07 May, 2026 07:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુનેત્રા પવાર
મહારાષ્ટ્રનાં નાયબ મુખ્ય પ્રધાન અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)નાં અધ્યક્ષ સુનેત્રા પવારે બારામતી વિધાનસભાની પેટાચૂંટણીમાં ઐતિહાસિક જીત નોંધાવ્યા બાદ રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. સુનેત્રા પવારે તેમના સ્વર્ગસ્થ પતિ અજિત પવારના નિધનથી ખાલી પડેલી આ બેઠક પર દેશમાં અત્યાર સુધીની સૌથી મોટી સરસાઈથી જીત મેળવીને નવો રાષ્ટ્રીય રેકૉર્ડ સ્થાપિત કર્યો છે.
નિયમ અનુસાર બન્ને સભાગૃહોમાં ચૂંટાયેલી વ્યક્તિએ ૧૪ દિવસની અંદર એમાંથી એકમાંથી રાજીનામું આપવું જરૂરી છે. પરિણામે વિધાનસભાની ચૂંટણીનાં પરિણામોની જાહેરાત થતાં જ સુનેત્રા પવારે પોતાની સંસદીય બેઠક પરથી રાજીનામું આપી દીધું છે. હવે સુનેત્રા પવાર દ્વારા ખાલી કરાયેલી રાજ્યસભાની બેઠક માટે પેટાચૂંટણીની જાહેરાત ટૂંક સમયમાં થવાની ધારણા છે. એમાં સુનેત્રા પવારના પુત્ર જય પવાર અને છગન ભુજબળને પ્રબળ દાવેદાર ગણવામાં આવી રહ્યા છે.
જોકે સુનેત્રા પવારના રાજીનામા પહેલાં જ તેમના પુત્ર પાર્થ પવાર સંસદસભ્ય બની ચૂક્યા છે. પાર્થ પવારે ગયા મહિને જ રાજ્યસભામાં સંસદસભ્ય તરીકે શપથ લીધા હતા.
વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા બાદ સુનેત્રા પવારે દિલ્હીમાં રાજ્યસભાના સભ્યપદેથી પોતાનું રાજીનામું ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણનને સુપરત કર્યું છે. હવે તેઓ મહારાષ્ટ્ર વિધાનસભામાં બારામતીનું પ્રતિનિધિત્વ કરશે અને રાજ્ય સરકારમાં નાયબ મુખ્ય પ્રધાન તરીકેની જવાબદારી સંભાળવાનું ચાલુ રાખશે.