બાંદરા-વરલી સી-લિન્ક પરથી સુસાઇડનો પ્રયાસ

24 October, 2011 08:43 PM IST  | 

બાંદરા-વરલી સી-લિન્ક પરથી સુસાઇડનો પ્રયાસ

સિક્યૉરિટીની નજર ચૂકવી


વરલીમાં જ રહેતી ૨૫ વર્ષની શહનાઝ ઇરફાન ખાને શનિવારે રાતે સિક્યૉરિટીની નજર ચૂકવી સી-લિન્ક પર એન્ટ્રી લીધી હતી. આ વિશે વધુ જણાવતાં વરલી પોલીસ-સ્ટેેશનના સબ-ઇન્સ્પેક્ટર રામ ઠાકુરે કહ્યું હતું કે સિક્યૉરિટીનું આ બાબતે ધ્યાન જતાં તેમણે વ્હીસલ મારીને તેને રોકવાનો પ્રયત્ન કર્યો હતો અને તેની પાછળ દોડ્યા હતા. જોકે શહનાઝે તેમને પાછળ આવતાં જોઈ તરત જ સમુદ્રમાં ઝંપલાવી દીધું હતું. એ વખતે મધરાત બાદ રાતના એક વાગ્યા હતા એમ છતાં ત્યાં નજીકમાં જ રહેતા માછીમારો વ્હીસલ સાંભળીને દોડી આવ્યા હતા અને પોલીસની પરમિશન લઈને સમુદ્રમાં ઝંપલાવી શહનાઝને બચાવી લીધી હતી.’

બાર બંધ થતાં બેકાર

બાંદરા-વરલી સી-લિન્ક પરથી ઝંપલાવીને આત્મહત્યાના પ્રયાસમાં શહનાઝના આ કેસ વિશે વધુ માહિતી આપતાં વરલી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર વસંત તાજણેએ કહ્યું હતું કે ‘માછીમારો તેને બચાવી લાવ્યા ત્યારે તે જીવતી હતી એટલે તરત જ સારવાર માટે તેને પોદાર હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તેને સારવાર આપવામાં આવતાં તે શારીરિક રીતે સ્વસ્થ થઈ ગઈ હતી એમ છતાં તેણે પોતાના વિશે કાંઈ કહ્યું નહોતું. બહુ સમજાવ્યા બાદ તેણે પોતાનું નામ શહનાઝ ઇરફાન ખાન અને તે વરલીની જ રહેવાસી હોવાનું જણાવ્યું હતું. શહનાઝ તાડદેવમાં સ્ટૅન્લી બારમાં કામ કરતી હતી, પણ થોડા વખત પહેલાં બાર બંધ થઈ જતાં તે બેકાર થઈ ગઈ હતી.’

પોલીસે કરેલી તપાસ વિશે જણાવતાં સબ-ઇન્સ્પેક્ટર રામ ઠાકુરે કહ્યું હતું કે ‘અમને વધુ તપાસ કરતાં ખબર પડી હતી કે રાતે ઘરેથી નીકળતાં પહેલાં શહનાઝે તેના નાના ભાઈ અને મમ્મીને ઘરમાં પૂરી દીધાં હતાં અને બહારથી ઘર બંધ કરીને ચાલી નીકળી હતી. અમે તેની સામે હજી કોઈ ગુનો નોંધ્યો નથી, કારણ કે તે હજી પણ ટ્રૉમામાં છે.’