તમારા સંતાનનું ઉનાળાનું વેકેશન આ વર્ષે ટૂંકું થઈ જશે

02 November, 2014 04:24 AM IST  | 

તમારા સંતાનનું ઉનાળાનું વેકેશન આ વર્ષે ટૂંકું થઈ જશે



જો આ ઉનાળામાં તમે મોટી રજા માણવાનો પ્લાન બનાવ્યો હોય તો જરા ચેતી જજો, કારણ કે આ વર્ષે‍ ઉનાળાની રજા ટૂંકી હશે. સપ્ટેમ્બરમાં ગણેશોત્સવની પાંચ રજાઓ અને ચૂંટણી દરમ્યાન ત્રણ દિવસની રજાઓને લીધે આ વખતે સ્કૂલો શનિવારે ખુલ્લી રાખવી પડશે અથવા તેમનું સેમેસ્ટર એપ્રિલ મહિનાના મધ્ય સુધી ખેંચવું પડશે. રાઇટ ટુ એજ્યુકેશન (ય્વ્ચ્) જણાવે છે કે સ્કૂલોએ વર્ષના ૨૨૦ દિવસ કામકાજ કરવું જોઈએ. આ કાયદાથી શિક્ષકો અને પેરન્ટ્સ ખાસ ખુશ નથી.

કાંદિવલીની હિલ્ડા કૅસ્ટેલિનો મરાઠી હાઈ સ્કૂલના પ્રિન્સિપાલ પ્રશાંત રેડિજે કહ્યું હતું કે  તેમની સ્કૂલે એની વાર્ષિક પરીક્ષાનો કાર્યક્રમ ૭ એપ્રિલથી ૧૫ એપ્રિલ કર્યો છે. રેડિજે ઉમેર્યું હતું કે વધારાના દિવસો તેમની સ્કૂલ બાકી રહેલો અભ્યાસ પૂર્ણ કરવા માટે વાપરશે. સૌપ્રથમ કેટલીક રાજકીય પાર્ટીઓ દ્વારા અમને ચેતવણી આપી ગણેશોત્સવ દરમ્યાન રજાઓ આપવા જણાવવામાં આવ્યું હતું. હવે શિક્ષણ વિભાગ કહે છે કે અમે વર્ષ દરમ્યાન નક્કી કરેલી રજાઓથી વધુ રજાઓ ન આપી શકીએ. પરિસ્થિતિ ત્યારે બગડે છે જ્યારે અમે ગુમાવેલા સમયની ભરપાઈ કરવાનો પ્રયાસ કરીએ ત્યારે પેરન્ટ્સ અમારા પર બગડે છે. આમ સ્કૂલોના પ્રિન્સિપાલો બધી બાજુથી ભીંસમાં આવે છે.

ગણેશોત્સવની રજાઓ ઉપરાંત સ્કૂલોએ ગયા મહિને ચૂંટણી માટે આપવામાં આવેલી રજાઓના સમયની ભરપાઈ કરવાની છે. ઘણી સ્કૂલોએ એમનો અભ્યાસક્રમ પૂરો થયો ન હોવાથી એમની પરીક્ષાઓ આગળ ધકેલી છે અને પહેલાં સેમેસ્ટરમાં બાકી રહેલો અભ્યાસક્રમ છેલ્લા સેમેસ્ટરમાં પૂરો કરવાનું નક્કી કર્યું છે.

દરમ્યાન સ્કૂલ વિભાગે ફરજિયાત કામકાજના દિવસો વિશે કોઈ નાટિસ મોકલી નથી. આ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ‘સ્કૂલોને કાયદાની જાણ છે. ય્વ્ચ્ સ્પષ્ટપણે જણાવે છે કે પ્રાથમિક સ્કૂલોએ વર્ષમાં ૨૦૦ દિવસ જ્યારે માધ્યમિક સ્કૂલોએ વર્ષમાં ૨૨૦ દિવસ કામ કરવું જરૂરી છે. આ માહિતી સ્કૂલોને પહોંચાડી દેવામાં આવી છે. વિભાગ એને વારંવાર યાદ નહીં અપાવે. જો કોઈ સ્કૂલ નિયમોનો ભંગ કરતી હશે તો એમને અમે નોટિસ મોકલીશું.’

વર્ષ દરમ્યાન રજાઓની યાદી

ઉનાળુ વેકેશન : ૪૦ -૪૫ દિવસ

દિવાળી વેકેશન : ૧૮ દિવસ

ક્રિસમસ વેકેશન : ૮થી ૯ દિવસ

અન્ય રાજ્ય અને રાષ્ટ્રીય તહેવારો: ૧૮થી ૨૦ દિવસ