31 January, 2026 08:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઍક્સિડેન્ટલ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર - સુનેત્રા પવાર
અજિત પવારના અવસાન પછી તેમનું સ્થાન લેવા માની ગયાં પત્ની સુનેત્રા પવાર, આજે સાંજે પાંચ વાગ્યે શપથવિધિ : દીકરો પાર્થ મમ્મીની જગ્યાએ રાજ્યસભામાં જશે: રાજ્યમાં અજિત પવાર જે ખાતાં સંભાળતા હતા એમાંથી ફાઇનૅન્સ દેવેન્દ્ર ફડણવીસ સંભાળશે, બાકીનાં સુનેત્રા પવારના ફાળે : સુનેત્રા પવાર NCPનાં રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બનશે, એ પછી NCP (SP) સાથેના વિલીનીકરણનો મુદ્દો હાથ ધરાશે
રાજ્યના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજિત પવારનું પ્લેન-ક્રૅશમાં મૃત્યુ થયા બાદ નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ડેપ્યુટી ચીફ મિનિસ્ટરપદ પર કોની વરણી થશે એ ચર્ચાએ જોર પકડ્યું હતું. જોકે ગઈ કાલે સાંજે તેમનાં પત્ની સુનેત્રા પવારે લોકોની ભાવના અને પાર્ટીના વિધાનસભ્યોની વિનંતીને માન આપીને પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષનું અને ડેપ્યુટી ચીફ મિનિસ્ટરનું પદ સ્વીકારવાની મંજૂરી દર્શાવી હતી. એથી આજે નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ની બેઠકમાં તેમની મંજૂરીને મહોર માર્યા બાદ સાંજે પાંચ વાગ્યે શપથવિધિ કરવામાં આવશે એવું જણાવવામાં આવ્યું હતું. અજિત પવારની જાહેરાતોનું કામ સંભાળતી ડિઝાઇન બૉક્સ કંપનીના પ્રમુખ નરેશ અરોરા અને NCPના સિનિયર નેતાઓ સાથે ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. એ પછી નરેશ અરોરા એ મેસેજ લઈને મુંબઈ આવવા નીકળી ગયા હતા. સુનેત્રા પવાર રાજ્યનાં પહેલાં મહિલા ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બનશે.
અજિત પવારના અસ્થિ-વિસર્જન પછી વિડિયો-કૉન્ફરન્સથી સુનેત્રા પવાર અને પાર્ટીના પાંચ વરિષ્ઠ નેતાઓની મીટિંગ થઈ હતી જેમાં ઉપરોક્ત નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમના આ નિર્ણયની જાણ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને કરવામાં આવી હતી. એથી આજે જ તેમની ડેપ્યુટી ચીફ મિનિસ્ટર તરીકેની શપથવિધિ યોજાશે, જ્યારે તેમના પુત્ર પાર્થ પવારને રાજ્યસભામાં મોકલવામાં આવશે. એ સાથે જ એવી પણ ચર્ચા હતી કે ધનંજય મુંડેને ફરી પ્રધાનમંડળમાં લેવામાં આવશે.
દેવેન્દ્ર ફડણવીસને NCPના આ નિર્ણયની જાણ કરવામાં આવી છે. તેમણે પણ એને માન્ય રાખ્યો છે. અજિત પવાર પાસે ફાઇનૅન્સ, ક્રીડા અને એક્સાઇઝ ડિપાર્ટમેન્ટનાં ખાતાં હતાં. એમાં પણ સૌથી મહત્ત્વનું ફાઇનૅન્સ ડિપાર્ટમેન્ટ ખાતું દેવેન્દ્ર ફડણવીસ પોતાની પાસે રાખવાના છે, જ્યારે ક્રીડા અને એક્સાઇઝ સુનેત્રા પવારના ફાળે જશે એવી જાહેરાત દેવેન્દ્ર ફડણવીસે કરી છે. સાથે જ તેમણે બજેટ-સેશન ચાલુ થવાનું હોવાથી એ માટેની તૈયારીઓ પણ ચાલુ કરી દઈશું એવું જણાવ્યું હતું.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે કહ્યું હતું કે ફાઇનૅન્સ ડિપાર્ટમેન્ટ તેમની પાસે જ રહેશે અને હવે તેઓ બજેટ-સત્રની તૈયારીમાં લાગી જશે.