારીના નામથી જાણીતા સમાજસુધારક દત્તાત્રેય નારાયણનાં નામ પણ જાહેર કરાયાં છે.

લોકોને પાઠવેલા સંદેશામાં ગવર્નરે કહ્યું હતું કે ‘મને ખાતરી છે કે આ જાણીતી વ્યક્તિઓ મિશનમાં જોડાયા બાદ સમાજમાં સ્વચ્છતા માટે કેટલાય લોકોને પ્રેરણા મળશે. સ્વચ્છ ભારત મિશનને આપણે સાથે મળીને લોકઆંદોલનમાં ફેરવી નાખવું છે.’

સ્વચ્છતા મિશન કઈ રીતે આગળ વધશે એ વિશે રાજ્યપાલે કહ્યું હતું કે ‘આપણે રેલવે-સ્ટેશનો, હૉસ્પિટલો, ઑફિસો અને માર્કેટો જેવાં જાહેર સ્થાનોએ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને હું પોતે સ્વચ્છતા અભિયાનમાં ભાગ લેવા ૧૮ ઑક્ટોબરે થ્થ્ હૉસ્પિટલ જવાનો છું.’