ગુજરાતી મહિલાનું અકસ્માતે મૃત્યુ કે આત્મહત્યા?

31 October, 2011 04:33 PM IST  | 

ગુજરાતી મહિલાનું અકસ્માતે મૃત્યુ કે આત્મહત્યા?

 

બકુલેશ ત્રિવેદી

અંધેરી, તા. ૩૧

જોકે પાણીની તકલીફ હોવાથી તેઓ ટેરેસ પર પાણીની પોઝિશન જોવા ગયાં હતાં અને અકસ્માતે નીચે પટકાઈ પડ્યાં હોવાની શંકા છે. તેમને કોઈએ પડતાં જોયાં નથી. તેમને હાઇપરટેન્શન અને હાઈ બ્લડપ્રેશરની બીમારી હતી એથી ચક્કર આવતાં તેઓ ફસડાઈ પડ્યાં હોવાની શંકા છે. બીજું, તેમને ડિપ્રેશન હતું અને એની દવા પણ ચાલુ હતી એટલે તેમણે ઉપરથી ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું હોવાની પણ શક્યતા નકારી શકાતી નથી. એ મુજબની નોટ પણ તેમણે ત્રણ મહિના પહેલાંથી લખેલી પોલીસને મળી આવી છે. અત્યારે અંબોલી પોલીસે ઍક્સિડેન્ટલ ડેથનો કેસ નોંધ્યો છે.

પાણીની સમસ્યાએ જીવ લીધો?

મૂળ કચ્છના સંભલપુર નજીકના ત્રગડી ગામનાં કચ્છી વીસા ઓસવાળ જ્ઞાતિનાં મંજુલા શાહ છેલ્લાં કેટલાંક વર્ષોથી એકલાં જ રહેતાં હતાં. આઠ વર્ષ પહેલાં તેમના પતિ વસંતભાઈનું મૃત્યુ થયું હતું. ગઈ કાલની ઘટના વિશે જણાવતાં તેમનાં બહેન હેમલતા લાલને કહ્યું હતું કે ‘આજે જ તેઓ તેમના નવા ફ્લૅટમાં શિફ્ટ થવાનાં હતાં. એસઆરએ સ્કીમ હેઠળ મળેલા ફ્લૅટમાં તેમણે થોડુંઘણું રિનોવેશન પણ કરાવ્યું હતું. જોકે મકાનમાં પાણીની તકલીફ હતી અને એટલે તેઓ પહેલા જ દિવસે પાણીની તકલીફ ન પડે એ માટે પાણી ચેક કરવા ટાંકી પર ચડ્યાં હોવાં જોઈએ અને ત્યાંથી પટકાયાં હોઈ શકે.’

વ્યાજની રકમ બંધ થતાં ડિપ્રેશન

મંજુલાબહેનના આ અપમૃત્યુ વિશે માહિતી આપતાં અંબોલી પોલીસ-સ્ટેશનના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર રવિકાન્ત સાવંતે કહ્યું હતું કે ‘મંજુલા શાહના પતિ વસંત શાહનું કેટલાંક વર્ષો પહેલાં મૃત્યુ થયું હતું. તેમની એકમાત્ર દીકરીએ પણ આંતરજ્ઞાતીય લગ્ન કયાર઼્ છે. તેમને માનસિક બીમારી હતી અને એ માટે તેમની સારવાર પણ જોગેશ્વરીના ડાયમન્ડ નર્સિંગ હોમમાં ચાલુ હતી. અમને તેમણે ચાર મહિના પહેલાં લખેલી એક નોટ મળી આવી છે, જેમાં તેમણે લખ્યું છે કે તેમને માનસિક બીમારી છે અને જો તેઓ કાંઈ કરી બેસે તો કોઈને જવાબદાર ગણવા નહીં. તેમણે મેમણ બૅન્કમાં સાડાચારથી પાંચ લાખ રૂપિયા મૂક્યા હતા. એના વ્યાજ પર તેમનું ગુજરાન ચાલતું હતું, પણ મેમણ બેન્ક બંધ થઈ જતાં ૧૦૦૦થી વધુ વ્યાજની રકમ ઉપાડવાની મનાઈ હતી. આથી આથી તે ડિપ્રેશનમાં સરી પડ્યાં હતાં.’

વિલપાવર રાખવાની સલાહ

મંજુલાબહેને ડૉક્ટરે આપેલી સલાહ વિશે જણાવતાં તેમની દીકરી બીનાએ કહ્યું હતું કે ‘મમ્મીએ બધો સામાન પણ પૅક કરીને રાખ્યો હતો. આજે તે ફ્લૅટમાં શિફ્ટ થવાનાં હતાં. મેમણ બૅન્કમાં મૂકેલી રકમ ફસાઈ જતાં મમ્મીને ડિપ્રેશન હતું એ માટે અમે તેમની સારવાર પણ કરાવતાં હતાં. તેઓ બહુ જ ચલવિચલ રહેતાં હતાં. વચ્ચે અમે તેમનું કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલમાં પણ ચેક-અપ કરાવ્યું હતું. ત્યાંના ન્યુરોલૉજિસ્ટ ડૉક્ટર રાવે મમ્મીને ઍડ્વાઇઝ આપી હતી કે તમે વિલપાવર રાખો અને નેગેટિવ વિચારવાનું છોડી દો. તેમની આવક બંધ થઈ જતાં અમે તેમને ટિફિન બંધાવી દીધું હતું. ક્યારેક-ક્યારેક મારા ઘરે પણ મમ્મી આખો દિવસ રહેતાં, પણ રાતે તે તેમની રૂમ પર ચાલી જતાં હતાં.’ 

મારા પછી મારા પૈસા મારી દીકરીને મળે

મંજુલાબહેને લખેલી એક નોટ પોલીસને મળી છે જેમાં તેમણે લખ્યું છે કે ‘મારા પૈસા મેમણ બૅન્કમાં હતા. એ બૅન્ક બંધ થઈ ગઈ છે. મેં મારા ઘરવાળાને બહુ દુ:ખ આપ્યું છે. મેં મારી દીકરીને પણ બહુ દુ:ખ આપ્યું છે. મને માનસિક બીમારી થઈ છે. ઘણી દવા કરાવી, પણ સારું નથી થયું. જો હું કાંઈ કરી બેસું તો કોઈને જવાબદાર ગણવા નહીં. મારા પછી મારા પૈસા મારી દીકરીને મળે.’