રવિવારે જૈનોની રૅલી કાંદિવલીથી જુહુ સુધી

31 August, 2012 08:11 AM IST  | 

રવિવારે જૈનોની રૅલી કાંદિવલીથી જુહુ સુધી

લખનઉમાં ૧૭ ઑગસ્ટે મહાવીરસ્વામી અને આદિનાથ ભગવાનની પ્રતિમા ખંડિત કરવામાં આવી હતી. એ સિવાય એલ્લુર, કર્ણાટક અને ગુલબર્ગામાં પણ ભગવાનની પ્રતિમાને તોડવામાં આવતાં જૈન સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે. આ રોષની લાગણી વધુપડતી મુંબઈમાં જોવા મળી છે અને આ ઘટના પર વિચારવિમર્શ કરવા માટે પાર્લાના મહામુખભવન ખાતે એક મીટિંગ રાખવામાં આવી હતી.

આ મીટિંગમાં જૈનોના નિર્ણય મુજબ ચારે ફિરકાઓએ સબર્બના વિસ્તારોમાં મહારૅલીનું આયોજન કર્યું હતું અને એ ઘણે અંશે સફળ રહી હતી. જૈનોની આ વિરાટ રૅલીમાં સરકાર પાસે મૂર્તિને ખંડિત કરનારાઓને પકડવાની માગણી કરતાં પણ મહત્વની માગણી એ કરવામાં આવી હતી કે ઉત્તર પ્રદેશના લખનઉમાં ૧૭ ઑગસ્ટે મહાવીરસ્વામી અને ગુરુ ગૌતમની મૂર્તિને સરકારના ખર્ચે‍ નવી બનાવી એના મૂળ સ્થાને સ્થાપિત કરવામાં આવે. આ બાબતની માગણી કરતું એક આવેદનપત્ર ચારે ફિરકાઓના અગ્રણીઓએ મળીને પોલીસ-કમિશનરને સુપરત કર્યું હતું.

લખનઉમાં ભગવાન મહાવીરસ્વામીની પ્રતિમાના ખંડનમાં ત્યાંની સરકાર તરફથી મદદ મળી રહી છે પણ કર્ણાટકમાં સફળતા મળવાની બાકી છે. લખનઉના મુખ્ય પ્રધાન અખિલેશ યાદવે ૩૩ લાખ રૂપિયા પાસ કર્યા છે જેમાંથી ૨૧ લાખ રૂપિયાની નવી પ્રતિમા લગાવવામાં આવશે. આ પ્રતિમા હસ્તિનાપુર જૈન દેરાસરના મૂર્તિના કારીગરો પાસેથી ખરીદીને ૧૦ દિવસમાં મૂકવામાં આવશે તેમ ત્યાંની સરકાર તરફથી જાહેર કરવામાં આવ્યું છે. બાકી બચેલા રૂપિયાથી દેરાસરમાં સીસીટીવી કૅમેરા બેસાડવા અને સમારકામ કરવું એમ નક્કી થયું છે. આ સિવાય પોલીસે ૫થી ૬ અસામાજિક તત્વોની પણ ધરપકડ કરેલી છે.

હાલમાં વિલે પાર્લેના ગણિવર્ય પૂ. લબ્ધિચંદ્રસાગરજી અને વિરાગસાગરજી મહારાજસાહેબની નિશ્રામાં વિલે પાર્લેના મહાસુખ ભવનમાં આયોજિત કરવામાં આવેલી મીટિંગમાં નક્કી થયું છે કે રવિવારે કાંદિવલીથી જુહુ સુધી મહારૅલીનું આયોજન કર્યું છે.